વાનખેડેમાં સૂર્યકુમારનો સુપર શૉ

ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી અણનમ 84 રન કર્યા, ભારતના 9/161
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે (India) આજે યુએસએ (USA)ને 162 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. આખી ટીમમાં માત્ર કેપ્ટન સૂર્યકુમાર યાદવે (84 અણનમ, 49 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) ટીમની લાજ રાખી હતી. તે યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો.
સૂર્યકુમારે હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ આતશબાજી વધુ ઉગ્ર બનાવી હતી. ખાસ કરીને તેણે સૌરભ નેત્રાલકરની 20મી ઓવરમાં ચોગ્ગા-છગ્ગા મારીને ટીમને 9/161નો પડકારરૂપ ટાર્ગેટ અપાવ્યો હતો. તે ઘણી વાર બિગ શૉટ માર્યા બાદ જમીન પર પટકાયો હતો, પણ ફરી ઊભો થઈને અસલ મિજાજમાં રમવા લાગ્યો હતો.
એ પહેલાં, સાધારણ શરૂઆત બાદ ભારતનો જોરદાર ધબડકો થયો હતો. 13 ઓવરમાં 77 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી અને તમામ બૅટ્સમેને કૅચ ચડાવ્યા હતા. ખરેખર તો ભારતે નવમાંથી આઠ વિકેટ કૅચ આઉટમાં ગુમાવી હતી. છેલ્લે વરૂણ રનઆઉટ થયો હતો.
શેડલી વૅને ચાર અને હરમીત સિંહે બે વિકેટ લીધી હતી. ભારતે 50 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી. વર્લ્ડ નંબર વન બેટ્સમેન અભિષેક ટીમની ઇનિંગ્સની બીજી ઓવરમાં પોતાના પહેલા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. પેસ બોલર અલી ખાને ડીપ કવરમાં તેને ક્રિષ્નમૂર્તિના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ઈશાન કિશન (20 રન) તિલક વર્મા (પચીસ રન) સાથેની 38 રનની ભાગીદારી બાદ આઉટ થયો હતો.
પેસ બોલર શેડલી વૅનની જે ઓવરમાં બીજા બૉલમાં ઈશાન આઉટ થયો એ જ ઓવરના પાંચમા બૉલમાં તિલકે વિકેટ ગુમાવી અને છેલ્લા બૉલમાં શિવમે વિકેટ ફેંકી દીધી હતી. શેડલીની આ ત્રણેય વિકેટમાં બૅટ્સમેન કૅચઆઉટ થયા હતા.
કેપ્ટન સૂર્યકુમાર સાથેની 26 રનની ભાગીદારી બાદ રિન્કુ સિંહ (છ રન) મોહમ્મદ મોહસીનના બૉલમાં કૅચઆઉટ થયો હતો. પાંચ રન બાદ હાર્દિકે પણ વિકેટ ગુમાવી હતી. તેણે માત્ર પાંચ રન કર્યા હતા.
હાર્દિક સાતમા ક્રમે બૅટિંગમાં આવ્યો ત્યારે જામ-પૅકડ સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ તેને ચિયર અપ કર્યો હતો, પણ તે એક ફોર માર્યા બાદ પોતાના છઠ્ઠા બૉલ પર આઉટ થયો હતો.
સૂર્યાના ઉપરાઉપરી બે હેલિકોપ્ટર શૉટ, પબ્લિક ખુશ
વાનખેડેમાં એક તરફ ભારતીય ટીમે 13 ઓવરમાં 77 રનમાં કૅચઆઉટમાં છ વિકેટ ગુમાવી ત્યાર બાદ અડીખમ કેપ્ટન સૂર્યકુમારે એક તબક્કે બે બૉલમાં ધોની બ્રૅન્ડ હૅલિકોપ્ટર શૉટની ઝલક આપી હતી. તેણે સૌરભ નેત્રાવલકરના બે બૉલમાં આ પ્રકારના શૉટમાં ચોગ્ગો અને છગ્ગો માર્યો હતો. એ ઓવરમાં કુલ 21 રન થયા હતા. એમાં અક્ષરના 11 અને સૂર્યાના 10 રન સામેલ હતા. સૂર્યાએ 18મી અને 20મી ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી.



