T20 World Cup:કામરાન અકમલના મતે ભારત આ ભૂલ સુધારે એ એના જ ફાયદામાં છે
કરાચી: ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની હોય એ પહેલાં બેમાંથી કોઈ દેશનો ભૂતપૂર્વ ખેલાડી માઇન્ડ-ગેમ ન રમે તો જ નવાઈ લાગે.રવિવાર, નવમી જૂને (રાત્રે 8.00 વાગ્યાથી) ન્યૂ યૉર્કમાં બન્ને દેશ વચ્ચે જે હાઇ-પ્રોફાઇલ મૅચ રમાવાની છે એ સંબંધમાં વ્યૂહરચના તૈયાર કરવા માટે ખુદ ભારતીય ટીમ-મૅનેજમેન્ટ સક્ષમ છે એ ઉપરાંત સુનીલ ગાવસકર વગેરે ભારતના જ ભૂતપૂર્વ ખેલાડીઓના મંતવ્યો પણ ટીમ ઇન્ડિયાને ખૂબ કામ લાગી શકે.જોકે પાકિસ્તાન તરફથી પણ વણમાગ્યા અભિપ્રાય આવી રહ્યા છે.
ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર કામરાન અકમલે કહ્યું છે કે ‘વિરાટ કોહલીને ખોટો ઓપનિંગમાં રમાડવામાં આવી રહ્યો છે. તેને વનડાઉનમાં જ રાખવો જોઈએ. એ ક્રમ પર રમવા આવીને તે પોતાની તેમ જ ટીમની ઇનિંગ્સને મજબૂત બનાવી શકે. તેની ટૅલન્ટ ટીમને મિડલ-ઑર્ડરમાં ખૂબ કામ લાગી શકે.’કામરાને એવું પણ કહ્યું કે ‘વિરાટ ત્રીજા નંબરે બૅટિંગમાં આવીને ટીમ પરનો ઘણો બોજ ઉતારવાની સાથે મૅચ ફિનિશ પણ કરી શકે.
ઓપનિંગમાં યશસ્વીને જ મોકલવો જોઈએ. કોહલીને ઓપનિંગમાં મોકલી દેશો તો મૅચ કોણ ફિનિશ કરી આપશે? તેને દાવની શરૂઆત કરવાનું કહીને ભારતીય ટીમ મૅનેજમેન્ટ મોટી ભૂલ કરી રહ્યું છે.’કોહલી આઇપીએલમાં બેન્ગલૂરુ વતી ઓપનિંગમાં ઘણું સારું રમ્યો અને તેના 741 રન તમામ બૅટર્સમાં હાઈએસ્ટ હતા. જોકે આયરલૅન્ડ સામે વર્લ્ડ કપની પહેલી જ મૅચમાં તે ઓપનિંગમાં રમવા ઊતર્યા બાદ પાંચમા બૉલે પોતાના એક રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
ટી-20 વર્લ્ડ કપ મુકાબલા: છમાં ભારતની જીત, એકમાં પાકિસ્તાનનો વિજય
વર્ષ 2007: લીગ મૅચ, ભારત 141/9, પાકિસ્તાન 141/7 (બૉલઆઉટમાં ભારતનો 3-0થી વિજય)
વર્ષ 2007: ફાઇનલ, ભારત 157/5, પાકિસ્તાન 152/10 (ભારતનો પાંચ રનથી વિજય)
વર્ષ 2012: સુપર-એઇટ રાઉન્ડ, પાકિસ્તાન 128/10, ભારત 129/2 (ભારતનો આઠ વિકેટે વિજય)
વર્ષ 2014: લીગ મૅચ, પાકિસ્તાન 130/7, ભારત 131/3 (ભારતનો સાત વિકેટે વિજય)
વર્ષ 2016: લીગ મૅચ, પાકિસ્તાન 118/5, ભારત 119/4 (ભારતનો છ વિકેટે વિજય)
વર્ષ 2021: લીગ મૅચ, ભારત 151/7, પાકિસ્તાન 152/0 (પાકિસ્તાનનો 190 વિકેટે વિજય)
વર્ષ 2022: લીગ મૅચ, પાકિસ્તાન 159/8, ભારત 160/6 (ભારતનો ચાર વિકેટે વિજય)