T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું
હાર્દિકના બહુમૂલ્ય ફિફ્ટી બાદ કુલદીપના કાંડાની કમાલ: ભારતની ઇનિંગ્સમાં 12 ફોર સામે 13 સિક્સર
નોર્થ સાઉન્ડ: ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ અહીં શનિવારે બીજી મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે બંગલાદેશને 50 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ર્ચિત કરી લીધું હતું. ભારતના 196/5 સામે બંગલાદેશની ટીમ 20 ઓવરમાં 146/8નો સ્કોર નોંધાવી શકી હતી. ગ્રૂપ-1માંથી ભારત સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી ગયું છે. બંગલાદેશની બૅટિંગ-તાકાત સામે ભારતનો બોલિંગ-પાવર ઘણો ચડિયાતો હોવાથી ભારત શરૂઆતથી જ મુકાબલો જીતવા માટે ફેવરિટ હતું. કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ અને હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલને 26 રનમાં અને રવીન્દ્ર જાડેજાને 24 રનમાં વિકેટ નહોતી મળી.
બંગલાદેશ હજી સ્પર્ધાની બહાર નથી, પરંતુ સુપર-એઇટની બન્ને મૅચ હારી જતાં એના માટે હવે એક્ઝિટનો દરવાજો દૂર નથી. 197 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ નજમુલ શૅન્ટોના સુકાનમાં બંગલાદેશની ટીમે સાધારણ શરૂઆત કરી હતી. 10મી ઓવર સુધીમાં 66 રનમાં એક જ વિકેટ પડી હતી, પણ એ સ્કોર પર રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ ત્રાટક્યો હતો અને તેણે ત્રણેય ઓવરમાં એક-એક વિકેટ લઈને બંગલાદેશની બૅટિંગ-હરોળ તોડી પાડી હતી. વિકેટકીપર લિટન દાસ (13 રન)ની પહેલી વિકેટ હાર્દિક લઈ ચૂક્યો હતો, પણ પછી બંગલાદેશના ત્રણ બૅટર કુલદીપની જાળમાં ફસાયા હતા.કુલદીપે તેન્ઝિદ હસન (29 રન), તૌહિદ રિદોય (4) અને શાકિબ અલ હસન (11)ને આઉટ કર્યા હતા. કુલદીપે તેન્ઝિદ-તોહિદને એલબીડબ્લ્યૂમાં પૅવિલિયન ભેગા કર્યા હતા, જ્યારે શાકિબને વધુ એક બિગ શૉટ મારવાની લાલચ આપીને એક્સ્ટ્રા કવર પર રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બંગલાદેશનો સ્કોર 100 રન પર પહોંચ્યો એ પહેલાં જ એને કુલદીપના હાથે ત્રણ ઝટકા લાગી ચૂક્યા હતા. કુુલદીપે 4-0-19-3ની અસરદાર ઍનેલિસિસ સાથે પોતાનો ચાર ઓવરનો ક્વોટા પૂરો કર્યો ત્યાર પછી બંગલાદેશને વધુ ઝટકા આપવાનું કામ બુમરાહે શરૂ કર્યું હતું. તેણે એ સમયના હાઈએસ્ટ ટીમ-સ્કોરર અને કૅપ્ટન નજમુલ શૅન્ટો (40 રન, 32 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ને ડીપ થર્ડ મૅન પર અર્શદીપ સિંહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
અર્શદીપ સિંહને થયું હશે કે હું પણ કેમ વિકેટ ન લઉ? તેણે એ ઇચ્છા નવા સ્પેલના પહેલા જ બૉલમાં જાકર અલી (1)ને બાઉન્ડરી લાઇન નજીક કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ સમયે બંગલાદેશનો સ્કોર છ વિકેટે 110 રન હતો અને લક્ષ્યાંક ઘણો દૂર અને અશક્ય હતો. જોકે ત્યાર બાદ રિશાદ હોસૈને ફટકાબાજી કરીને ભારતીય ટીમને થોડી ચિંતામાં મૂકી દીધી હતી. તેણે એક તબક્કે સાત બૉલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. અક્ષર પટેલની ઓવરમાં 15 રન બન્યા બાદ તારણહાર બનેલા બુમરાહે રિશાદને એક્સ્ટ્રા-કવર પર રોહિતના હાથમાં આસાન કૅચ આપવા મજબૂર કરીને પૅવિલિયન ભેગો કરી દીધો હતો. 20મી ઓવરના પાંચમા બૉલમાં મહમુદુલ્લા (13 રન) અર્શદીપનો બીજો શિકાર બન્યો હતો.એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. ભારતના પાંચ બૅટરે સાધારણ પર્ફોર્મ કર્યું હતું, પણ એ બધામાં હાર્દિક પંડ્યા (50 અણનમ, 27 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નો પર્ફોર્મન્સ સર્વોત્તમ હતો. તેણે 27 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરવાની સાથે શિવમ દુબે (34 રન, 24 બૉલ, ત્રણ સિક્સર) સાથે 53 રનની અને પછી અક્ષર પટેલ (ત્રણ અણનમ) સાથે 35 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. એ પહેલાં રિષભ પંત (36 રન, 24 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને કૅપ્ટન રોહિત શર્મા (23 રન, 11 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નું ટીમના સ્કોરમાં સાધારણ યોગદાન હતું.ભારતની આ ઇનિંગ્સમાં ફોર (12) કરતાં સિક્સર (13)ની સંખ્યા વધુ હતી.ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 62 રન બનાવ્યા હતા અને એને લીધે જ ટીમનો સ્કોર 200 રનની નજીક પહોંચી શક્યો હતો.ઓપનિંગમાં વિરાટ કોહલી (37 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ તેણે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇસીસી વર્લ્ડ કપ (ટી-20 તેમ જ વન-ડે)ના ઇતિહાસમાં કુલ 3,000 રન બનાવનારો વિશ્ર્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. એમાં વિરાટે 1,207 રન ટી-20 ફૉર્મેટની 32 મૅચમાં બનાવ્યા છે.
બંગલાદેશના કૅપ્ટન શૅન્ટોએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે વિનિંગ-ટીમમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે બંગલાદેશે તાસ્કિન અહમદને ઇલેવનમાં નહોતો સમાવ્યો. બૅટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોહિત શર્માએ કહ્યું, ‘જો હું ટૉસ જીત્યો હોત તો મેં બૅટિંગ જ લીધી હોત.’હવે ભારતની સુપર-એઇટની છેલ્લી મૅચ સોમવારે ઑસ્ટ્રેલિયા સામે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે.
————
હવે પછીના સુપર-એઇટ મુકાબલારવિવાર, 23 જૂન: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન (સવારે 6.00) અને અમેરિકા-ઇંગ્લૅન્ડ (રાત્રે 8.00)સોમવાર, 24 જૂન: વેસ્ટ ઇન્ડિઝ-સાઉથ આફ્રિકા (સવારે 6.00) અને ભારત-ઑસ્ટ્રેલિયા (રાત્રે 8.00)મંગળવાર, 25 જૂન: અફઘાનિસ્તાન-બંગલાદેશ (સવારે 6.00)(ગુરુવાર, 27 જૂને સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. ફાઇનલ શનિવાર, 29 જૂને રમાવાની છે.)