ભારતનો સુપર-એઇટમાં અફઘાનિસ્તાન સાથે સુપર-મુકાબલો
કોહલીની કપરી કસોટી, કુલદીપને મોકો : રાત્રે 8.00 વાગ્યાથી લાઈવ
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ગણાતી વર્લ્ડ નંબર-વન ટીમ ઇન્ડિયાનો ગુરુવાર, 20મી જૂને અહીં સુપર-એઇટ રાઉન્ડમાં પ્રથમ મુકાબલો (રાત્રે 8.00 વાગ્યાથી) અફઘાનિસ્તાન સાથે છે. રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ગ્રૂપ-એમાંથી અપરાજિત રહેવાની સાથે સૌથી વધુ સાત પૉઇન્ટ સાથે આ રાઉન્ડમાં પહોંચી છે, જ્યારે રાશિદ ખાનની કૅપ્ટન્સીમાં અફઘાનિસ્તાનની ટીમ ગ્રૂપ-સીમાંથી એક પરાજય બાદ છ પૉઇન્ટ સાથે સુપર-એઇટમાં પ્રવેશી છે. ટી-20માં 10મું સ્થાન ધરાવતી અફઘાનની ટીમે ખાસ કરીને ત્રણ દિવસ પહેલાં નિકોલસ પૂરનના ધમાકેદાર 98 રન બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે જે શૉકિંગ પરાજય સહન કર્યો એને કારણે થોડા ઓછા ઉત્સાહ સાથે ભારત સામે મેદાન પર ઉતરશે.
છેલ્લા પાંચ હેડ-ટુ-હેડ મુકાબલાઓમાં ભારત 4-0થી આગળ છે. પાંચમાંથી એક મૅચ વરસાદને લીધે અનિર્ણીત રહી હતી.
ભારતીય ટીમ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ માટે જાણીતી છે, પરંતુ વિરાટ કોહલીના ત્રણ ફ્લૉપ શો (1, 4, 0) ટીમ માટે સૌથી મોટી ચિંતા છે. જોકે હવે તે ઑરિજિનલ વનડાઉનમાં રમશે તો અસલ ફૉર્મમાં જોવા મળી શકે.
આ પણ વાંચો: T20 World Cup :હવે બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં: આ રહ્યું સુપર-એઇટનું ટાઇમટેબલ
કૅનેડા સામેની મૅચ ધોવાઈ ગઈ એ પહેલાં ભારતે ત્રણેય લીગ મુકાબલા (આયરલૅન્ડ, પાકિસ્તાન, અમેરિકા) જીતી લીધા હતા અને એ મૅચોનું આજની મૅચમાં વિનિંગ કૉમ્બિનેશન જાળવી રાખવામાં આવશે કે નહીં એ મોટો સવાલ છે. જો કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હશે તો ટીમમાં રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ જોવા મળી શકે, કારણકે છેલ્લા 12 મહિનામાં કુલદીપ ભારતનો બેસ્ટ સ્પિનર સાબિત થયો છે. હા, તેને ઇલેવનમાં સમાવવા એકાદ સ્પેશિયાલિસ્ટ પેસ બોલરને (મોહમ્મદ સિરાજને અથવા અર્શદીપ સિંહને) બહાર બેસાડવો પડી શકે. કારણ એ છે કે રોહિત શર્માએ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ કહ્યું હતું કે અમે ચારેય ઑલરાઉન્ડર (હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શિવમ દુબે)ને દરેક પ્લેઇંગ-ઇલેવનમાં રાખવા માગીએ છીએ.
અફઘાનિસ્તાને પહેલી ત્રણ લીગ મૅચ બોલર્સના જોરે જીતી લીધી હતી, પણ છેલ્લી મૅચમાં એના બોલર્સ અને બૅટર્સ, બન્ને નિષ્ફળ ગયા હતા.
રાશિદ ખાન ખુદ મૅચવિનિંગ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ માટે જાણીતો છે જ, તે ખાસ કરીને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 12 વિકેટ લેનાર ફઝલહક ફારુકી પર સૌથી વધુ મદાર રાખશે. બૅટિંગમાં ભારતીય બોલર્સે રહમનુલ્લા ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝડ્રાનથી ચેતવું પડશે.
સુપર-એઇટમાં દરેક ટીમે પોતાના ગ્રૂપમાં ત્રણ મૅચ રમવાની છે અને ભારતની બીજી મૅચ શનિવાર, બાવીસમી જૂને બંગલાદેશ સામે (રાત્રે 8.00 વાગ્યાથી) અને ત્રીજી મૅચ સોમવાર, 24મી જૂને ઑસ્ટ્રેલિયા સામે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે.