T20 World Cup: અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયામાં કોણ ઇન અને કોણ આઉટ થઈ શકે, વિરાટનો ક્રમ લગભગ નક્કી છે

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં અનેક ઉતાર-ચઢાવવાળો લીગ રાઉન્ડ પૂરો થયો અને હવે બુધવારથી સુપર-એઇટ મુકાબલા શરૂ થવાના છે. એમાં ભારત (India)ની પ્રથમ મૅચ ગુરુવારે (20મી જૂને) બાર્બેડોઝના બ્રિજટાઉનમાં અફઘાનિસ્તાન (Afghanistan) સામે રમાશે. લીગના તમામ ચાર ગ્રુપમાં એક સમયે અફઘાનિસ્તાનનો નેટ રનરેટ (+4.000) જેટલો સર્વોચ્ચ હતો અને સુપર-એઇટમાં વહેલી પહોંચેલી ટીમોમાં પણ એ સામેલ હતી એટલે ખાતરીથી કહી શકાય કે ટીમ ઇન્ડિયા આ પાડોશી રાષ્ટ્રની ટીમને જરાય અન્ડર-એસ્ટિમેટ નહીં કરે. એટલે જ એવું સંભળાય છે કે ગુરુવારની મૅચ માટેની ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.
ભારતે આયરલૅન્ડ સામે અને પછી પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી અમેરિકાને પણ પરાજિત કર્યું હતું અને કૅનેડા સામેની મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: New World Records in T20: ભારતીય મૂળના ક્રિકેટરે ક્રિસ ગેઈલનો 11 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો!
સુપર-એઇટમાં ભારતની પ્રથમ મૅચ અફઘાનિસ્તાન સામે, બીજી બાંગલાદેશ સામે અને ત્રીજી ઑસ્ટ્રેલિયા સામે રમાવાની છે.
ન્યૂ યૉર્કની લો-સ્કોરિંગ અને અન-ઇવન બાઉન્સ અપાવતી પિચ પર તમામ મૅચ રમ્યા બાદ રોહિત શર્માની ટીમે હવે બાર્બેડોઝમાં સ્પિનર્સને વધુ ફાયદો અપાવનારી પિચ પર રમવાનું છે. એ જોતાં ભારતીય ટીમમાં થોડા ફેરફાર થવાની સંભાવના છે.
એવી ચર્ચા છે કે રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના સ્થાને ઇલેવનમાં સમાવવામાં આવશે. બીજી શક્યતા એ છે કે વિરાટ કોહલી લીગ રાઉન્ડમાં ઓપનિંગમાં સદંતર નિષ્ફળ ગયો હોવાથી તેને તેના મૂળ સ્થાન (ત્રીજા નંબરે) રમવાનું કહેવામાં આવશે એટલે ઓપનિંગમાં રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ રમશે. જોકે યશસ્વીનો સમાવેશ અક્ષર પટેલ અથવા રવીન્દ્ર જાડેજાના સ્થાને થઈ શકે.
આ પણ વાંચો: T20 World Cup: શુભમન ગિલે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, રોહિત સાથેનો ફોટો શૅર કર્યો
જાડેજા બેસ્ટ ફૉર્મમાં નથી, પરંતુ તેને ડ્રૉપ કરવો એ બહુ મોટો નિર્ણય કહેવાશે. અક્ષર પટેલ પણ ઑલરાઉન્ડર છે અને તેને પણ ડ્રૉપ કરવા માટે ઘણી ચર્ચા થશે. શિવમ દુબેને ડ્રૉપ કરવા પર પણ વિચારી શકાશે, પરંતુ અફઘાનિસ્તાનના સ્પિનર્સ (રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ નૈબ) સામે શિવમ દમદાર રમી શકે એમ હોવાથી તેને પડતો મૂકતા પહેલાં કદાચ બે વાર વિચાર કરાશે. એ ઉપરાંત, ભારતીય ટીમ શિવમ પાસેથી વૈકલ્પિક પેસ બોલિંગની અપેક્ષા પણ રાખી શકશે.
ભારતની સંભવિત ઇલેવન: રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.