“હું ઈચ્છતો હતો કે રોહિત…”, શોએબ અખ્તરે રોહિત અંગે આવી ટીપ્પણી કરી

ભારતીય ક્રિકેટ ટીમે T20 World Cup 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. ભારતની જીતમાં વિરાટ કોહલીના 76 રન ખૂબ મહત્વના હતા. આ સિવાય જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા પછી, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli)એ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તર(Shoaib Akhtar)એ T20 ઇન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને કોહલી નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી.
તેની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કરી અખ્તરે રોહિતની નિવૃત્તિ અંગે કહ્યું કે, “આ ખૂબ જ સારો નિર્ણય છે. બંનેએ યોગ્ય સમયે T20થી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેઓએ સાબિત કર્યું કે મહાન ખેલાડીઓ શું કરી શકે છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બંને ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલથી દુર થઇ ગયા છે.”
આ પણ વાંચો : T20 World Cup માં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી
જો કે અખ્તરે કહ્યું કે રોહિતે વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી જોઈતી હતી. હું માનતો હતો કે રોહિત વધુ ટી-20માં રમી શક્યો હોત. રોહિતે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખૂબ જ મહેનત કરી હતી, તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો. વર્લ્ડ કપ હાર્યા બાદ તેની પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. ત્યાર બાદ અહીં ફરીથી T-20 માટે પોતાને તૈયાર કરવાની તક મળી. તેની સફર રોલર કોસ્ટર જેવી રહી છે. હું ઈચ્છતો હતો કે રોહિત વધુ ટી20 મેચ રમે પરંતુ તેણે નિર્ણય લઈ લીધો છે. આ એક અઘરો નિર્ણય છે.”
અખ્તર કોહલી અને રોહિતને વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓ માને છે, જોકે તેણે સ્વીકાર્યું છે કે વિશ્વમાં સચિનથી મોટો કોઈ ક્રિકેટ ખેલાડી નથી, પરંતુ જો તેમના પછી કોઈ ખેલાડીનું નામ લેવામાં આવે તો તે કોહલી અને રોહિત હશે.
ગઈ કાલે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને જીત માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. પરંતુ હાર્દિકે ઓવરના પહેલા જ બોલ પર મિલરને આઉટ કરીને ભારત માટે જીતના દરવાજા ખોલ્યા હતા. મિલર આઉટ થતાની સાથે જ ભારતીય ટીમ મેચ જીતવાની નજીક પહોંચી ગઈ હતી અને અંતે ભારત 7 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું હતું.