સ્પોર્ટસ

રાઇફલધારી પોલીસ અને અસંખ્ય સલામતી રક્ષકોની હાજરીમાં શરૂ થઈ સિડની ટેસ્ટ! જાણો શા માટે…

સિડનીઃ ત્રણ અઠવાડિયા પહેલાં અહીં સિડની શહેર નજીકના બૉન્ડી બીચ પર થયેલા જીવલેણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 15 જણને અહીં રવિવારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટના આરંભ પહેલાં અંજલિ આપવામાં આવી હતી અને આ સમયે (પહેલી જ વાર) સિડનીમાં ટેસ્ટના આરંભ વખતે અનેક રાઇફલધારી પોલીસ તેમ જ તોફાન રોકવા માટેના સલામતી રક્ષકોની હાજરી જોવા મળી હતી.

પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લૅન્ડનો પહેલા દાવનો સ્કોર 3/211 હતો. જૉ રૂટ 72 રને અને હૅરી બ્રૂક 78 રને રમી રહ્યો હતો.

આપણ વાચો: સ્વિટર્ઝલેન્ડમાં વિસ્ફોટઃ મૃત્યુઆંકમાં વધારો પણ આતંકવાદી હુમલાનો પોલીસનો ઈનકાર

હજારો પ્રેક્ષકોએ કર્યું બહુમાન

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)ના સ્ટેડિયમમાં 44,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. સ્ટેડિયમ હાઉસ-ફુલ હતું અને પાંચમી ટેસ્ટ (Test) શરૂ થઈ એ પહેલાં બૉન્ડી બીચમાં હુમલો કરનાર એક આતંકવાદીને જીવના જોખમે પકડી લેનાર નજીકની દુકાનના માલિક અહમદ અલ અહમદ (Ahmed Al Ahmed)નું તેમ જ તેમના સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાર્ડ ઑફ ઑનરથી તેમની નવાજેશ કરવામાં આવી હતી અને તમામ પ્રેક્ષકોએ ઊભા થઈને તેમનું બહુમાન કર્યું હતું. પ્રેક્ષકોના એક વર્ગમાંથી ` અહમદ અલ અહમદ’ની બૂમો ઘણી વાર સુધી સંભળાતી હતી.

આપણ વાચો: જેરુસલેમ પર થયેલા આતંકવાદી હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, એક્સ પર કરી આવી પોસ્ટ

ઉસ્માન ખ્વાજાને ભેટ્યો

આતંકવાદીને પકડતી વખતે અહમદ અલ અહમદને હાથ પર ગોળી વાગી હતી એટલે એ ઈજા માટે તે સારવાર હેઠળ હોવા છતાં સિડનીના મેદાન પર આવ્યો હતો. અહમદ મેદાન પરના સન્માન કાર્યક્રમ દરમ્યાન તમામ ખેલાડીઓને મળ્યો હતો. આ મૅચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી રહેલા ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજા જાંબાઝ અહમદને ભેટ્યો હતો.

પવનનું તોફાન, વરસાદ અને બૅડલાઇટઃ રમત વહેલી પૂરી થઈ

સિડનીમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને છેલ્લી ઍશિઝ ટેસ્ટમાં રવિવારે તોફાની પવન, વરસાદ તેમ જ ઝાંખા પ્રકાશને કારણે પહેલા દિવસની રમત માત્ર 45મી ઓવરના અંતે સમેટી લેવામાં આવી હતી.

ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરનાર ઇંગ્લૅન્ડની ટીમનો સ્કોર ત્યારે ત્રણ વિકેટે 211 રન હતો. જૉ રૂટ 72 રન પર રમી રહ્યો હતો અને તેની સાથે હૅરી બ્રુક 78 રને દાવમાં હતો. ઇંગ્લૅન્ડની શરૂઆતની જે ત્રણ વિકેટ પડી એમાંથી એક-એક વિકેટ મિચલ સ્ટાર્ક, માઇકલ નેસર અને સ્કૉટ બૉલેન્ડે લીધી હતી. ઑસ્ટ્રેલિયાની આ સિરીઝમાં 3-1થી વિજયી સરસાઈ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button