ભારતને આ વખતે હરાવવું મુશ્કેલ: પૉલ કૉલિંગવૂડ
નવી દિલ્હી: ઇંગ્લૅન્ડ 2010માં અને 2022માં (બે વખત) ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે અને એમાંના પ્રથમ ટાઇટલના ચૅમ્પિયન કૅપ્ટન પૉલ કૉલિંગવૂડ (Paul Collingwood)નું એવું માનવું છે કે ભારતીય ટીમને આ વખતે (ગુરુવાર, 27મી જૂને રાત્રે 8.00 વાગ્યાથી) હરાવવી ઇંગ્લૅન્ડ માટે અત્યંત મુશ્કેલ છે.
કૉલિંગવૂડના મતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે આ વખતે ભારતીય ટીમને હરાવવા કંઈક અસાધારણ પર્ફોર્મ કરી દેખાડવું પડશે.
આ પણ વાંચો: ભારતને ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે બદલો લેવાનો મોકો
2022ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે 10 વિકેટે પરાજય થયો હતો. ભારતે હાર્દિક પંડ્યાના 63 રન અને વિરાટ કોહલીના 50 રનની મદદથી છ વિકેટે 168 રન બનાવ્યા હતા. પેસ બોલર ક્રિસ જોર્ડને ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે કૅપ્ટન જૉસ બટલરના અણનમ 80 અને ઍલેક્સ હેલ્ઝના અણનમ 86 રનની મદદથી વિના વિકેટે 170 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને પછી પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
કૉલિંગવૂડના મતે ‘જસપ્રીત બુમરાહ જબરદસ્ત ફૉર્મમાં છે. તે ફુલ્લી ફિટ છે, તેની બોલિંગમાં ગજબની સચોટતા જોવા મળી છે, તેના બૉલ ખૂબ ફાસ્ટ તથા ધારદાર હોય છે અને તેની બોલિંગમાં વિવિધતા પણ ઘણી હોય છે. કોઈ પણ ટીમ બુમરાહને વળતો જવાબ આપી શકવાની હાલતમાં નથી. ઇંગ્લૅન્ડ માટે 120 બૉલની ઇનિંગ્સમાં બુમરાહના 24 બૉલ ખૂબ અસરકારક સાબિત થઈ શકે.’
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડના જાણીતા પેસ બોલરની ઓવરમાં બન્યા 43 રન
કૉલિંગવૂડના મતે રોહિત શર્મા પાછો ફૉર્મમાં આવી ગયો હોવાથી તે પણ ઇંગ્લૅન્ડની ટીમને પરેશાન કરી શકે.
બન્ને દેશની ટીમ પર એક નજર
ભારતની ટીમ: રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઇંગ્લૅન્ડની ટીમ: જૉસ બટલર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, હૅરી બ્રૂક, મોઇન અલી, જૉની બેરસ્ટૉ, જોફરા આર્ચર, બેન ડકેટ, સૅમ કરૅન, ટૉમ હાર્ટલી, વિલ જૅક્સ, ક્રિસ જોર્ડન, લિઆમ લિવિંગ્સ્ટન, આદિલ રાશિદ, રીસ ટૉપ્લી અને માર્ક વૂડ.