પેસ બોલરમાંથી ઑલરાઉન્ડર બની ગયેલા શમીએ શું પરાક્રમ કર્યું, જાણી લો…
બેંગ્લૂરુ: ફિટનેસની બાબતમાં પેસ બોલર મોહમ્મદ શમી પર થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે અને તે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ક્યારે શરૂ કરશે એના વિશે અટકળો થઈ રહી છે એવામાં શમીએ અહીં ટી-20 ટૂર્નામેન્ટમાં ઑલરાઉન્ડ પર્ફોર્મ કરીને (ખાસ કરીને બૅટિંગના જોરે) બેંગાલને જિતાડીને કવોર્ટર ફાઈનલમાં પહોંચાડી દીધું હતું. બેંગાલે ચંડીગઢ સામેની રોમાંચક પ્રી-કવોર્ટર ફાઈનલમાં ત્રણ રનથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ માટે બૅડ સન્ડેઃ પુરુષો, મહિલાઓ અને ટીનેજરો ત્રણેયની મોટી મૅચમાં પરાજય
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી નામની ટૂર્નામેન્ટમાં ચંડીગઢ સામે બેંગાલે 20 ઓવરમાં નવ વિકેટે 159 રન બનાવ્યા હતા. એમાં ઓપનર કરણ લાલના 33 રન હાઈએસ્ટ હતા. જોકે મોહમ્મદ શમીની ઇનિંગ્સ સૌથી આકર્ષક હતી. તે ફક્ત 17 બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટી-20માં તેનો આ હાઈએસ્ટ સ્કોર છે.
શમીની આ ફટકાબાજી થકી જ બેંગાલનો સ્કોર 159/9 સુધી પહોંચ્યો હતો. તેણે 188.24ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.
ચંડીગઢની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવી શકી હતી અને ત્રણ રનથી બેંગાલે જીત હાંસલ કરી હતી.
મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ઓપનર અર્સલાન ખાનની મહત્વની વિકેટ પણ લીધી હતી.
બેંગાલના જગજિત સિંહ નામના પેસ બોલરે ચાર અને રાજ બાવાએ બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : ભારતના મુદ્દે વિફરેલા શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન બોર્ડને કહ્યું કે…
આ ટૂર્નામેન્ટમાં મુંબઈ, બરોડા, સૌરાષ્ટ્ર કવોર્ટરમાં પહોંચી ગયા છે. મુંબઈનો બુધવાર, 11 ડિસેમ્બરની કવોર્ટરમાં વિદર્ભ સામે મુકાબલો છે.