
ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં યજમાન અમેરિકા (20 ઓવરમાં 110/8)ને ભારતે (18.2 ઓવરમાં 111/3) રોમાંચક મુકાબલામાં સાત વિકેટે હરાવીને સુપર એઇટ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. અર્શદીપ સિંહ (4-0-9-4), સૂર્યકુમાર યાદવ (50 અણનમ, 49 બૉલ, બે સિક્સર, બે ફોર) અને શિવમ દુબે (31 અણનમ, 35 બૉલ, એક સિક્સર, એક ફોર) આ જીતના ત્રણ સુપર હીરો હતા. અર્શદીપને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ભારતે માત્ર 111 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ખૂબ ખરાબ શરૂઆત કરી હતી પરંતુ સૂર્યા અને શિવમ વચ્ચેની ચોથી વિકેટ માટેની 67 રનની અતૂટ ભાગીદારીએ ભારતની આબરૂ સાચવી લીધી હતી. રિષભ પંતે (18 રન, 20 બૉલ, એક સિક્સર, એક ફોર) હંમેશ મુજબ અફલાતૂન વિકેટકીપિંગ કર્યા બાદ બૅટિંગમાં પણ સારો આરંભ કર્યો હતો, પરંતુ આઠમી ઓવરમાં પાકિસ્તાની મૂળના ફાસ્ટ બોલર અલી ખાનના એક બૉલમાં તે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
Read more: ભારતીય ઑલરાઉન્ડરે લંડનમાં કરાવી સર્જરી, ત્રણ મહિના નહીં રમે
ત્યાર બાદ સૂર્યકુમાર અને શિવમની જોડીએ 19મી ઓવરમાં મહા મહેનતે (10 બૉલ બાકી રાખીને) ટીમ ઇન્ડિયાની નૌકા પાર પાડી હતી. સૂર્યા અને શિવમે ઘણી ઓવરમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો, પરંતુ તક મળી ત્યારે એક-બે રન લેતા રહીને તેમ જ ખરાબ બૉલમાં બાઉન્ડરી ફટકારીને રનમશીન આગળ વધાર્યું હતું.
13મી ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 58 રન હતો અને સૂર્યકુમાર માત્ર 22 રન પર હતો ત્યારે શોર્ટ થર્ડ મૅન પરથી દોડી આવેલા સૌરભ નેત્રાવલકરથી તેનો કૅચ (બૉલ હાથમાં આવ્યા પછી) છૂટી ગયો હતો. સૂર્યકુમારને મળેલું આ જીવતદાન અમેરિકાને છેવટે ભારે પડ્યું હતું. આઇસીસીના નવા નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે 60 સેકન્ડની અંદર પછીની ઓવર શરૂ કરી દેવી પડે. જો આ ટીમ એક મિનિટની અંદર પછીની ઓવર શરૂ ન કરી શકવાનો ગુનો ત્રીજી વખત કરે તો બૅટિંગ કરતી ટીમના સ્કોરમાં પેનલ્ટીના પાંચ રન ઉમેરી દેવામાં આવે છે.
ભારતીય મૂળનો ખેલાડી અને સુકાની મોનાંક પટેલ ખભાની ઈજાને કારણે આ મેચમાં નહોતો રમ્યો અને તેને બદલે આરૉન જોન્સે કેપ્ટન્સી સંભાળી હતી. તેના સુકાનમાં અમેરિકાની ટીમથી ‘સ્ટૉપ ક્લોક પેનલ્ટી’નો ગુનો ત્રીજી વખત થયો એટલે અમ્પાયરે અમેરિકાને પેનલ્ટી કરીને પાંચ રન ભારતીય ટીમને આપી દીધા હતા. વધારાના આ પાંચ રનથી પણ ભારતનો વિજય આસાન થઈ ગયો હતો.
જોકે ઓપનિંગમાં પોતાના પ્રથમ બૉલે વિરાટ કોહલી (0)ની વધુ એક નિષ્ફળતા ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. હવે પછી કદાચ તેને રાબેતા મુજબના ત્રીજા ક્રમે જ રમવાનું કહેવામાં આવશે. કેપ્ટન રોહિત શર્મા (છ બૉલમાં ત્રણ રન) પણ સદંતર ફ્લોપ રહ્યો હતો. બંનેની વિકેટ મૂળ મુંબઈના અમેરિકન પેસ બોલર સૌરભ નેત્રાવલકરે લીધી હતી.
એ પહેલાં,અમેરિકાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન બનાવ્યા હતા. એક તબક્કે પચીસ રનમાં એની ત્રણ વિકેટ પડી ચૂકી હતી, પરંતુ કેટલીક નાની ભાગીદારીને લીધે ટીમનો સ્કોર 100-પ્લસ થયો હતો. ભારતીય મૂળના ખેલાડી નીતિશ કુમારના 27 રન ટીમમાં હાઇએસ્ટ હતા. તેને પણ અર્શદીપે આઉટ કર્યો હતો.
અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને અમેરિકાની ટીમને ચિંતામાં મૂકી દીધી હતી. પહેલી જ મૅચ રમેલા પાકિસ્તાની મૂળના શયાન જહાંગીરને તેણે મૅચના પ્રથમ બૉલમાં અને આન્દ્રીસ ગૌસેને છઠ્ઠા બૉલમાં આઉટ કર્યો હતો. ભારતીય મૂળના હરમીત સિંહ (10 બૉલમાં 10 રન)ની વિકેટ પણ અર્શદીપે લીધી હતી. હાર્દિક પંડ્યા (4-1-14-2)નો પણ અસરદાર બોલિંગ પર્ફોર્મન્સ હતો.
અક્ષર પટેલને એક વિકેટ પચીસ રનના ખર્ચે મળી હતી. સિરાજને પચીસ રનમાં, બુમરાહને પણ પચીસ રનમાં અને શિવમ દુબેને અગિયાર રનમાં એકેય વિકેટ નહોતી મળી શકી.