T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતના મેન ઇન બ્લુએ ફાઇનલમાં પ્રોટીઝને 7 રનથી હરાવીને તેમની બીજી વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી અને 11 વર્ષના ICC ટાઇટલના દુષ્કાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસના મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને ટીમે જીતનો જશ્ન મનાવ્યો હતો. વિરાટ કોહલીએ પણ તેની પ્રથમ T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી હતી. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર ભગવાન અને તેના ચાહકોનો આભાર માન્યો હતો.
કોહલીએ લખ્યું હતું કે, “આનાથી વધુ સારા દિવસની કલ્પના પણ કરી શકતો ન હતો. ભગવાન મહાન છે અને હું કૃતજ્ઞતામાં મારૂ માથું ઝુકાવું છું. આખરે અમે તે કરી બતાવ્યું. જય હિંદ.” તેમની પોસ્ટને અત્યાર સુધીમાં 1.6 કરોડથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને આ સંખ્યા વધી રહી છે. આ પોસ્ટ લગભગ 19 કલાક પહેલા લાઈવ થઈ હતી અને ભારતમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની ગઈ છે. ભારતીય ક્રિકેટ જગત અને બોલિવૂડના દિગ્ગજો જ નહીં પરંતુ ભૂતપૂર્વ UFC ચેમ્પિયન કોનોર મેકગ્રેગોરે પણ આ પોસ્ટને લાઈક કરી છે.
T20 વર્લ્ડ કપમાં રન બનાવવામાં નિષ્ફળ રહેલો કોહલી ફાઇનલમાં ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કોહલી ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાયો હતો. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતા પહેલા કોહલીએ તેમના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ પછી તેઓ એવોર્ડ લેવા ગયા અને નિવૃત્તિની જાહેરાત કરી. નિવૃત્તિની જાહેરાત કરતા કોહલીએ કહ્યું: આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો અને અમે આ જ હાંસલ કરવા માગતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે રન બનાવી શકતા નથી, પછી વસ્તુઓ થાય છે. ભગવાન મહાન છે, અને ટીમ માટે જે દિવસે તેની જરૂર હતી તે દિવસે મેં કામ કર્યું. મારી માટે now or never જેવી સ્થિતિ હતી. ભારત માટે છેલ્લી T20નો હું મહત્તમ ઉપયોગ કરવા માંગતો હતો છે. વિજેતા ટ્રોફી જીતવા માગતો હતો, હવે આવનારી પેઢીને ચાર્જ લેવાનો સમય આવી ગયો છે, કેટલાક અદ્ભુત ખેલાડીઓ ટીમને આગળ લઈ જશે અને ધ્વજને ઊંચો રાખશે.