સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપની વિદેશી ટીમો વતી રમશે 40 ભારતીય ક્રિકેટરો!

નવી દિલ્હીઃ શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World Cup)માં સહ-યજમાન ભારતના 15 ખેલાડી તો રમતા જોવા મળશે જ, એ ઉપરાંત વિદેશી ટીમો વતી ભારતીય મૂળના બીજા 40 જેટલા ખેલાડીઓ પણ મેદાન પર જોવા મળશે. વધુ નવાઈની વાત એ છે કે વિદેશોની ચાર ટીમમાં 34 જેટલા પ્લેયર છે.

વાત એવી છે કે દુનિયાભરના કરોડો ક્રિકેટપ્રેમીઓ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા ક્રિકેટના મહાકુંભના આરંભની વાટ જોઈને બેઠા છે. સાતમી ફેબ્રુઆરીના પહેલા જ દિવસે ત્રણ મૅચ રમાવાની છે જેમાંની એક મૅચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) વચ્ચે છે જે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.00 વાગ્યાથી રમાશે.

આપણ વાચો: ટી-20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ માટે ઈન્ડિયા-એ ટીમ જાહેર; આયુષ બદોની સંભાળશે સુકાન…

ખાસ કરીને યુએસએ, કૅનેડા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં ભારતીય મૂળના ખેલાડીઓની ભરમાર છે. ભૂતકાળમાં ગુજરાતની ટીમ વતી વાનખેડેમાં જસપ્રીત બુમરાહ સાથે રમી ચૂકેલો મોનાંક પટેલ અમેરિકાનો કૅપ્ટન છે. એ જ ટીમમાં મુંબઈમાં જન્મેલા પેસ બોલર સૌરભ નેત્રાવલકરનો પણ સમાવેશ છે.

આ બે ખેલાડીએ જે દેશમાં જન્મ લીધો એ દેશ વતી તેમને રમવા નથી મળ્યું, પણ હવે એ જ દેશની વિરુદ્ધમાં રમતા જોવા મળશે. ખરેખર તો અમેરિકાની ટીમમાં ભારત તેમ જ શ્રીલંકા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકન મૂળના ખેલાડીઓનો સમાવેશ છે.

કૅનેડા (CANADA)ની ટીમમાં ભારતીય મૂળના 11 ખેલાડી અને યુએઇની ટીમમાં સાત ખેલાડી છે. આ વખતના વર્લ્ડ કપમાં કુલ 20 દેશ ભાગ લેશે. પાંચ-પાંચ ટીમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ટીમો પહેલાં તો પોતાના ગ્રૂપમાં લીગ મૅચો રમશે અને દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચશે. એ રાઉન્ડની મૅચો બાદ સેમિ ફાઇનલ અને આઠમી માર્ચે ફાઇનલ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button