T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડે વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે શું કરવું પડશે?

ન્યૂ યૉર્ક/પ્રૉવિડન્સ: ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં કેટલાક અપસેટ જોવા મળ્યા એટલે કેટલીક નાની ટીમોને પણ સુપર-એઇટમાં જવાની તક મળી રહી છે. ન્યૂ યૉર્કમાં પિચ પર બબાલ થઈ ગઈ છે અને મેઘરાજા પણ નડી રહ્યા છે. અધૂરામાં પૂરું, સાઉથ આફ્રિકા સામેની સોમવારની મૅચમાં બાંગલાદેશે અમ્પાયરની ગરબડથી અને એક નિયમની ‘કચાશ’ને લીધે ચાર રન ગુમાવવા પડ્યા અને છેવટે ચાર રનના માર્જિનથી જ બાંગલાદેશનો પરાજય થયો. આ પરિસ્થિતિમાં હવે કેટલીક મોટી ટીમે સુપર-એઇટ પહેલાં જ સ્પર્ધામાંથી બહાર થઈ જવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. પાકિસ્તાનનું ભાવિ મંગળવારની કૅનેડા સામેની મૅચ પર નિર્ભર હોવાની સાથે ઇંગ્લૅન્ડ (England), શ્રીલંકા (Sri Lanka) અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમનું ભાવિ પણ ખૂબ ચર્ચામાં છે.

સૌથી પહેલાં પાકિસ્તાન વિશે ટૂંકમાં જાણી લઈએ તો એના માટે મંગળવારની કૅનેડા સામેની મૅચમાં જીતવું જરૂરી હોવાની સાથે 16 જૂનની આયરલૅન્ડ સામેની મૅચ જીતવી પણ જરૂરી બતાવાઈ હતી અને એ ઉપરાંત સ્પર્ધામાં ટકી રહેવા પાકિસ્તાનનો નેટ રનરેટ મજબૂત હોવો એ પણ મોટી આવશ્યકતા હોવાનું ગણિતશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

ગ્રૂપ ‘એ’માં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે અને અમેરિકાના પણ ચાર પૉઇન્ટ છે. મંગળવાર સાંજ સુધી કૅનેડાના ખાતે બે, પાકિસ્તાનના ખાતે ઝીરો અને આયરલૅન્ડના ખાતે ઝીરો પૉઇન્ટ બતાવાયા હતા.

લીગ રાઉન્ડમાં ચાર ગ્રૂપ છે અને દરેક ગ્રૂપમાં પ્રત્યેક ટીમે ચાર મૅચ રમવાની છે. દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં જશે.

આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાનનો 110 કિલો વજનવાળો પ્લેયર ફૂડ ટ્રક પાસે પેટ-પૂજા કરતો દેખાયો અને પછી…

હવે મૂળ વાત પર આવીએ તો ગ્રૂપ ‘એ’માં જેમ ભારત આસાનીથી ટોચ પર બિરાજમાન છે એમ ગ્રૂપ ‘બી’માં સ્કૉટલૅન્ડ પાંચ પૉઇન્ટ સાથે મોખરે છે. નવમી જૂને સ્કૉટિશ ટીમે 151 રનનો લક્ષ્યાંક માત્ર 13.1 ઓવરમાં મેળવીને ઓમાનને સાત વિકેટે હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયા ચાર પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. જોકે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની હાલત પાકિસ્તાન જેવી જ છે. આ ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ (બે મૅચમાં એક પૉઇન્ટ) કરતાં તો નામિબિયા (બે મૅચમાં બે પૉઇન્ટ) સારી સ્થિતિમાં છે. ઇંગ્લૅન્ડે હવે સ્પર્ધામાં ટકી રહેવા શુક્રવારે ઓમાનને અને બીજા જ દિવસે (શનિવારે) નામિબિયાને સંયુક્ત રીતે 94 રનના તફાવતથી હરાવવું જ પડશે કે જેથી સ્કૉટલૅન્ડને એ પાછળ રાખી શકે. આ ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ (-1.800) કરતાં સ્કૉટલૅન્ડ (+2.164), ઑસ્ટ્રેલિયા (+1.875) અને નામિબિયા (-0.309)નો રનરેટ સારો છે. ઇંગ્લૅન્ડનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો અને સ્કૉટલૅન્ડ સામેની મૅચમાં વરસાદના વિઘ્ન બાદ મૅચ અનિર્ણીત રહેતાં એક પૉઇન્ટ મળ્યો હતો. હવે બ્રિટિશ ટીમ આવનારી બે લીગ મૅચમાં મેઘરાજા ન નડે એવી પ્રાર્થના પણ કરશે. હવે તેમની વધુ એક મૅચ વરસાદને લીધે ધોવાઈ જશે તો તેઓ સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે.

