T20 World Cup: India v/s Pakistan:પાકિસ્તાનના હેડ-કોચ ગૅરી કર્સ્ટને ભારત સામેના મુકાબલા પહેલાં બાબરની ટીમ વિશે શું કહ્યું?
ન્યૂ યૉર્ક: 13 વર્ષ પહેલાં (2011માં) વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન પાકિસ્તાન સામેની મોહાલી ખાતેની સેમિ ફાઇનલ વખતે સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ ગૅરી કર્સ્ટન (Gary Kirsten) ભારતીય ટીમના હેડ-કોચ હતા અને આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમને કોચિંગ આપી રહ્યા છે. કર્સ્ટનને રવિવારે ન્યૂ યૉર્કમાં પાકિસ્તાનની ટીમના ભારત સામેની મૅચ પહેલાંના ઉત્સાહ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબ રસપ્રદ જવાબ આપ્યો હતો.
2011ની એ સેમિ ફાઇનલની થોડી વાત કરીએ તો ભારતે સચિન તેન્ડુલકરના 85 રન તેમ જ ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહની બે-બે વિકેટની મદદથી પાકિસ્તાનને 29 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ભારતે શ્રીલંકાને 10 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો : T20 World Cup:ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે “કાંટે કી ટક્કર
આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે આયરલૅન્ડને હરાવીને વિજયી શરૂઆત કરી છે અને રોહિત શર્મા તથા તેના સાથીઓ બુલંદ ઉત્સાહ અને જોશ સાથે મેદાન પર ઊતરશે. જોકે પાકિસ્તાનને યજમાન અમેરિકાની ટીમે સુપર ઓવરમાં પછડાટ આપી એને પગલે બાબર આઝમ ઍન્ડ કંપનીમાં દેખીતી રીતે જોશ અને ઝનૂન પહેલાં જેવા કદાચ નહીં જ હોય.
જોકે પાકિસ્તાનના હેડ-કોચ ગૅરી કર્સ્ટનનું એવું માનવું છે કે કટ્ટર હરીફ ભારતનો સામનો કરવાની વાત આવે ત્યારે બાબર આઝમ અને તેની ટીમને વધુ મૉટિવેટ કરવાની જરૂર હોય જ નહીં. કર્સ્ટને કહ્યું, ‘આ બહુ મોટી મૅચ છે એટલે એમાં મારે પાકિસ્તાનની ટીમને વધુ ઉત્સાહ અપાવવાની જરૂર હોય જ નહીં. ભારત સામે મૅચ રમતાં પહેલાં જ બાબરની ટીમ મૉટિવેટ થઈ ચૂકી હોય છે. આ વખતે પણ એવું જ છે. તેમનું આ મુકાબલા પર સંપૂર્ણ ફૉકસ છે. છેલ્લા થોડા દિવસમાં શું બન્યું (અમેરિકા સામેની શૉકિંગ હાર) એ અમારે ભૂલી જવું પડશે અને આગળ શું બનવાનું છે એના પર જ લક્ષ્ય આપવું જોઈશે.’