T20 World Cupમાં પહેલીવાર કોઈ ખેલાડી રીટાયર્ડ આઉટ થયો, નામિબિયાએ પોતાના જ ખેલાડીને આઉટ કેમ કર્યો?
T20 વર્લ્ડ કપ 2024(T20 World Cup)ની 34મી મેચ ઈંગ્લેન્ડ અને નામિબિયા વચ્ચે (ENG vs NAM) રમાઈ હતી. એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ માત્ર 10 ઓવરની જ રાખવામાં આવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે 41 રને જીત મેળવી હતી. આ મેચમાં કંઈક એવું બન્યું જે આજ સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. નામિબિયાના બેટ્સમેન નિકોલાસ ડેવિન(Nikolaas Davin) T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રીટાયર્ડ આઉટ(Retired out) થનાર પહેલો બેટ્સમેન બન્યો.
નિકોલસ ડેવાઇન T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં “રીટાયર્ડ આઉટ” જાહેર થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. 26 વર્ષીય ડાવિન ટી20 વર્લ્ડ કપ 2024માં તેની ચોથી મેચ રમી રહ્યો હતો. નામિબિયાને 10 ઓવરમાં 126 રનના ટાર્ગેટ મળ્યો હતો. નિકોલાસ ડેવિન શરૂઆતમાં ધીમી બેટિંગ કરી હતી, તેણે 16 બોલમાં માત્ર 18 રન બનાવ્યા અને માત્ર બે ચોગ્ગા જ ફટકારી શક્યો હતો. આવી સ્થિતિમાં, ટીમે ક્રીઝ પર સંઘર્ષ કરી રહેલા ડાવિનને રીટાયર્ડ આઉટ કર્યો. છઠ્ઠી ઓવરના અંતે તે આઉટ થયો હતો અને તેની જગ્યાએ ડેવિડ વીજ(David Wiese) મેદાન પર આવ્યો હતો.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ વચ્ચે વિરાટ કોહલીના સાથી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
ડેવિનને આઉટ કરવાનો નિર્ણય નામિબિયાને ફળ્યો. મેદાન પર આવેલ ડેવિડ વીજે માત્ર 12 બોલમાં 27 રન ફટકાર્યા, જોકે નામિબિયા આ મેચ જીતી શક્યું ન હતું.
રિટાયર્ડ થવાનો નિયમ શું છે?
“રિટાયર્ડ હર્ટ” થી વિપરીત, ” રિટાયર્ડ આઉટ” થયા પછી, બેટ્સમેન બેટિંગમાં પાછો ન ફરી શકે. નિયમ મુજબ જો કોઈ બેટ્સમેન બીમારી, ઈજા અથવા અન્ય મજબુરીની ઘટના સિવાય અન્ય કોઈ કારણોસર રિટાયર્ડ થાય, તો તેની ઈનિંગ્સ માત્ર વિરોધી ટીમના કેપ્ટનની સંમતિથી જ ફરી શરૂ થઈ શકે છે.