વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં, પણ જો પાકિસ્તાન સેમિ ફાઈનલ જીતશે તો…
2026ના ટી-20 વર્લ્ડ કપની તારીખો લગભગ નક્કી થઈ ગઈ

નવી દિલ્હીઃ 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્તપણે રમાયો હતો અને ત્યારે પાકિસ્તાનની મૅચ ક્યાં રાખવી એ વિશે કોઈ મૂંઝવણ નહોતી, પરંતુ 2026નો ટી-20 વિશ્વ કપ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka)માં સંયુક્તપણે યોજાવાનો હોવાથી પાકિસ્તાન (Pakistan)ની મૅચના આયોજન બાબતમાં મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) થોડું ગૂંચવાઈ ગયું છે અને એટલે જ લગભગ નક્કી કરવામાં આવ્યું છે કે 2026ના વર્લ્ડ કપની ફાઇનલ (final)માં જો પાકિસ્તાન પહોંચશે તો એ ફાઇનલ કોલંબોમાં રમાશે અને જો પાકિસ્તાન સેમિ ફાઇનલમાં હારી ગયું હશે તો ફાઇનલ અમદાવાદમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2026નો ટી-20 વર્લ્ડ કપ મોટા ભાગે 7 ફેબ્રુઆરી-8 માર્ચ દરમ્યાન રમાશે. જોકે હજી સત્તાવાર રીતે પૂર્ણ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાશે.
આ પણ વાંચો…ભારત ફાઇનલમાંઃ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈ લીધો…
2026ના ટી-20 વિશ્વ કપમાં પણ કુલ 20 દેશની ટીમ ભાગ લેશે. પાંચ-પાંચ ટીમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ફૉર્મેટ એવી છે જેમાં સુપર-એઇટ રાઉન્ડ યોજાશે અને એમાં ટોચના ચાર ક્રમે આવનાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે અને પછી ફાઇનલ રમાશે.
20માંથી 15 ટીમના નામ નક્કી થઈ ગયા છેઃ ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલૅન્ડ, પાકિસ્તાન, આયરલૅન્ડ, કૅનેડા, નેધરલૅન્ડ્સ અને ઇટલી.
હજી બે ટીમ આફ્રિકા ખંડમાંથી ક્વૉલિફાય થશે અને બીજી ત્રણ ટીમ એશિયા તથા ઈસ્ટ એશિયા પૅસિફિક પ્રદેશમાંથી ક્વૉલિફિકેશન મેળવશે.