અજય મોતીવાલા
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા રાજસ્થાન રોયલ્સ સામેની મૅચમાં પોતાના પહેલાં જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો એ શૉકિંગ હતું, પણ મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર અને અંદર રોહિત-તરફી હજારો લોકોમાં તેમના આ લાડલા પ્લેયર વિશે ગજબનો ઉત્સાહ અને રોમાંચ હતા. વાનખેડે ખાતે મોટા ભાગે રોહિતના નામવાળા ટી-શર્ટ સાથે ક્રિકેટક્રેઝીઓ જોવા મળ્યા હતા.
હાર્દિક પંડ્યાના નામના જર્સી ક્યાંય નજરે નહોતા પડતા. જાણે સાવ ગાયબ જ હતા. સ્ટેડિયમમાં કે સ્ટેડિયમની બહાર કે ચર્ચગેટ સ્ટેશન ખાતે રોહિતના નામવાળા જ જર્સી ઉપલબ્ધ હતા અને તેના ચાહકો એ ખરીદતા જોવા મળ્યા હતા. વાનખેડેમાં જર્સી વેચતા સત્તાવાર કાઉન્ટરવાળા પાસે રોહિતનું નામ લખેલા ટી-શર્ટ હતા, પણ હાર્દિકના નામનું એકેય નહોતું. તેણે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું, “હાર્દિકના નામવાળા ટી-શર્ટ આવ્યા જ નથી અને હાર્દિકના ટી-શર્ટ માટે ખાસ કોઈ પૂછપરછ પણ નથી આવી.”
મુંબઈની ટીમના ફ્રેન્ચાઈઝી અને આયોજકો દ્વારા વિવિધ એનજીઓના હજારો બાળકોને સ્ટેડિયમમાં આમંત્રિત કરાયા હતા જેને કારણે સર્વત્ર એમઆઈના જર્સી અને એના ફ્લેગ સાથે પ્રેક્ષકો નજરે પડતા હતા અને પહેલા ૨૦ રનમાં પડેલી ચાર વિકેટના આંચકાઓને પચાવીને તેમણે છઠ્ઠા નંબરે રમવા આવેલા હાર્દિક સહિતના બેટર્સને ચિયર-અપ કરીને તેમને જોરદાર સપોર્ટ આપ્યો હતો.
જોકે, ૧૦મી ઓવરમાં હાર્દિક (૩૪) છ ફોર સાથેની ફટકાબાજી બાદ ચહલના બૉલમાં પૉવેલના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે આરઆર તરફી પ્રેક્ષકો ઉપરાંત તેના પ્રત્યે અણગમો ધરાવતા અનેક પ્રેક્ષકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
સ્ટેડિયમમાં રાજસ્થાન તરફી પ્રેક્ષકોની સંખ્યા નહીંવત જણાતી હતી અને ગુલાબી રંગના ટી-શર્ટવાળા બહુ ઓછા લોકો હતા.
ટૉસ વખતે હાર્દિકનો હુરિયો બોલવાયો
મુંબઈ: વાનખેડેમાં સાંજે સાત વાગ્યે ટૉસ માટે હાર્દિક પંડ્યા ગ્રાઉન્ડ પર આવ્યો એ પહેલાંથી જ તેનો હુરિયો બોલાવવાની શરૂઆત થઈ ગઈ હતી.
બ્રોડકાસ્ટર સંજય માંજરેકરે હાર્દિકનું નામ લીધું ત્યારે જ લોકોએ હાર્દિક પ્રત્યેનો અણગમો બતાવી દીધો હતો અને શોરબકોર શરૂ કરી દીધો હતો.
વાસ્તવમાં હાર્દિક જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે આવો વ્યવહાર થાય છે. અચાનક જ ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈનો તે કેપ્ટન બની ગયો અને ચેમ્પિયન કેપ્ટન રોહિતે તેના હાથ નીચે રમવું પડી રહ્યું છે એ લોકોને નથી ગમ્યું.
માંજરેકરે વિનંતી કરી હોવા છતાં લોકો હાર્દિક વિરોધી બૂમ પડવાનું બંધ નહોતા કરતા.
1)
રોહિત શર્માના ફેન્સ વિલે પાર્લાના અલકા બોટાદરા તથા અમેરિકાથી આવેલાં માનસી ભુતા તેમ જ તેમના પરિવારજનો. આઈપીએલમાં તેઓ હાર્દિકના પર્ફોર્મન્સને પણ ફૉલો કરે છે.
2)
રોહિતના યુવાન ચાહકો રોહન સિંહ અને આદિત્ય ત્રેહાન.