T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup 2024 Final: ૧૭મા વર્ષે ભારત ફરી ટી-૨૦ ચેમ્પિયન

રોહિત આણિ ટીમે દક્ષિણ આફ્રિકાને દિલધડક ફાઈનલમાં સાત રને હરાવ્યું : વિરાટ કોહલીએ ટી-૨૦માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતે શનિવારે ટી-૨૦ વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ૧૭ વર્ષ પછી આ વિશ્ર્વ કપની બીજી ટ્રોફી જીતી લીધી હતી. ભારત ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ જીત્યું ત્યાર બાદ ૧૩ વર્ષથી ભારત એકેય મોટી ટ્રોફી નહોતું જીતી શક્યું, પણ રોહિત શર્મા અને તેના ચૅમ્પિયન સાથી ખેલાડીઓએ ટ્રોફીનો એ દુકાળ દૂર કરી આપ્યો. ભારતે બૅટિંગ લીધા બાદ સાત વિકેટે ૧૭૬ રન બનાવ્યા ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૯ રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકા ફરી એકવાર વર્લ્ડ કપના પ્રથમ ટાઇટલથી વંચિત રહી ગયું.

ભારતને ૨૦.૪૨ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળ્યું હતું. ટી-૨૦ વર્લ્ડ કપને પહેલી વાર ટૂર્નામેન્ટની અપરાજિત ટીમના રૂપમાં ચૅમ્પિયન મળ્યું. વિરાટ કોહલી (૭૬ રન, ૫૯ બૉલ, બે સિક્સર, છ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેણે ટી-૨૦ ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. આ તેનો છઠ્ઠો ટી-૨૦ વિશ્ર્વ કપ હતો.

ન્યૂ લૂકમાં (નવી હેર-સ્ટાઇલમાં) આ મૅચ રમેલા હાર્દિક પંડ્યાએ સાબિત કર્યું કે આઇપીએલમાં ભલે તે ગયા મહિને મુંબઈ ઇન્ડિયન્સને શરમજનક સ્થિતિથી બચાવી ન શક્યો, પણ વર્લ્ડ કપની અંતિમ (૨૦મી) ઓવરમાં ૧૬ રન ડિફેન્ડ કરીને ભારતને યાદગાર વિજય સાથે ટ્રોફી અપાવી. સૂર્યકુમારે હાર્દિક પંડ્યાની નિર્ણાયક ૨૦મી ઓવર (વર્લ્ડ કપની છેલ્લી ઓવરના પ્રથમ બૉલમાં) ડેવિડ મિલરે બિગ શૉટ માર્યો હતો અને સૂર્યકુમાર યાદવે જબરદસ્ત સમય-સૂચકતાથી બાઉન્ડરી લાઇન પાસે પહોંચ્યા બાદ બૉલ ઝીલ્યા પછી બાઉન્ડરી લાઇનની બહાર જઈને બીજી ક્ષણે અંદર આવીને હવામાં ફેંકેલો બૉલ ફરી ઝીલી લીધો હતો. ત્યાર બાદ પાંચમા બૉલમાં રબાડાની પણ વિકેટ હાર્દિકે લીધી હતી. હાર્દિકે આ મૅચમાં ત્રણ તેમ જ અર્શદીપ સિંહ અને બુમરાહે બે-બે વિકેટ તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી. કુલદીપને ૪૫ રનમાં, જાડેજાને ૧૨ રનમાં વિકેટ નહોતી મળી.
હેડ-કોચ તરીકે રાહુલ દ્રવિડનો આ છેલ્લો દિવસ હતો. તેને ટ્રોફી સાથે યાદગાર ફેરવેલ મળી.

રોહિત શર્માએ એકસાથે ત્રણ વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યા હતા. તે ૫૦મી ટી-૨૦ ઇન્ટરનૅશનલ જીતનાર પ્રથમ કૅપ્ટન બન્યો હતો, ૧૦૦ ટકા વિન રેકૉર્ડ સાથે ટી-૨૦ વિશ્ર્વ કપ જીતનારો વિશ્ર્વનો પહેલો કૅપ્ટન બન્યો હતો તેમ જ બે વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનારો પ્રથમ ભારતીય પ્લેયર બન્યો હતો. ૨૦૦૭ના વિશ્ર્વ કપ વિજેતાપદ વખતે પણ તે ટીમમાં હતો.

