T20 World Cup 2024

T20 World Cup: અમેરિકા ‘સ્ટૉપ ક્લૉક પેનલ્ટી’ રનના નવા નિયમની બૅડ-બુકમાં આવનારો પ્રથમ દેશ

ખેલાડીઓ અમ્પાયરોની બે ચેતવણીથી ચેતી ન ગયા અને ભારતને જીતવા વધારાના પાંચ રન મળી ગયા

ન્યૂ યૉર્ક: અમેરિકાની ક્રિકેટ ટીમ બુધવારે આઇસીસીના ‘સ્ટૉક ક્લૉક પેનલ્ટી’ (Stop Clock Penalty) નામના નવા નિયમનો ભોગ બનનારી પ્રથમ નૅશનલ ટીમ બની હતી. ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચમાં આરૉન જોન્સની ટીમે આ નિયમ હેઠળ અમ્પાયરો બે વાર આપેલી ચેતવણી છતાં ન ચેતી ગયા એટલે તેમણે અમ્પાયરે નિયમ લાગુ કર્યો અને રસાકસીભરી મૅચમાં ભારતને પેનલ્ટીના પાંચ રન મળી ગયા હતા. ભારતે એ મૅચ 18.2 ઓવરમાં સાત વિકેટના ભોગે જીતી લીધી હતી.

આમ તો ભારતને વધારાના આ પાંચ રન ન મળ્યા હોત તો પણ કદાચ કોઈ ફરક ન પડ્યો હોત, કારણકે ભારતીય ટીમ 10 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને જીતી ગઈ હતી. જોકે અમેરિકાની ટીમ આ નવા નિયમને લગતી બૅડ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો: T20 World Cup: અર્શદીપ, સૂર્યા અને શિવમ સુપર હીરો: ભારત પહોંચ્યું સુપર એઇટમાં

આઇસીસીના નવા નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે 60 સેકન્ડની અંદર પછીની ઓવર શરૂ કરી દેવી પડે. જો આ ટીમ એક મિનિટની અંદર નવી ઓવર શરૂ ન કરી શકવાનો ગુનો ત્રીજી વખત કરે તો બૅટિંગ કરતી ટીમના સ્કોરમાં પેનલ્ટીના પાંચ રન ઉમેરી દેવામાં આવે છે. અમ્પાયર પહેલા બન્ને અફેન્સ વખતે સંબંધિત ફીલ્ડિંગ ટીમના કૅપ્ટનને ચેતવણી આપે છે અને એમ છતાં ત્રીજી વાર નિયમનો ભંગ થાય તો અમ્પાયર બૅટિંગ-સાઇડને પાંચ રનની ‘ભેટ’ આપી દે છે.

ભારતીય મૂળનો ખેલાડી અને સુકાની મોનાંક પટેલ ખભાની ઈજાને કારણે આ મૅચમાં નહોતો રમ્યો અને તેના સ્થાને આરૉન જોન્સે કેપ્ટન્સી સંભાળી હતી. 16મી ઓવરની શરૂઆત વખતે ભારતે 111 રનના લક્ષ્યાંક સામે બીજા 35 રન બનાવવાના બાકી હતા અને સૂર્યકુમાર યાદવ તથા શિવમ દુબે થોડા પ્રેશરમાં રમી રહ્યા હતા. જોકે જોન્સના સુકાનમાં અમેરિકાની ટીમથી ’સ્ટોપ ક્લોક પેનલ્ટી’નો ગુનો ત્રીજી વખત થયો એટલે અમ્પાયરે અમેરિકાને પેનલ્ટી કરીને પાંચ રન ભારતીય ટીમને આપી દીધા હતા. વધારાના આ પાંચ મળતાં ભારતે 30 બૉલમાં 30 રન બનાવવાના રહ્યા હતા અને પછી ભારતે આસાનીથી વિજય મેળવી લીધો હતો.

આ પણ વાંચો: T20 World Cup: અરે…! ભારત-પાકિસ્તાન મૅચવાળા સ્ટેડિયમના સ્ટૅન્ડ કેમ તોડવામાં આવી રહ્યા છે?

જોકે 13મી ઓવરમાં સૂર્યકુમાર માત્ર બાવીસ રને હતો અને ભારતે જીતવા બીજા 53 રન બનાવવાના બાકી હતા ત્યારે વૅન સ્કૉલ્કવીક નામના બોલરના બૉલમાં સૌરભ નેત્રાવલકરથી સૂર્યકુમારનો કૅચ છૂટી ગયો હતો. આ જીવતદાન અમેરિકાને ભારે પડ્યું હતું, કારણે એ પછી સૂર્યાએ બીજા 28 રન બનાવ્યા હતા અને ભારતને જિતાડ્યું હતું.

15મી ઓવર કૉરી ઍન્ડરસને કરી હતી જેના બીજા બૉલમાં ભારતનો સ્કોર માત્ર 67/3 હતો ત્યારે શિવમ દુબેએ જે સિક્સર ફટકારી એ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button