ભારત હજી વર્લ્ડ કપમાંથી આઉટ થઈ શકે છે, જાણો કેવી રીતે…

કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને રવિવારે ઑસ્ટ્રેલિયાને હરાવતાં સુપર-એઇટમાં ગ્રૂપ-1 ઓપન થઈ ગયું છે. ભારતના ચાર પૉઇન્ટ અને +2.425નો રનરેટ છે. બીજા સ્થાને ઑસ્ટ્રેલિયા (બે પૉઇન્ટ, +0.223), ત્રીજા સ્થાને અફઘાનિસ્તાન (બે પૉઇન્ટ, -0.650) અને ચોથા સ્થાને બંગલાદેશ (0 પૉઇન્ટ, -2.489) છે. જોકે નજીવી શક્યતા મુજબ ભારત હજી પણ આ સ્પર્ધાની બહાર થઈ શકે એમ છે.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનના બે સ્ટાર ખેલાડી સામસામે આવી ગયા, આઇસીસીએ કહ્યું, ‘મામલા ગરમ હૈ’
હવે સોમવારે ભારત જો ઑસ્ટ્રેલિયાને હરાવે અને મંગળવારે અફઘાનિસ્તાન જો બંગલાદેશને હરાવે તો ભારતની સાથે અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં જઈ શકે. બીજું, ઑસ્ટ્રેલિયા જો સોમવારે ભારતને એક રનથી પણ હરાવે, પરંતુ મંગળવારે અફઘાનિસ્તાન જો બંગલાદેશને 36-પ્લસ રનના માર્જિનથી પરાજિત કરે તો ચડિયાતા નેટ રનરેટને આધારે ઑસ્ટ્રેલિયાને બદલે અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં જઈ શકે.
જો અફઘાનિસ્તાન રવિવારે ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હોત તો ઑસ્ટ્રેલિયા અને ભારતે રવિવારે જ સત્તાવાર રીતે સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હોત.
આ પણ વાંચો: વિવ રિચર્ડ્સ આવ્યા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં, પંતને આપ્યું અનોખું હુલામણું નામ!
ભારતને સ્પર્ધાની બહાર કરવા ઑસ્ટ્રેલિયા તથા અફઘાનિસ્તાને પોતપોતાની બાકીની એક-એક મૅચ તોતિંગ માર્જિનથી જીતવી પડે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રેલિયા જો ભારતને સોમવારે 41 રનથી હરાવે તો ભારતથી રનરેટમાં આગળ થઈ જાય અને સેમિ ફાઇનલમાં પહોંચી જાય. બીજું, મંગળવારે અફઘાનિસ્તાન જો બંગલાદેશને ઓછામાં ઓછા 83 રનથી હરાવે તો અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં જાય. જોકે ભારતનો +2.425નો તોતિંગ રનરેટ જોતાં આ બન્ને અથવા બેમાંથી એક સંભાવના ઓછી છે.
જો સોમવારે ભારત સામે ઑસ્ટ્રેલિયા જીતે અને મંગળવારે બંગલાદેશ જો અફઘાનિસ્તાનને હરાવે તો ભારત અને ઑસ્ટ્રેલિયા સેમિમાં જાય અને અફઘાન તથા બંગલાદેશ બે-બે પૉઇન્ટ પર રહી જાય. જો સોમવારે ભારત અને મંગળવારે અફઘાનિસ્તાન જીતશે તો તેઓ બન્ને સેમિમાં પહોંચશે.