T20 World Cup:ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે “કાંટે કી ટક્કર
ટીમ ઇન્ડિયા જીતશે તો બાબરની ટીમ બહાર ફેંકાઈ શકે: વિરાટ વિરુદ્ધ આમિર, બાબર વિરુદ્ધ બુમરાહ: રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ

ન્યૂ યૉર્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચેની દાયકાઓ જૂની દુશ્મનાવટમાં રવિવાર, નવમી જૂને ક્રિકેટના મેદાન પર વધુ એક જંગ (રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ) ખેલાશે
આઇસીસીની કોઈ પણ મોટી ઇવેન્ટમાં હંમેશાં આ હાઈ-વૉલ્ટેજ વિગ્રહનો લોકોને ઇન્તેજાર રહેતો હોય છે અને એ દિવસ આવી પહોંચ્યો છે. બસ, હવે ગણતરીના કલાકો જ બાકી છે.
ગ્રૂપ ‘એ’માં પાકિસ્તાન છઠ્ઠી જૂને યજમાન અમેરિકા સામે હારી ગયું હતું અને હવે આજે ભારત સામે પણ હારી જશે તો આ સ્પર્ધામાં ટકવું એના માટે મુશ્કેલ બની જશે. દરેક ગ્રૂપમાં દરેક ટીમે ચાર લીગ મૅચ રમવાની છે અને ગ્રૂપની ટોચની બે જ ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં જશે. આ ગ્રૂપની બાકીની ટીમોમાં કૅનેડા અને આયરલૅન્ડનો સમાવેશ છે.
ભારત-પાકિસ્તાનની ટક્કર બે દેશ વચ્ચેની ગમખ્વાર ટક્કર જેવી તો હોય છે જ, વ્યક્તિગત રીતે બેઉ ટીમના ખેલાડીઓ વચ્ચે એકમેકથી ચડિયાતા પુરવાર થવાીન હરીફાઈ પણ જામતી હોય છે.
એક તરફ બન્ને ટીમ માટે જ નહીં, 34,000-પ્લસ પ્રેક્ષકો અને સમગ્ર સ્ટેડિયમ તેમ જ આજુબાજુના વિસ્તારોની સલામતી માટે જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યાં બીજી બાજુ ન્યૂ યૉર્કની પિચ અન-ઇવન બાઉન્સ તેમ જ ખરાબ આઉટફીલ્ડ વિવાદના વમળમાં છે. ખાસ કરીને બૉલને અણધાર્યા ઉછાળ આપતી ડ્રૉપ-ઇન પિચથી આઇસીસીના મોવડીઓની ઊંઘ ઉડી ગઈ છે. તેઓ પિચને ક્રિકેટના અન્ય મોટા દેશોની પિચને અનુરૂપ બનાવવા કામે લાગ્યા છે.
વિરાટ કોહલી આઇપીએલની 17મી સીઝનમાં હાઇએસ્ટ 741 રન બનાવીને વર્લ્ડ કપમાં આવ્યો છે. આયરલૅન્ડ સામે ઓપનિંગમાં રમીને તે એક જ રનમાં આઉટ થઈ ગયો હતો, પણ પાકિસ્તાન સામે અગાઉ ત્રણ વખત વર્લ્ડ કપના મુકાબલામાં મૅચ-વિનર બન્યો હોવાથી આજે ચોથી વાર મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતવા કોઈ કસર બાકી નહીં રાખે. જોકે મોહમ્મદ આમિર સામે તેણે ચેતવું પડશે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ભારતના વર્લ્ડ-ક્લાસ યૉર્કર સ્પેશિયલિસ્ટ જસપ્રીત બુમરાહ સામે સાવચેત રહેશે.
જોકે ભારતીય સ્પિનરો રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલમાંથી જેને પણ રવિવારે પાકિસ્તાન સામે રમવાનો મોકો મળશે તે પ્રાઇઝ-વિકેટ અપાવવા જાન દાવ પર લગાવી દેશે.
આ પણ વાંચો : T20 World Cup:અફઘાનિસ્તાને ન્યૂ ઝીલૅન્ડને પહેલી જ વાર હરાવ્યું, ચાર અફઘાનીના નામે લખાયા પાંચ વિશ્ર્વવિક્રમ
અમેરિકા ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝમાં અત્યાર સુધીમાં રમાયેલી આ વર્લ્ડ કપની મૅચોમાં પ્રેક્ષકોની સંખ્યા પાંખી રહી છે. કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓનો એવો અભિપ્રાય છે કે જો ટી-20 મૅચ લો-સ્કોરિંગની જ રહેવાની હોય તો મોટી સંખ્યામાં લોકો ક્યાંથી આવવાના. ન્યૂ યૉર્કની પિચ પર બૉલ અણધારી રીતે ઓછો કે વધુ ઉછળતો હોવાથી બૅટર્સની સલામતી માટે એ જોખમી કહેવાય. પાંચમી જૂને આયરલૅન્ડના જૉશ લિટલના બાઉન્સરને રોહિત શર્મા બરાબર સમજી નહોતો શક્યો અને બૉલ તેના જમણા હાથ પર વાગ્યો હતો જેને કારણે તેણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. તેણે મૅચ પછી કહ્યું હતું, ‘આ પિચ પાસેથી શું અપેક્ષા રાખવી એ જ નથી સમજાતું. અમે એવું જ માનીને આગળ વધી રહ્યા છીએ કે (પાકિસ્તાન સામેની મૅચમાં) પિચ આવી જ હશે.
પાકિસ્તાનની ટીમ ન્યૂ યૉર્કની પિચ પર રમવા હજી ટેવાઈ નથી. તેઓ અમેરિકા સામેના શૉકિંગ પરાજય બાદ હજી ગુરુવારે રાત્રે ન્યૂ યૉર્ક આવ્યા હતા અને શુક્રવારે તેમણે આરામ કર્યો હતો. એ જોતાં, બાબર આઝમ અને તેની ટીમ ન્યૂ યૉર્કની પડકારરૂપ સ્થિતિથી બરાબર અનુકૂળ ન થઈ હોવાથી રવિવારે ભારત સામેની મૅચમાં તેમને એની નકારાત્મક અસર જોવા મળી શકે.
બન્ને દેશની સ્ક્વૉડ:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), સૂર્યકુમાર યાદવ, સંજુ સૅમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: બાબર આઝમ (કૅપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), અબ્રાર અહમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હૅરિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, સઇમ અયુબ, શાદાબ ખાન અને ઉસમાન ખાન.