ગ્રુપ ‘ડી’માં 2014નું ચૅમ્પિયન શ્રીલંકા બે મૅચ બાદ (0 પૉઇન્ટ, -0.777નો રનરેટ) સૌથી ખરાબ હાલતમાં છે. સાઉથ આફ્રિકા (6 પૉઇન્ટ, 0.603નો રનરેટ) સામે સોમવારે બાંગલાદેશ (બે પૉઇન્ટ, +0.075નો રનરેટ) હારી ગયું એનાથી શ્રીલંકાને ફાયદો થયો છે. જોકે શ્રીલંકાએ હવે બાકીની બન્ને મૅચ (નેપાળ અને નેધરલૅન્ડ્સ સામે) જીતવી જ પડશે. શ્રીલંકા આ બેઉ મૅચમાં 160 રન બનાવશે અને 20 રનથી જીતશે તો એનો રનરેટ બાંગલાદેશથી સારો થઈ જશે. જોકે હજી તો બાંગલાદેશની પણ બે મૅચ (નેધરલૅન્ડ્સ અને નેપાળ સામે) રમાવાની બાકી છે એટલે શ્રીલંકા માટે આવનારા દિવસો ખૂબ કઠિન તો છે જ. બની શકે કે શ્રીલંકા, બાંગલાદેશને બાજુ પર રાખીને નેધરલૅન્ડ્સ (બે પૉઇન્ટ, 0.024નો રનરેટ) સુપર એઇટમાં પહોંચી જાય.

ગ્રુપ ‘સી’માં ન્યૂ ઝીલૅન્ડ (0 પૉઇન્ટ, -4.200નો રનરેટ) સાવ તળિયે છે. અફઘાનિસ્તાન (4 પૉઇન્ટ, +5.225નો રનરેટ) સામેની 84 રનના માર્જિનવાળી હાર કિવીઓને છેક સુધી સતાવશે. વેસ્ટ ઇન્ડિઝ (4 પૉઇન્ટ, +3.574નો રનરેટ) અને અફઘાનિસ્તાન આફ્રિકન દેશ યુગાન્ડા (બે પૉઇન્ટ, -4.217નો રનરેટ)ને 120-પ્લસના માર્જિનથી હરાવી ચૂક્યા હોવા છતાં અત્યારે તો યુગાન્ડા ટેબલમાં ન્યૂ ઝીલૅન્ડથી ઉપર છે. બુધવારે ન્યૂ ઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવવું જ પડશે, નહીં તો ટી-20 વર્લ્ડ કપની ટ્રોફીથી વંચિત રહેલા કિવીઓ અત્યારથી જ આઉટ થઈ શકે એમ છે. જો તેઓ કૅરિબિયનો સામે હારી જશે તો યુગાન્ડા અને પાપુઆ ન્યૂ ગિની (0 પૉઇન્ટ, -0.434નો રનરેટ) સામેની તેમની (કિવીઓની) છેલ્લી બે મૅચનો કોઈ મતલબ નહીં રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો