સ્પોર્ટસ

કિશનને ડોમેસ્ટિક ક્રિકેટના 517 રન ફળ્યાઃ ગાવસકર અને હરભજનની દમદાર ટિપ્પણી…

મુંબઈઃ આગામી સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2025) માટે સિલેક્શન કમિટીએ શનિવારે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી જેમાં કેટલાક નિર્ણય ધારણા મુજબના અને અમુક નિર્ણય આશ્ચર્યજનક છે. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલને ટી-20ના નબળા બૅટિંગ પર્ફોર્મન્સને કારણે આ ટીમમાં નથી સમાવવામાં આવ્યો. વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશનને અને રિન્કુ સિંહને ભારત વતી ફરી રમવાની તક મળી છે. કિશને આ વર્ષમાં છેલ્લી 10 ડોમેસ્ટિક ટી-20માં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી ફટકારી છે. અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ટૉક ઑફ ધ ટાઉન છે.

બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) ટીમમાં ઇશાન કિશનના સમાવેશને આવકારતાં કહ્યું, ` કિશનને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતના તાજેતરના ડોમેસ્ટિક પર્ફોર્મન્સને આધારે ટીમમાં સમાવવામાં આવ્યો એ મોટો પ્લસ પૉઇન્ટ છે. આના પરથી સાબિત થાય છે કે માત્ર આઇપીએલ નહીં, પણ ડોમેસ્ટિક ક્રિકેટનો પર્ફોર્મન્સને પણ મહત્ત્વના માપદંડ તરીકે ગણવો જોઈએ. કિશને ઝારખંડની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું પ્રથમ ટાઇટલ અપાવવાની સાથે ભારતીય ટીમમાં કમબૅક કર્યું એ મને બહુ ગમ્યું.’

sunil gavaskar shubman gill

સની ગાવસકરે શુભમન ગિલની બાદબાકી વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે એક જાણીતી ઍપને કહ્યું, ` ગિલ ઉત્તમ કક્ષાનો બૅટ્સમૅન છે. તેની બૅટિંગમાં એટલી બધી ગુણવત્તા છે કે એને કારણે 2024ના ટી-20 વર્લ્ડ કપ પછીનો તેનો સમયકાળ બહુ સારો રહ્યો હતો. હા, થોડી મૅચોથી તે સારું ન રમી શક્યો એને લીધે ડ્રૉપ થયો છે. બૅટ્સમૅનનું ફૉર્મ નબળું હોય તો એ કંઈ કાયમ નબળું નથી રહેવાનું, તેની બૅટિંગનું કૌશલ્ય કાયમી હોય છે.’

ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે શુભમન ગિલને ડ્રૉપ કરવાનો મુશ્કેલ નિર્ણય લેવા બદલ ફુલ માર્ક આપવાની સાથે ઇશાન કિશન બાબતમાં કહ્યું છે કે ` ઇશાન કિશન ટીમને એકલા હાથે મૅચ જિતાડી શકે.’

ગિલની બાદબાકી સંભવિત હતી જ, જ્યારે ઇશાન કિશનને તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં આક્રમક ફટકાબાજીથી જે કુલ 517 રન કર્યા હતા એ ફળ્યા છે. તેને ખાસ તો આ પર્ફોર્મન્સને લીધે જ વર્લ્ડ કપની ટીમમાં આવવા મળ્યું છે. તેને ટૉપ-ઑર્ડરમાં ગિલના સ્થાને લેવામાં આવ્યો છે. રિન્કુ સિંહ થોડા સમયથી ભારતની ટી-20 ટીમમાં સ્થાન નહોતો મેળવી શક્તો, પણ હવે તેને સીધી વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ગઈ છે.

આ પણ વાંચો…ગિલની બાદબાકી અને ઇશાન કિશનના સમાવેશ વિશે આગરકર તથા સૂર્યકુમારે આપ્યા આ કારણ…

ગિલનું ડાંડિયું ડૂલ

ગિલની બાદબાકી કરવામાં આવતાં અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલની ટેસ્ટ અને વન-ડેમાં બૅટિંગ સારી રહી છે, પણ સૌથી ટૂંકા ટી-20 ફૉર્મેટમાં ભારતીય સિલેક્ટરો ખાસ કરીને ઓપનિંગમાં સતતપણે અસરદાર પર્ફોર્મ કરી શકે એવા બૅટ્સમેનને જ ટીમમાં સમાવવા માગતા હોવાથી ગિલનું પત્તું કપાઈ ગયું છે. યશસ્વી જયસ્વાલ પણ સ્થાન નથી મેળવી શક્યો અને એને બદલે ઇશાન કિશનને ટીમમાં પુનરાગમન કરવાનો મોકો અપાયો છે.

