Sydney Thunder Players Injured in Fielding Collision
સ્પોર્ટસ

પર્થમાં બે ફિલ્ડર ટકરાયા: એકનું નાક તૂટ્યું, બીજાને માથામાં ઈજા થઈ…

પર્થ: ભારતની ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચના સ્થળ પર્થના ઑપ્ટસ સ્ટેડિયમના મેદાન પર ગઈ કાલે શૉકિંગ ઘટના બની ગઈ જેમાં સિડની થન્ડર ટીમના એકસાથે બે ફિલ્ડર ટકરાતાં બેહોશ થઈ ગયા હતા અને તેમને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમાંના એક પ્લેયર કૅમેરન બેન્ક્રોફ્ટનું નાક તૂટી ગયું હતું તેમ જ ખભામાં ફ્રેક્ચર થયું હતું અને બીજા ખેલાડી ડેનિયલ સૅમ્સને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો : `કમિન્સ, તારા નવલોહિયા ઓપનરને જરા સમજાવ’ આવું ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર કેમ બોલ્યા?

આ ઘટના ભારતની આઈપીએલ જેવી ઑસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (બીબીએલ)માં પર્થ સ્કોર્ચર્સ અને સિડની થન્ડર ટીમ વચ્ચેની મૅચમાં બની હતી.

ડેવિડ વોર્નર સિડની થન્ડર ટીમનો અને એશટન ટર્નર પર્થ સ્કોર્ચર્સ ટીમનો કેપ્ટન છે.

પર્થ સ્કોર્ચર્સ (20 ઓવરમાં 177/4) સામેની આ મૅચ સિડની થન્ડરે (20 ઓવરમાં 179/6) છેલ્લા બૉલ પર ચાર વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. શેરફેન રૂધરફર્ડે મૅચના અંતિમ બૉલમાં ફોર ફટકારીને સિડનીને રોમાંચક વિજય અપાવ્યો હતો.
પર્થની ઇનિંગ્સમાં 16મી ઓવર સિડનીના લૉકી ફર્ગ્યુસને કરી હતી જેના એક બૉલમાં પર્થના કૂપર કોનોલીએ લેગ સાઈડ તરફ ઊંચો શૉટ માર્યો હતો.

સૅમ્સ બૉલ પર સતત નજર રાખીને આવી રહ્યો હતો, જ્યારે સામેથી બેન્ક્રોફટ પણ કૅચ પકડવા પૂરપાટ આવી રહ્યો હતો. બન્ને જણ એકમેકની નજીક આવી ગયા અને તેમના માથા ટકરાયા હતા. બેમાંથી કોઈનાથી પણ કૅચ નહોતો પકડાયો અને તેઓ માથાથી જબરદસ્ત ટકરાતાં બન્ને જણ બેહોશ થઈ ગયા હતા.

બન્ને ટીમના ખેલાડીઓ તેમની પાસે પહોંચી ગયા હતા. ત્યારે બેઉ પ્લેયર અડધી બેહોશીની હાલતમાં તબીબી સારવાર માટે સંકેત આપવા લાગ્યા હતા.

તત્કાળ મેડિકલ ટીમ દોડી આવી હતી. સૅમ્સને સ્ટ્રેચરમાં લઈ જવાયો હતો અને બૅન્ક્રોફટ મેડિકલ ટીમના કર્મચારીઓની મદદથી ચાલીને પૅવિલિયનમાં આવ્યો ત્યારે તેના નાકમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું.

બૅન્ક્રોફ્ટનો પરિવાર પર્થમાં જ રહેતો હોવાથી તેઓ તરત હોસ્પિટલ પહોંચી ગયા હતા. સૅમ્સની પત્ની બીજા શહેરમાં હોવાથી સિડનીની ટીમના મેનેજમેન્ટે તેને સિડનીના ફ્રેન્ચાઈઝીના ખર્ચે ફલાઈટમાં પર્થ પહોંચવાની વ્યવસ્થા કરી આપી હતી અને એરપોર્ટથી તેને હોસ્પિટલમાં તરત પહોંચવાની સગવડ કરી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : હવે રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટેસ્ટની નિવૃત્તિ માટે આપ્યું ચોંકાવનારું નિવેદન

બન્ને પ્લેયરની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button