કમાલ કહેવાય! સિલેક્ટરોને ટી-20 ટીમના ટોચના 20 પ્લેયરમાં પણ શ્રેયસ સમાવવા જેવો ન લાગ્યો?: અભિષેક નાયર…

મુંબઈઃ બૅટ્સમૅન શ્રેયસ ઐયર (Shreyas Iyer)ને ટી-20 એશિયા કપ (Asia cup) માટેની ભારતીય ટીમની બહાર રાખવાના સિલેક્ટરોના નિર્ણયની ટીકા ભૂતપૂર્વ ક્રિકેટર અભિષેક નાયરે (Abhishek Nayar) તેમ જ સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને (Ashwin) કરી છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયરે એક ઍપને મુલાકાતમાં કહ્યું છે કે ` મને લાગે છે કે શ્રેયસ હવે ટી-20 ક્રિકેટ માટેની ભારતીય ટીમમાં કદાચ ક્યારેય સ્થાન નહીં મેળવી શકે. મારા મતે સિલેક્ટરોએ તેને ટી-20 ફૉર્મેટથી જાણે દૂર જ કરી નાખ્યો છે.

ભારતની ટી-20 ટીમમાં શ્રેયસની બાદબાકી કરાઈ એ હું માનવા જ તૈયાર નથી. 15 ખેલાડીઓની મુખ્ય ટીમની વાત જવા દો, બીજા પાંચ રિઝર્વ પ્લેયર્સમાં પણ તેનો સમાવેશ નથી. કમાલ કહેવાય! સિલેક્ટરોને ટી-20 ટીમ માટેના ટોચના કુલ 20 ખેલાડીઓમાં પણ શ્રેયસ સમાવવા યોગ્ય ન લાગ્યો?’
નાયરે એવું પણ કહ્યું છે કે `શુભમન ગિલ બહુ સારો બૅટ્સમૅન છે, પરંતુ મને લાગે છે કે તેને હવે ટી-20 ટીમમાં પણ સમાવ્યો એ જોતાં આગળ જતાં તેને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવી દેવાશે.’
અશ્વિને શ્રેયસની બાદબાકીને વખોડતાં કહ્યું છે, ` શ્રેયસની સંપૂર્ણ બાદબાકી અને યશસ્વીને માત્ર રિઝર્વ પ્લેયરના લિસ્ટમાં જ સમાવાયો એ દુઃખની વાત અને અવ્યવહારું કહેવાય. ગિલનું સિલેક્શન સારું કહેવાય, પણ વર્લ્ડ કપ વિનિંગ ટીમના પ્લેયર યશસ્વીને શું કામ મુખ્ય ટીમમાં ન લીધો?
શ્રેયસે શું ખોટું કર્યું છે એ તો કોઈ કહે! 2024માં કેકેઆરને ટાઇટલ અપાવ્યું છતાં હરાજીમાં મુકાયો એ પછી તેણે (2025માં) પંજાબ કિંગ્સને 11 વર્ષમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચાડ્યું અને રનર-અપનું ટાઇટલ અપાવ્યું. શૉર્ટ બૉલને ફટકારવાની ખામી તેણે દૂર કરી અને કૅગિસો રબાડા તથા બુમરાહ જેવા ટોચના બોલર સામે આઇપીએલમાં આસાનીથી ફટકાબાજી કરી હતી.
આ પણ વાંચો…એશિયા કપ માટેની ટીમમાં કોણ કેમ સામેલ? કોને કેમ જગ્યા ન મળી?