27 વર્ષનો કિશન ભારત વતી બે ટેસ્ટ તેમ જ 27 વન-ડે ઉપરાંત 32 ટી-20 રમ્યો છે. છેલ્લે તે નવેમ્બર, 2023માં ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો. એટલે તેને બે વર્ષે ટી-20 ટીમમાં કમબૅક કરવા મળ્યું છે. કિશને 32 વન-ડે આંતરરાષ્ટ્રીયમાં છ હાફ સેન્ચુરીની મદદથી કુલ 796 રન કર્યા છે જેમાં 36 સિક્સર અને 79 ફોરનો સમાવેશ છે. ટી-20માં 124.37 તેનો સ્ટ્રાઇક-રેટ રહ્યો છે. જોકે 2025માં તેની છેલ્લી 10 ટી-20 મૅચની વાત કરીએ તો તેનો પર્ફોર્મન્સ ઘણો જ સારો છે અને એને ધ્યાનમાં રાખીને જ તેને ગિલના સ્થાને ટીમમાં સમાવી દેવાનું સિલેક્ટરોએ પસંદ કર્યું છે.

કિશનના કમબૅકનું કારણઃ 10 ઇનિંગ્સના સ્કોર્સ જાણી લો…

કિશનના (આઇપીએલ સિવાયની) છેલ્લી 10 ટી-20 મૅચના સ્કોર્સ આ મુજબ રહ્યા છેઃ 101, 35, 63, 47, 2, 21, 93, 113*, 15 અને 27 રન. કિશન 2025ના વર્ષ દરમ્યાન મોટા ભાગે ફિટનેસની સમસ્યાને લીધે તેમ જ ઉપલબ્ધ ન હોવાને કારણે ભારત વતી ટી-20 રમતો નહોતો જોવા મળ્યો. તેણે આ અઠવાડિયે ઝમકદાર પફોર્મન્સ સાથે ઝારખંડને પહેલી વાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ટાઇટલ અપાવ્યું છે.

BCCI

ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડી

અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીએ સ્વાભાવિક રીતે ઓપનિંગમાં ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા પર અને સ્પિન બોલિંગમાં વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી પર ભરોસો જાળવી રાખ્યો છે. હાર્દિક પંડ્યા ઑલરાઉન્ડર તરીકે ટીમને ઘણી સંતુલિત બનાવશે, જ્યારે વાઇસ-કૅપ્ટન અને ઑલરાઉન્ડર અક્ષર પટેલની પણ એવી જ ભૂમિકા રહેશે. ટીમમાં બે ગુજરાતી ખેલાડી (અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા) છે, જ્યારે ગુજરાત રાજ્યનો (અમદાવાદનો) જસપ્રીત બુમરાહ પણ એમાં સામેલ છે.

જિતેશ નહીં, શ્રેયસ પણ નથી

વર્લ્ડ કપની ટીમ 21-31 જાન્યુઆરી દરમ્યાન ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચની ટી-20 સિરીઝમાં રમશે અને ત્યાર બાદ વર્લ્ડ કપમાં ઝુકાવશે. આ ટીમમાં રિષભ પંતને સ્થાન નથી, પરંતુ વિકેટકીપર-બૅટ્સમેન તરીકે સંજુ સૅમસન તેમ જ ઇશાન કિશનનો સમાવેશ થયો છે. જિતેશ શર્માને સામેલ નથી કરવામાં આવ્યો. જોકે શ્રેયસ ઐયર પણ સ્થાન નથી મેળવી શક્યો. શિવમ દુબે પણ ટીમમાં છે એટલે ભારતીય બૅટિંગ લાઇન-અપમાં ડેપ્થ ઘણી છે. પેસ બોલિંગમાં જસપ્રીત બુમરાહ આગેવાની સંભાળશે. હર્ષિત રાણાના પેસ અને બાઉન્સ પર પણ સિલેક્ટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્પિન બોલિંગમાં વરુણ ઉપરાંત કુલદીપ યાદવ પણ પોતાની કરતબ દેખાડશે. અક્ષર પટેલ ઉપરાંત વૉશિંગ્ટન સુંદર પણ સ્પિન બોલર્સમાં ચોથો વિકલ્પ છે.

વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ સાતમી ફેબ્રુઆરીએ (સાંજે 7.00 વાગ્યાથી) વાનખેડેમાં અમેરિકા સામે રમાશે.

ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને વૉશિંગ્ટન સુંદર.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button