સ્પોર્ટસ

128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનું થશે પુનરાગમન

ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ શુક્રવારે વર્ષ 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આથી 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં બેટર્સ ચોગ્ગા-છગ્ગાની ધબધબાટી બોલાવતા નજરે પડશે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાકએ કહ્યું હતું કે કાર્યકારી બોર્ડના અધિકારીઓએ ક્રિકેટને એ 5 રમતોમાં સામેલ કરવાની મંજૂરી કરી લીધી છે. જેમાં બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્કવોશ-લેક્રોસ વગેરે છે. જો કે આ તમામ રમતોએ 2028માં યોજાવા જઇ રહેલા લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં સમાવિષ્ટ થતા પહેલા IOC તરફથી વોટ હાંસલ કરવાની જરૂર રહેશે.


અગાઉ, ફેબ્રુઆરી 2022માં ચીનની રાજધાની બેઇજિંગમાં નીતા અંબાણીના નેતૃત્વમાં IOC સત્ર માટે બિડિંગ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક બેઠકમાં ભારતની તરફેણમાં 75 વોટ પડ્યા અને વિરોધમાં માત્ર 1 વોટ પડ્યો. આ બેઠક કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 40 વર્ષ બાદ ભારતમાં આ IOC સત્ર યોજાઈ રહ્યું છે.


અગાઉ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓલિમ્પિકમાં પુરૂષ અને મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ક્રિકેટ પાછું ફર્યું છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પુરુષો અને મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલા 1998માં કુઆલાલંપુરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1900માં ઓલિમ્પિકમાં ક્રિકેટની સ્પર્ધા થઈ ત્યારે ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button