T20 World કપમાંથી બહાર ફેંકાયા પછી West Indies ટીમના કેપ્ટને આપી મોટી પ્રતિક્રિયા

નોર્થ સાઉન્ડ: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માંથી બહાર થઈ ગયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન રોવમેન પોવેલે કેરેબિયન ક્રિકેટનું ગૌરવ પાછું લાવવા માટે ટીમની પ્રશંસા કરી હતી પરંતુ ખેલાડીઓને વિનંતી કરી હતી કે તેઓ ફ્રેન્ચાઈઝી ક્રિકેટના બદલે દેશ તરફથી રમવાને મહત્વ આપે.
બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા બે વર્લ્ડ કપમાંથી અગાઉના તબક્કામાં બહાર થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડિઝ વરસાદથી પ્રભાવિત સુપર આઠ સ્ટેજની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી.
આ પણ વાંચો : પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો બોલર
પોવેલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હવે દેશ માટે રમવાની ઈચ્છા ફરી જાગતી જોવા મળી રહી છે અને આશા છે કે આ યથાવત રહેશે. તેણે સ્વીકાર્યું કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટની લાલચને કારણે વેસ્ટ ઈન્ડિઝ જેવા નાના ક્રિકેટ બોર્ડ માટે પોતાની શ્રેષ્ઠ ટીમ પસંદ કરવી હંમેશા સરળ હોતી નથી.
તેણે કહ્યું છેલ્લું એક કે બે વર્ષ સારું રહ્યું છે. આશા છે કે ખેલાડીઓ હંમેશા દેશ માટે રમવાનું પસંદ કરશે. કેપ્ટન હોવાના કારણે હું તેમને આ માટે પ્રોત્સાહિત કરતો રહીશ. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રહેલા પૈસાના આકર્ષણ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ જેવા નાના બોર્ડ માટે તેની શ્રેષ્ઠ ટીમ પસંદ કરવી સરળ નથી.
પોવેલે કહ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી સારું ક્રિકેટ રમ્યા છીએ અને રેન્કિંગમાં નવમાથી ત્રીજા સ્થાને પહોંચ્યા છીએ. એક ટીમ તરીકે અમે આ તાલમેલ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.