T20 World Cup 2024સ્પોર્ટસ

અમેરિકા સુપર-એઇટમાં સાઉથ આફ્રિકાને જોરદાર લડત આપ્યા પછી હાર્યું

નોર્થ સાઉન્ડ: સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 194/4)ને ટી-20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારે સંઘર્ષ પછી ફક્ત 18 રનના માર્જિનથી જીતવા મળ્યું. બુધવારે અમેરિકા (20 ઓવરમાં ઓવરમાં 176/6)એ સુપર-એઇટના પહેલા જ મુકાબલામાં એને જોરદાર લડત આપ્યા પછી જ હાર સ્વીકારી હતી. સાઉથ આફ્રિકા આ સાથે આ ટૂર્નામેન્ટમાં તમામ પાંચ મેચ જીત્યું છે.

ક્વિન્ટન ડિકોક (74 રન, 40 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો, પરંતુ અમેરિકાનો વિકેટકીપર-ઓપનર આંદ્રિસ ગોઉસ (80 અણનમ, 47 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) આ મુકાબલાનો ખરો હીરો હતો. તેની અને ભારતીય મૂળના ખેલાડી હરમીત સિંહ (38 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે માત્ર 43 બોલમાં 91 રનની પાર્ટનરશિપ થઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વિકેટ માટેની એ સેકન્ડ-બેસ્ટ ભાગીદારી હતી. જો ગોઉસને વધુ એક જોડીદારનો લાંબા સમય સુધી સાથ મળ્યો હોત તો લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને આંચકો આપી ચૂકેલી અમેરિકાની આ ટીમે જરૂર સાઉથ આફ્રિકાને હરાવીને અપસેટ સરજ્યો હોત.

અમેરિકાનો મુખ્ય કેપ્ટન મોનાંક પટેલ ઈજાને લીધે આ મેચમાં પણ નહોતો રમ્યો જેને લીધે ટીમને તેની ખોટ ખૂબ વર્તાઈ હતી. તેની ગેરહાજરીમાં ફરી એક વાર આરોન જોન્સે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે ખુદ જોન્સ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. હરમીત સિંહ તેમ જ ઓપનર સ્ટીવન ટેલર (14 બૉલમાં 24 રન) અને નીતીશ કુમાર (6 બૉલમાં 8 રન)ની મહત્વની વિકેટો કૅગિસો રબાડા (4-0-18-3)એ લીધી હતી. શરૂઆતમાં પાવરપ્લેમાં રબાડાએ ટેલર અને નીતિશની ઉપરાઉપરી જે વિકેટ લીધી હતી એ અમેરિકાને નડી હતી. કેશવ મહારાજ, નોર્કિયા અને શમ્ઝીને એક-એક વિકેટ મળી હતી.

એ પહેલાં, અમેરિકાની થોડી નબળી બોલિંગને કારણે સાઉથ આફ્રિકાની ટીમ 194/4નો સ્કોર નોંધાવી શકી હતી. અમેરિકાના મુખ્ય બોલર સૌરભ નેત્રાવલકર અને હરમીત સિંહને કુલ માત્ર ચાર વિકેટ મળી શકી હતી. કૉરી ઍન્ડરસન સહિત પાંચ બોલરને એકેય વિકેટ નહોતી મળી.

ક્વિન્ટન ડિકૉક (74 રન, 40 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) તેમ જ કૅપ્ટન એઇડન માર્કરમ (46 રન, 32 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને ખાસ કરીને હિન્રિચ ક્લાસેન (36 અણનમ, બાવીસ બૉલ, ત્રણ સિક્સર)નું 200-આસપાસના ટોટલમાં મહત્ત્વનું યોગદાન હતું. ટ્રિસ્ટેન સ્ટબ્સ (20 અણનમ, 16 બૉલ, બે ફોર)ની ક્લાસેન સાથે 53 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એ અગાઉ, ડિકૉક અને માર્કરમ વચ્ચે બીજી વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ થઈ હતી જે અમેરિકાને છેવટે ભારે પડી હતી. સુપર-એઇટમાં હવે પછી અમેરિકાની લડાયક ટીમની વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે મૅચ રમાશે એના પર સૌ કોઈની નજર હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે