
મુંબઈ: ટી-20 ઇન્ટરનૅશનલ્સના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવે આઇપીએલના આરંભના ગણતરીના દિવસો પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોને ‘દિલ તોડતી’ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ચોંકાવી દીધા છે. એટલું જ નહીં, તેણે ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે અને વિચારતા પણ કરી દીધા છે.
હાર્દિક પંડ્યાએ કૅપ્ટન તરીકે રોહિત શર્માનું સ્થાન લીધું છે અને એ સંબંધમાં સોમવારે હાર્દિકે મુંબઈમાં પત્રકારો સમક્ષ નિખાલસપણે કહ્યું હતું કે ‘મને જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હશે ત્યારે મેદાન પર રોહિત પાસેથી મળી જ રહેશે. તેણે મુંબઈ ઇન્ડિયન્સને જે સિદ્ધિઓ અપાવી છે એ પરંપરાને હું આગળ વધારવાનો છું.’
સૂર્યકુમાર યાદવે દિલ તૂટે એવી સાંકેતિક ભાષા સાથેની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે.
બીજી તરફ અહેવાલ મળ્યો હતો કે બેન્ગલૂરુની નૅશનલ ઍકેડેમીએ સૂર્યકુમારને આઇપીએલમાં મુંબઈની પ્રથમ મૅચમાં ન રમવાની સલાહ આપી છે. આ મૅચ 24મી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાવાની છે. ફિટનેસના અભાવને કારણે તે પછીની બે-ત્રણ મૅચમાં પણ કદાચ નહીં રમે. એ ત્રણ મૅચ હૈદરાબાદ, રાજસ્થાન અને દિલ્હી સામે રમાવાની છે.
સૂર્યાએ તાજેતરમાં સાથળ પર મૂત્રાશયની બાજુના ભાગમાં સર્જરી કરાવી હતી.