બ્રિજટાઉનમાં પત્રકારે સૂર્યકુમારને ભૂલથી સિરાજ કહીને બોલાવ્યો અને પછી…

બ્રિજટાઉન: ટી-20નો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ભલભલા બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખે, પણ જ્યારે તેને કોઈ પેસ બોલર માની લે તો સ્વાભાવિક છે કે તેને મનમાં થોડું ખટકે જ. જોકે ગુરુવારે પત્રકાર પરિષદમાં એવું બન્યું ત્યારે તેણે એને હળવાશથી લીધું અને બધાને હસાવી દીધા હતા. બીજી રીતે કહીએ તો પ્રેસ કૉન્ફરન્સમાં પણ સૂર્યા ફટકા મારવાનું નથી ચૂકતો. દેખીતું છે કે કોઈ તેને મોહમ્મદ સિરાજ માની બેસે તો તે ન જ ચલાવી લે.
ગુરુવારે ભારતે અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ મુકાબલામાં 47 રનથી હરાવ્યું હતું. 28 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી 53 રન બનાવનાર સૂર્યકુમારને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
સૂર્યકુમાર ઘણા મહિનાઓથી ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટર છે અને મુંબઈ ઇન્ડિયન્સ વતી રમીને પણ ખૂબ ચમકી ચૂક્યો છે એટલે તેને જોઈને કોઈ બીજા જ ખેલાડીનું નામ લઈને તેને બોલાવે એ તો અજુગતું જ કહેવાય.
આ પણ વાંચો : સૂર્યકુમારે ટી-20માં નંબર-વનની રૅન્ક વધુ મજબૂત કરી
પત્રકાર પરિષદમાં એક જર્નલિસ્ટે તેને સૂર્યાને બદલે ભૂલથી સિરાજ કહીને બોલાવ્યો એટલે પહેલાં તો બધા ચોંકી ગયા હતા, પણ પછી હસી પડ્યા હતા. જોકે સૂર્યકુમારે એ ભૂલને ખેલદિલીથી લીધી અને જે જવાબ આપ્યો એ સાંભળીને બધા હસી પડ્યા હતા. સૂર્યકુમારે કહ્યું, ‘સિરાજ અહીં છે જ નહીં. સિરાજભાઈ તો ડિનર લઈ રહ્યા છે.’