T20 World Cup :ભારતે વોર્મ-અપ મૅચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું
બન્ને ટીમે 15-15 ખેલાડીઓને રમાડ્યા: પંત, હાર્દિક, અર્શદીપે જિતાડ્યા
ન્યૂ યોર્ક: ભારતે (20 ઓવરમાં 182/5) શનિવારે અહીં બાંગ્લાદેશ (20 ઓવરમાં 122/9)ને પ્રથમ અને એકમાત્ર વોર્મ-અપ મૅચમાં 60 રનથી હરાવીને વર્લ્ડ કપ માટેના અમેરિકાના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી હતી.
આ પ્રેક્ટિસ મૅચ હોવાથી બન્ને ટીમે 15-15 ખેલાડીઓને રમાડ્યા હતા. જોકે બૅટિંગ અને ફીલ્ડિંગ માત્ર 11-11 પ્લેયરે કરી હતી. બેઉ ટીમના 8-8 બોલરને બોલિંગ કરવાની તક મળી હતી.
બાંગ્લાદેશ 183 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં નવ વિકેટે 122 રન બનાવી શક્યું હતું. એમાં મહમુદુલ્લા (રિટાયર્ડ આઉટ)ના 40 રન અને પીઢ ખેલાડી શકિબ અલ હસનના 28 રન સામેલ હતા. મહમુદ્દુલ્લા સાથી ખેલાડીને બેટિંગ કરવા દેવાના આશયથી પાછો આવી ગયો હતો, જ્યારે શકિબને બુમરાહે રિષભ પંતના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.
અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ તેમ જ સિરાજ, હાર્દિક, અક્ષરને એક-એક વિકેટ મળી હતી. કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા વિકેટ નહોતા લઈ શક્યા.
એ પહેલાં, રોહિતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ભારતે 20 ઓવરમાં પાંચ વિકટે 182 રન કર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી આ મેચમાં નહોતા. વિરાટ ન્યૂ યોર્ક મોડો પહોંચ્યો હોવાથી નહોતો રમ્યો.
યશસ્વી પણ મૅચમાં ન હોવાથી રોહિત શર્મા (23 રન, 19 બોલ એક સિક્સર, બે ફોર) અને સંજુ સેમસને ઓપનિંગ કર્યું હતું. જોકે સેમસને પોતાના એક રને અને ટીમના 11 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. રોહિત અને વનડાઉન બેટર રિષભ પંત (53 રન, 32 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) વચ્ચે 48 રનની ભાગીદારી થઈ હતી. રોહિત સાતમી ઓવરમાં મહમુદુલ્લાના બૉલમાં કેચઆઉટ થયો હતો, પરંતુ પંત તેના પછીના બેટર્સને બેટિંગની તક આપવા રિટાયર્ડ-આઉટ થઈને પાછો આવ્યો હતો.
પંતે રીવર્સ-સ્વીપ અને સ્કૂપ સહિતના શોટ્સ સાથે જોરદાર ફટકાબાજી કરી હતી અને પછીથી વિકેટકીપિંગ પણ સેમસને નહીં, પરંતુ તેણે જ કરી હતી.
સૂર્યકુમાર યાદવ (31 રન, 18 બૉલ, 4 ફોર), શિવમ દુબે (14 રન, 16 બૉલ, એક સિક્સર), હાર્દિક પંડ્યા (40 રન, 23 બૉલ, 4 સિક્સર, 2 ફોર) અને રવીન્દ્ર જાડેજા (4 અણનમ)ના પણ 182 રનમાં નાના-મોટા યોગદાન હતા.
બાંગ્લાદેશના ચાર બોલરે એક એક વિકેટ લીધી હતી.
Also Read –