સાઉથ આફ્રિકાએ ૨૪ બૉલમાં ૨૬ રન બાકી હતા ત્યારે મૅચમાં મોટો ટર્ન આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ બ્રેકથ્રૂ અપાવ્યું હતું. બેફામ ફટકાબાજી કરતા હિન્રિચ ક્લાસેન (બાવન રન, ૨૭ બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ને હાર્દિકે વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ સાથે, ક્લાસેન અને મિલરની ૪૫ રનની પાર્ટનરશિપનો અંત આવી ગયો હતો.

૧૦૬ રનના સ્કોર પર અર્શદીપ સિંહના બૉલમાં કુલદીપ યાદવે બાઉન્ડરી લાઇનની લગોલગ કૅચ પકડતાં ક્વિન્ટન ડિકૉક (૩૯ રન, ૩૧ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની વિકેટ પડી ત્યાર બાદ ક્લાસેનની પાંચમી વિકેટ છેક ૧૫૧મા રને પડી હતી. જોકે સાઉથ આફ્રિકાના બૅટર્સ માનસિક દબાણમાં આવી ગયા હતા અને ૧૮મી ઓવરમાં ૧૫૬મા રને માર્કો યેનસેનની છઠ્ઠી વિકેટ પડી હતી. એ સાથે રોમાંચની સાથે રસાકસી અત્યંત વધી ગઈ હતી. સાઉથ આફ્રિકા માટેના બૉલ અને જરૂરી રન વચ્ચેનો તફાવત વધી ગયો હતો.

અર્શદીપની ૧૯મી ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા એટલે ૨૦મી ઓવરમાં સાઉથ આફ્રિકાએ ૧૬ રન બનાવવાના આવ્યા હતા. એક તબક્કે તેમણે ૩૦ બૉલમાં ૩૦ રન બનાવવાના હતા.

એ પહેલાં, ભારતે બૅટિંગ પસંદ કર્યા પછી ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૬ રન બનાવીને સાઉથ આફ્રિકાને જીતવા ૧૭૭ રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી આખી ટૂર્નામેન્ટમાં ઓપનિંગમાં ફ્લૉપ રહ્યા બાદ ફાઇનલમાં સારું રમ્યો હતો. તે અસલ મિજાજમાં (આઇપીએલમાં ઓપનિંગમાં રમ્યો એવા આક્રમક મૂડમાં) નહોતો રમ્યો, પરંતુ ભારતને ૧૭૦-પ્લસનો સ્કોર અપાવવામાં તેનું સૌથી મોટું યોગદાન હતું.

પાંચમી ઓવરમાં પાંચમા નંબરે મોકલવામાં આવેલા ગુજ્જુભાઈ અક્ષર પટેલે (૪૭ રન, ૩૧ બૉલ, ચાર સિક્સર, એક ફોર) ગામ ગજાવ્યું હતું. તે ભારતની ઇનિંગ્સનો ખરો હીરો હતો. તેણે જોરદાર ફટકાબાજી કરીને ભારતની ઇનિંગ્સમાં જાન રેડી હતી. જો અક્ષર સારું ન રમ્યો હોત તો ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૫૦ સુધી પણ ન પહોંચી શક્યો હોત.

શિવમ દુબે (૨૭ રન, ૧૬ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) ફરી એકવાર અપેક્ષા જેવું નહોતો રમી શક્યો.
ટી-૨૦ વર્લ્ડ કપની આઠમાંથી સાત ફાઇનલમાં ટૉસ જીતનારી ટીમની જીત થઈ હોવાના ઇતિહાસના રેકૉર્ડ સાથે મૅચ શરૂ થઈ હતી. ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રોહિત શર્મા (નવ રન, પાંચ બૉલ, બે ફોર) અને વિરાટ કોહલીની જોડીએ શરૂઆતથી જોરદાર ફટકાબાજી કરી હતી. માર્કો યેનસેનની પહેલી ઓવરમાં કોહલીએ ત્રણ ફોર અને કેશવ મહારાજની બીજી ઓવરની શરૂઆતમાં રોહિતે બે ફોર ફટકારી હતી, પણ પછીથી મહારાજે ત્રણ બૉલમાં બે વિકેટ લીધી હતી.

