T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup : અમેરિકા સામે પાકિસ્તાનની નાલેશી, હવે ભારત પણ નાક કાપવા તૈયાર

ટી-20 વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટમાં બાબરની ટીમ સુપર ઓવરના થ્રિલરમાં હારી

ડલાસ (અમેરિકા): મેન્સ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય એવા અપસેટમાં બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાની ટીમની ગુરુવારે મોટી નામોશી થઈ હતી. ૧૯૯૨ના ચેમ્પિયન પાકિસ્તાન (Pakistan)ની ટીમ ગ્રૂપ “એ”માં યજમાન અમેરિકા (USA) સામે લીગ મૅચનો મુખ્ય મુકાબલો તો ન જીતી શકી, દિલધડક બનેલી સુપર ઓવરમાં વિજય મેળવવાનો મોકો પણ ગુમાવી બેઠી હતી. અમેરિકાએ ટાઈ પછીની સુપર ઓવરમાં અભૂતપૂર્વ વિજય મેળવીને અમૂલ્ય બે પોઈન્ટ્સ હાંસલ કર્યા હતા. હવે રવિવારે ભારત પણ પાકિસ્તાનનું નાક કાપવાની તૈયારીમાં જ છે. ટી-૨૦ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારતનો ૬-૧નો જીત-હારનો રેશિયો છે.

જેમ પડયાને પાટૂ મારવામાં આવતી હોય એમ અમેરિકાએ પાકિસ્તાનને પછાડ્યું એટલે હવે ભારત પણ બાબરની ટીમને જોરદાર ઝટકો આપશે તો નવાઈ નહીં લાગે. ગુરુવારના દાઝ્યા પાકિસ્તાનને હવે રવિવારે ભારત દ્વારા ડામ દેવામાં આવશે. અમેરિકા સામે નામ બોળનાર બાબર આઝમ એન્ડ કંપનીને રોહિત આણી મંડળી રવિવારે એવો કરન્ટ આપશે કે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનું ટકવું ભારે પડી શકશે.

ગુરુવારે જાણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મુકાબલો હતો. અમેરિકાની ટીમમાં અગિયારમાંથી છ ખેલાડી ભારતીય મૂળના હતા: કેપ્ટન મોનાંક પટેલ, સૌરભ નેત્રાવલકર, નીતિશ કુમાર, હરમીત સિંહ, જસદીપ સિંહ અને નોશથુશ કેન્જીગે.
પાકિસ્તાને બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 159 રન બનાવ્યા હતા. બાબર આઝમ (44 રન, 43 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું અને શાદાબ ખાન (40 રન, 25 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નું એમાં મોટું યોગદાન હતું. યુ યુએસએની ટીમના કેન્જીગેએ ત્રણ, નેત્રાવલકરે બે, જસદીપે એક તેમ જ મૂળ પાકિસ્તાનના અલી ખાને એક વિકેટ લીધી હતી.

અમેરિકાને 160 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. જોકે અમેરિકાની ટીમ 20 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 159 રન બનાવી શકી હતી એટલે સ્કોર બરાબ્રીમાં રહેતા મેચ સુપર ઓવરમાં ગઈ હતી. આ 159 રનમાં સુકાની મોનાંક પટેલ (50 રન, 38 બૉલ, એક સિક્સર, સાત ફોર), આન્દ્રિસ ગોઉસ (35 રન, 26 બૉલ, એક સિક્સર, પાંચ ફોર), નીતિશ કુમાર (14 અણનમ, 14 બૉલ, એક ફોર) અને આરૉન જોન્સ (36 રન, 26 બૉલ, બે સિક્સર, બે ફોર)નો મુખ્ય ફાળો હતો. પાકિસ્તાનના આમિર, નસીમ અને રઉફને એક-એક વિકેટ મળી હતી.

રઉફની 20મી ઓવરમાં અમેરિકાએ જીતવા 15 રન બનાવવાના હતા. આરોન અને નીતિશ કુમાર પહેલા પાંચ બૉલમાં 10 રન બનાવી શક્યા હતા. છેલ્લા બોલમાં પાંચ રન બાકી હતા. બધો આધાર નીતિશ કુમાર પર હતો. તેની સિક્સરથી અમેરિકા જીતી શકતું હતું અને ફોર જતાં મેચ સુપર ઓવરમાં જાય એમ હતી. નીતિશ કુમાર માત્ર ફોર ફટકારી શક્યો હતો અને મૅચ ટાઈ થતાં સુપર ઓવરમાં ગઈ હતી.

આ મૅચ મોડી રાત સુધી ચાલી હતી. અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના છ ખેલાડી હતા એટલે આ મેચ અડધી તો ભારત-પાકિસ્તાન મુકાબલા જેવી જ હોવાથી કરોડો ભારતીયોએ રાત્રે ટીવી પર રોમાંચક મૅચ જરૂર માણી હશે.

સુપર ઓવરની જવાબદારી આમિરને સોંપવામાં આવી હતી જે પહેલેથી જ ખૂબ મૂંઝવણમાં હતો. તેણે એ ઓવરમાં ત્રણ વાઇડ ફેંક્યા હતા. મોહમ્મદ રિઝવાનની વિકેટકીપિંગ પણ ઉતરતી કક્ષાની હતી. આરોન અને હરમીતે પહેલા પાંચ બોલમાં 14 રન બનાવ્યા હતા. છઠ્ઠો બોલ વાઈડ પડ્યો હતો અને એમાં વાઈડના એક રન સહિત ત્રણ રન બન્યા હતા. અંતિમ બૉલમાં આરોન રનઆઉટ થયો એ પહેલાં એક રન બન્યો હતો અને એ સાથે સુપર ઓવરમાં અમેરિકાના એક વિકેટ 18 બનતા પાકિસ્તાનને 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

મૅચના સફળ બોલર સૌરભ નેત્રાવલકરને મોનાંક પટેલે સુપર ઓવરની જવાબદારી સોંપી હતી. ફખર ઝ્માન અને ઇફતિખાર બેટિંગમાં આવ્યા હતા. ત્રીજા બૉલ પર ઇફતિખાર આઉટ થયો હતો અને સ્કોર પાંચ રન હતો. બાકીના ત્રણ બોલમાં પાકિસ્તાને જીતવા 14 રન બનાવવાના હતા. અંતિમ બૉલ ફેંકાયો એ પહેલાં વાઈડ સહિત બીજા સાત રન બન્યા હતા. પાકિસ્તાને આખરી બૉલ પર જીતવા સાત રન બનાવવાના બાકી હતા. જો શાદાબે એ બૉલમાં સિક્સર ફટકારી હોત તો મૅચ ફરી સુપર ઓવરમાં ગઈ હોત. જોકે તે ફક્ત એક રન બનાવી શક્યો હતો અને અમેરિકાનો પાંચ રનથી એક્સાઈટિંગ વિજય થયો હતો.

મોનાંક પટેલને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આ વર્લ્ડ કપની પહેલી મેચમાં (પહેલી જૂને) અમેરિકાએ 195 રનનો ટાર્ગેટ હાંસલ કરીને કૅનેડાને સાત વિકેટે હરાવ્યું હતું. અમેરિકાના ખાતે અત્યારે સૌથી વધુ ચાર પોઇન્ટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button