સ્પોર્ટસ

હાર્દિકની છ વર્ષે બરોડાની ટીમમાં વાપસી, મોટા ભાઈ કૃણાલની કેપ્ટન્સીમાં રમશે

ટી-20 મૅચમાં ગુજરાત સામે મુકાબલો : મુંબઈની મૅચ ગોવા સામે અને સૌરાષ્ટ્રની સિક્કિમ સામે

વડોદરા: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા છ વર્ષ બાદ પહેલી વાર ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડાની ટીમ વતી રમતો જોવા મળશે. તે શનિવારે શરૂ થતી 20-20 ઓવરની મૅચોવાળી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચ (સાંજે 4.30 વાગ્યાથી)માં મોટા ભાઈ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં રમશે.

હાર્દિક છેલ્લે બરોડાની ટીમ વતી ડિસેમ્બર 2018માં વાનખેડેમાં મુંબઈ સામેની રણજી મૅચમાં રમ્યો હતો. એ મૅચ ડ્રોમાં પરિણમી હતી. હાર્દિકે એ મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી તેમ જ 73 રન બનાવ્યા હતા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શનિવારે બરોડાની ગુજરાત સામેની 20-20 ઓવરની આ મૅચ ઇન્દોરમાં રમાશે. આ મૅચ સાઉદીના જેદાહમાં રવિવારે શરૂ થનારા આઈપીએલ મેગા-ઑક્શનની પૂર્વસંધ્યાએ રમાવાની હોવાથી બન્ને ભાઈઓ તેમ જ અન્ય કેટલાક ખેલાડીઓ માટે મહત્ત્વની બનશે.

આ પણ વાંચો…..હાર્દિક પંડ્યાનો ટી-20 રૅન્કિંગનો કરિશ્મા, પાછો વર્લ્ડ નંબર-વન બની ગયો…

ગયા વર્ષે કૃણાલના સુકાનમાં બરોડાનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં પંજાબ સામે પરાજય થયો હતો.
હાર્દિક આ ટૂર્નામેન્ટમાં આઠ વર્ષે કમબૅક કરી રહ્યો છે.

શનિવારે આ ટી-20 સ્પર્ધાની અન્ય કેટલીક મૅચોમાં હૈદરાબાદમાં (સવારે 11.00 વાગ્યાથી) મુંબઈનો મુકાબલો ગોવા સામે, ઇન્દોરમાં (સવારે 9.00 વાગ્યાથી) સૌરાષ્ટ્રનો મુકાબલો સિક્કિમ સામે, રાજકોટમાં (સાંજે 4.30 વાગ્યાથી) બેંગાલનો મુકાબલો પંજાબ સામે અને હૈદરાબાદમાં (સવારે 11.00 વાગ્યાથી) મહારાષ્ટ્રનો મુકાબલો નાગાલેન્ડ સામે થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button