ઇન-ફૉર્મ બૅટર રોહિત શર્માને મહારાજે કલાકે ૭૭ કિલોમીટરની ઝડપે ફેંકેલો બૉલ ઑફ સ્ટમ્પની બહારનો હતો. રોહિત સ્વીપ કરવાના પ્રયાસમાં સ્ક્વેર લેગની ડાબી તરફ કૅચ આપી બેઠો હતો. હિન્રિચ ક્લાસેને રોહિતનો બે હાથથી શાનદાર ડાઇવિંગ કૅચ પકડ્યો હતો.

રોહિત પૅવિલિયનમાં પાછો ગયા બાદ રિષભ પંત બૅટિંગમાં આવ્યો હતો. ઑફ સ્ટમ્પની બહાર પડેલા બૉલને પંતે આગળ આવીને બૅકવર્ડ પૉઇન્ટ તરફ મોકલી દીધો હતો. જોકે પછીના જ બૉલમાં મહારાજે પંતને પણ પૅવિલિયનમાં મોકલી દીધો હતો. પંતના બૅટની બૉટમને ટૉપ-એજ લાગીને બૉલ પાછળ તરફ ગયો હતો અને વિકેટકીપર ક્વિન્ટન ડિકૉકે ઊંચો કૅચ પકડી લીધો હતો. મહારાજે ત્રણ બૉલમાં બે ભારતીય બૅટરને પાછા મોકલી દીધા. રોહિતે નવ રન બનાવ્યા હતા અને પંતનો ઝીરો હતો.

પછીની કૅગિસો રબાડાની ઓવરમાં ત્રણ રન અને મહારાજની ઓવરમાં છ રન બન્યા બાદ રબાડાની નવી ઓવરમાં સૂર્યકુમાર યાદવે (ત્રણ રન) વિકેટ ગુમાવી દીધી હતી.

સૂર્યાના ગયા બાદ અક્ષર પટેલને પ્રમોટ કરીને પાંચમા ક્રમે મોકલવામાં આવ્યો હતો. જોકે આફ્રિકન બોલર્સે કોહલી અને અક્ષરને બાંધીને રાખ્યા હતા. એક તબક્કે ૯-૧૨ ઓવર વચ્ચે ભારતીય ટીમમાં બે છગ્ગા વચ્ચે (અક્ષરની બે સિક્સર વચ્ચે) ૨૦ બૉલમાં વાઇડ બૉલ સહિત કુલ માત્ર ૧૭ રન બન્યા હતા. પાંંચ ડૉટ-બૉલ હતા.

કૅપ્ટન એઇડન માર્કરમની શરૂઆતમાં જ નવાઈ પમાડનારી વ્યૂહરચના જોવા મળી હતી. તેણે બીજી જ ઓવર લેફ્ટ-સ્પિનર કેશવ મહારાજને આપી હતી અને તેણે એ ઓવરમાં ત્રણ બૉલમાં બે વિકેટ લીધી હતી.

આખી ઇનિંગ્સમાં મહારાજ તથા ઍન્રિક નૉકિયાએ બે-બે વિકેટ તેમ જ માર્કો યેનસેન અને કૅગિસો રબાડાએ એક-એક વિકેટ લીધી હતી. મુખ્ય સ્પિનર તબ્રેઝ શમ્ઝીને ૨૬ રનમાં અને કૅપ્ટન માર્કરમને ૧૬ રનમાં વિકેટ નહોતી મળી.
૧૦૦મી ટી-૨૦ ઇન્ટરનૅશનલ રમનાર હાર્દિક પંડ્યા એક ફોરની મદદથી બનાવેલા પાંચ રને અણનમ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા ઇનિંગ્સના છેલ્લા બૉલે બે રનના સ્કોર પર આઉટ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