T20 World Cup 2024

વિવ રિચર્ડ્સ આવ્યા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં, પંતને આપ્યું અનોખું હુલામણું નામ!

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): ભારતની વર્તમાન ક્રિકેટ ટીમમાં કેટલાક લેજન્ડરી ખેલાડીઓ છે અને આ ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે. આ એ જ ધરતી (કૅરિબિયન) છે જ્યાંથી અનેક લેજન્ડ્સ ક્રિકેટની દુનિયાને મળ્યા છે અને સર વિવિયન રિચર્ડ્સ તેમાંના એક છે. ભારતીય ખેલાડીઓ ઍન્ટિગામાં રમી રહ્યા હોય અને ક્રિકેટજગતને ત્યાંના જ મહાન સપૂતને મળવાનો મોકો ન મળે એવું બને? હા, આપણે વિવ રિચર્ડ્સની જ વાત કરી રહ્યા છીએ. ભારત શનિવારે બંગલાદેશને સુપર-એઇટની મૅચમાં હરાવીને સેમિ ફાઇનલની નજીક પહોંચી ગયું એ ટીમ ઇન્ડિયા માટે ઘણી ખુશીની વાત કહેવાય, પરંતુ એનાથી વધુ આનંદ અને ગૌરવની વાત એ છે કે વિવ રિચર્ડ્સ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં આવ્યા અને પ્રત્યેક ખેલાડીને મળ્યા હતા. એ તો ઠીક, પણ રિષભ પંતને તેમણે ‘પૉકેટ રૉકેટ’નું હુલામણું નામ આપીને રોમાંચ વધારી દીધો હતો.

https://twitter.com/i/status/1804724253281140780

ભારતીયો શનિવારે ઍન્ટિગાના જે મેદાન પર જીત્યા એના સ્ટેડિયમનું નામ ‘સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ’ છે.
ભારતીય ટીમના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે વિવ રિચર્ડ્સને ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. વિવ તેમનું ઇન્વિટેશન તરત સ્વીકારીને આવ્યા હતા અને ડ્રેસિંગ-રૂમનું ગૌરવ વધાર્યું હતું. રિચર્ડ્સ વિરાટ કોહલીને મળીને સૌથી વધુ ખુશ દેખાતા હતા. તેઓ બન્નેએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા અને ભેટ્યા હતા અને ઘણી હળવી મજાક-મસ્તી કરી હતી.

આ પણ વાંચો: Australia vs Afghanistan Highlights: અફઘાનિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય

ત્યાર બાદ ટી. દિલીપે વિવ રિચર્ડ્સને ફીલ્ડિંગ મેડલ આપ્યું હતું અને (બંગલાદેશ સામેની મૅચ સંબંધમાં) તેમની પસંદગીના ભારતીય ખેલાડીને એ મેડલ આપવાની વિનંતી કરી હતી. વિવ રિચર્ડ્સે એ મેડલ સૂર્યકુમાર યાદવને આપ્યું હતું. સૂર્યાએ બંગલાદેશની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં લિટન દાસનો અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો.

રિચર્ડ્સે ફીલ્ડિંગ મેડલને લગતી ટૂંકી વિધિ પૂરી કરી ત્યાર બાદ તેમને આ વર્લ્ડ કપમાંના ભારતીય ટીમના પર્ફોર્મન્સ વિશે સ્પીચ આપવાની વિનંતી કરાઈ ત્યારે વિવ રિચર્ડ્સ ભાવુક થઈ ગયા હતા. તેમણે ભારતીય ટીમના ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જો વેસ્ટ ઇન્ડિઝની ટીમ વહેલી આઉટ થઈ જશે તો તેઓ રોહિત શર્મા ઍન્ડ કંપનીને જ સપોર્ટ કરવાના છે.

આ પણ વાંચો: પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો બોલર

વિવ રિચર્ડ્સ બોલ્યા, ‘જે ટીમ પહેલેથી જ આટલી બધી પાવરફુલ હોય એના વિશે હું શું કહું? અહીં તમે બહુ જ સારું રમી રહ્યા છો. હું એટલું જ કહીશ કે જો કૅરિબિયન ટીમ આગળ નહીં જાય તો હું તમને જ સપોર્ટ કરવાનો છું. ઇઝ ધૅટ ઓકે઼? મને લાગે છે કે કૅરિબિયન નાગરિક તરીકે મારે આવું જ કહેવું જોઈએ, ખરુંને?’ રિચર્ડ્સે આવું બોલીને સૌને હસાવી દીધા હતા.
રિષભ પંત બે વર્ષ પહેલાંના કાર-અકસ્માત બાદ પાછો રમવા આવ્યો છે અને ધાર્યા કરતાં પણ સારું પર્ફોર્મ કરવા લાગ્યો છે એ બદલ વિવ રિચર્ડ્સે તેની ભારોભાર પ્રશંસા કરી હતી અને તેને ‘પૉકેટ રૉકેટ’ હુલામણું નામ આપ્યું હતું.

વિવ રિચર્ડ્સે પંતના વખાણ કરતા કહ્યું, ‘અહીં વેસ્ટ ઇન્ડિઝમાં (વર્લ્ડ કપમાં) તમારા બધાનો પર્ફોર્મન્સ જોઈને મને ખૂબ આનંદ થયો. પંત, તારી કમાલની બૅટિંગ જોઈને હું આનંદિત થઈ જાઉં છું. તું જે કપરા કાળમાંથી પસાર થયા બાદ ફરી રમી રહ્યો છે એ કાબિલે દાદ છે. અમે તારી ગ્રેટ ટૅલન્ટ માણવાથી વંચિત હતા, પણ તેં કમબૅક કરીને ફરી એ ટૅલન્ટ બતાડી છે. આ જ પ્રતિભા તને ભવિષ્યમાં ઘણી આગળ લઈ જશે. ટીમ ઇન્ડિયા, તમે બધા ખૂબ સરસ રમી રહ્યા છો અને અમે તમારી ગેમ જોઈને ખૂબ એન્જૉય કરી રહ્યા છીએ. વેલ ડન અગેઇન.’

આ પણ વાંચો: T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું

ભારતે સુપર-એઇટ રાઉન્ડમાં અફઘાનિસ્તાન અને બંગલાદેશને હરાવવાની સાથે સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું છે. હવે સોમવારે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારતનો છેલ્લો મુકાબલો ઑસ્ટ્રેલિયા સાથે છે. ઑસ્ટ્રેલિયાને રવિવારે અફઘાનિસ્તાને 21 રનથી હરાવીને આંચકો આપ્યો એટલે ભારતીયો સામે હવે કાંગારૂઓ કદાચ થોડા ઓછા આત્મવિશ્ર્વાસ સાથે રમશે જે ટીમ ઇન્ડિયાના ફાયદામાં રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button