T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝનું સ્ટેડિયમ ખાલીખમ…આઇસીસી પર શેનો દોષ મૂકાયો?

યજમાન દેશમાં પ્રેક્ષકોના નિરાશાજનક પ્રતિસાદ માટે જાણો કયા બે મોટા કારણ ચર્ચામાં છે

ન્યૂ યૉર્ક/પ્રોવિડન્સ: ટી-20 વર્લ્ડ કપના બે યજમાન દેશ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં લગભગ વારાફરતી લીગ મૅચ યોજાઈ રહી છે અને એમાં લોકોમાં ઉત્સાહની બાબતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં મૅચ જોવા આવતા પ્રેક્ષકોની સંખ્યા વિશે અમેરિકા થોડું ખુશ છે, પણ વેસ્ટ ઇન્ડિઝ નારાજ છે. શનિવારે અમેરિકા અને કૅનેડા વચ્ચેની પ્રથમ મૅચમાં સારું એવું ક્રાઉડ હતું, પરંતુ રવિવારે ગયાનાના પ્રૉવિડન્સમાં ખુદ વેસ્ટ ઇન્ડિઝની જ મૅચ વખતે સ્ટેડિયમ ખાલીખમ હતું જેને પગલે સોશિયલ મીડિયામાં કેટલાક ક્રિકેટપ્રેમીઓએ આ ટૂર્નામેન્ટની આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને દોષી ગણાવતા કહ્યું છે કે સ્ટેડિયમની ટિકિટના ભાવ ઊંચા હોય તો ઓછા લોકો જ મૅચ જોવા આવવાના છે.

ગયાનામાં બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝે એક તો ક્રિકેટના નવાસવા દેશ પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સામે મહા મહેનતે વિજય મેળવ્યો અને એમાં એ સંઘર્ષભર્યા વિજયને જોવા ખુદ એના જ લોકો નહોતા એટલે સર્વત્ર નારાજગી હતી. ગયાનામાં પ્રૉવિડન્સના સ્ટેડિયમમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બદલ સોશિયલ મીડિયામાં ફૅન્સે આઇસીસીની ટીકા કરતા જણાવ્યું હતું કે લોકોની ઓછી હાજરી ટિકિટોના ઊંચા દરને લીધે જ છે.

એક ક્રિકેટપ્રેમીએ ટ્વિટર પર લખ્યું, ‘વેસ્ટ ઇન્ડિઝ કા અપના ક્રાઉડ ઉનકા મૅચ દેખને નહીં આયા તો બાકી ટીમ કે મૅચીસ મેં કહાં સે આયેગા! મુખ્ય કારણ છે ટિકિટના ઊંચા ભાવ.’
તનુજ સિંહ નામના એક ક્રિકેટલવરે લખ્યું, ‘હોમ-ટીમ વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડ કપની મૅચ ચાલતી હોય અને સ્ટેડિયમ ખાલીખમ હોય એ દૃશ્ય જોઈને બહુ દુ:ખ થયું.’


બીજા એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘વેસ્ટ ઇન્ડિઝમાં હોમ ટીમ રમી રહી છે અને સ્ટેડિયમ ખાલી પડેલું છે. લોકો કહે છે કે બધુ ભારતના ઑડિયન્સ (ટીવી દર્શકો)ને અનુકૂળ પડે એ રીતે ગોઠવવામાં આવ્યું છે.’
વેસ્ટ ઇન્ડિઝમાં મોટા ભાગની મૅચો સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે) શરૂ થાય છે. જોકે અમુક મૅચનો સ્થાનિક સમય રાત્રે 8.30 વાગ્યાનો (ભારતીય સમય મુજબ બીજા દિવસે સવારે 6.00 વાગ્યાનો) અને અમુક મૅચનો બપોરે 1.00 વાગ્યાનો (ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાનો) છે.


યજમાન અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત અને બીજા કેટલાક દેશો વચ્ચેના ટાઇમ-ઝોનમાં ઘણો ફરક છે. વર્લ્ડ કપના બે યજમાન દેશોમાં (અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડિઝના વિવિધ ટાપુઓમાં) ટી-20 મૅચ શરૂ થવાનો સમય સવારનો (સવારે 10.30નો, બપોરે 1.00નો) રાખવામાં આવ્યો છે. કેટલાકનો આક્ષેપ છે કે ભારત અને બીજા ક્રિકેટ-ક્રેઝી દેશોમાં લોકો મોડી સાંજે/રાત્રે આખી મૅચ જોઈ શકે એ હેતુથી યજમાન દેશોમાં મૅચ સવારે રાખવામાં આવી છે. બીજું, સ્ટેડિયમમાં ટિકિટના ભાવ પ્રમાણસર ઘણા ઊંચા છે. ક્રિકેટના રૅન્કિંગ મુજબ 20મા નંબરની પાપુઆ ન્યુ ગિની સામે ચોથા ક્રમની વેસ્ટ ઇન્ડિઝની રવિવારની મૅચ માટેના ટિકિટના દર ઘણા ઊંચા હતા.

વેસ્ટ ઇન્ડિઝમાં સ્થાનિક મૅચ માટેની ગ્રાસ ઍન્ડ માઉન્ડ કૅટેગરીની એક ટિકિટના દર બાવીસ ડૉલર (અંદાજે 1,850 રૂપિયા)થી શરૂ થાય છે. અન્ય કૅટેગરી (સ્ટાન્ડર્ડ, પ્રીમિયમ, પાર્ટી સ્ટૅન્ડ)ની એક ટિકિટનો ભાવ અનુક્રમે 45 ડૉલર (3,740 રૂપિયા), 85 ડૉલર (7,100 રૂપિયા), 100 ડૉલર (8,300 રૂપિયા) અને 135 ડૉલર (11,250 રૂપિયા) છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button