વર્લ્ડ નંબર-વન બૅટરે અણનમ 102થી મુંબઈને જિતાડ્યું: વર્લ્ડ કપ પહેલાં જ બાબરની ટીમને ઈશારો કર્યો, ‘હવે તમારી ખેર નથી’: તિલક વર્મા ફરી ચમક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આઈપીએલની 17મી સીઝનના પ્લે-ઑફની રેસમાં ટકી રહેવું મુંબઈ ઇન્ડિયન્સ માટે લગભગ અશક્ય છે, પરંતુ એની સોમવારની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતથી ટૂર્નામેન્ટ થોડી ઓપન થઈ ગઈ છે. મુંબઈને પોઈન્ટ્સના મિડલ-ટેબલમાં લાવી શકાય એવા ધમાકેદાર પ્રયત્નમાં મૅન ઑફ ધ મૅચ સૂર્યકુમાર યાદવે (102 અણનમ, 51 બૉલ, છ સિક્સર, બાર ફોર) આઈપીએલમાં કુલ બીજી અને ટી-20 ફોર્મેટમાં છઠ્ઠી સદી ફટકારી હતી.
વાનખેડે સ્ટેડિયમના રોમાંચભર્યા માહોલમાં મુંબઈએ 17.2 ઓવરમાં 174 રનનો લક્ષ્યાંક સાત વિકેટ અને 16 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો.
હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈની ટીમ ચોથી જીત સાથે હવે સાવ તળિયેથી (10મા સ્થાનેથી) બહાર આવીને નવમા નંબરે ગોઠવાઈ અને હાર્દિકની ભૂતપૂર્વ ટીમ ગુજરાત ટાઇટન્સ 10મા નંબર પર આવી ગઈ છે.
સૂર્યકુમાર ટી-20 ફોર્મેટમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વન છે. આગામી જૂનની શરૂઆતથી રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ન્યૂ યોર્કમાં નવમી જૂને (રાત્રે આઠ વાગ્યાથી) નિર્ધારિત છે અને સૂર્યાએ મહિના પહેલાં જ બાબર આઝમની ટીમને ઈશારામાં ચેતવી દીધી છે કે ‘જોઈ લેજો, તમારી બોલિંગની પણ આવી જ ધુલાઈ કરીશ.’
સૂર્યા અને તિલક વર્મા (37 અણનમ, 32 બૉલ, છ ફોર) વચ્ચે માત્ર 79 બૉલમાં 143 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એક સમયે મુંબઈના શરૂઆતના નવ બૉલમાં વિના વિકેટે 26 રન હતા, પણ પછીના 19 બૉલમાં ફક્ત છ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. ઈશાન કિશન (નવ રન) પાછો ફ્લૉપ ગયો, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ માત્ર ચાર રનમાં વિકેટ ગુમાવી અને નમન ધીર આઠ બૉલ રમ્યા બાદ નવમા બૉલે ઝીરોમાં આઉટ થયો.
31મા રને નમનની ત્રીજી વિકેટ પડી હતી. એક સમયે મુંબઈની 1.3થી 4.4 ઓવર દરમ્યાન બૅટથી એક પણ રન નહોતો થયો. એ પછી સૂર્યા અને તિલકની જોડી બરાબરની જામી હતી અને તેમણે હૈદરાબાદના તમામ બોલર્સ સામે હિંમત અને સમજદારીથી લડીને સ્કોર 174/3 સુધી પહોંચાડ્યો હતો.
એક તબક્કે સ્નાયુના દુખાવા છતાં સૂર્યકુમાર લડતો રહ્યો હતો. 4, 4, 6ના ચટાકા સાથે તે 82 ઉપરથી 96ના સ્કોરે પહોંચ્યો હતો. મુંબઈને ત્યારે જીતવા છ રનની અને સૂર્યાને સદી પૂરી કરવા ચાર રનની જરૂર હતી અને સૂર્યાએ ટી. નટરાજનના બૉલમાં છગ્ગો ફટકારીને ખેલ ખતમ કરી નાખ્યો હતો. સૂર્યાએ 50 રન 30 બૉલમાં બનાવ્યા બાદ એ પછીના બાવન રન ફક્ત 21 બૉલમાં બનાવ્યા હતા.
હૈદરાબાદના છ બોલરમાંથી ભુવનેશ્વર, યેનસેન અને કમિન્સને એક-એક વિકેટ મળી હતી. ટી. નટરાજન, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહમદ વિકેટ વિનાના રહ્યા હતા.
એ પહેલાં,હાર્દિક પંડ્યા અને પીયૂષે ચાવલાએ હૈદરાબાદના બિગ હિટર્સને કાબૂમાં રાખ્યા હતા.
હૈદરાબાદે પહેલા બૅટિંગ કરવાનો જે મોકો મળ્યો એનો પૂરો ફાયદો નહોતો ઉઠાવ્યો અને 250-પ્લસના સ્કોર્સ માટે જાણીતી આ ટીમે પૂરા પોણાબસો પણ નહોતા કર્યા. 20મી ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર આઠ વિકેટે 173 રન હતો.
ટ્રેવિસ હેડ (48 રન, 30 બૉલ, એક સિક્સર, સાત ફોર) હાફ સેન્ચુરી ચૂક્યો હતો, પણ તેના રન ટીમમાં હાઈએસ્ટ હતા. કૅપ્ટન પૅટ કમિન્સ (35 અણનમ, 17 બૉલ, બે સિક્સર, બે ફોર) બૅટિંગમાં કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો અને ટીમને 170-પ્લસનો સ્કોર અપાવ્યો હતો. ઘણા દિવસે અસલ રિધમ મેળવનાર હાર્દિક પંડ્યા (31 રનમાં ત્રણ) અને પીઢ સ્પિનર પીયૂષ ચાવલા (33 રનમાં ત્રણ) હૈદરાબાદને સૌથી ભારે પડ્યા હતા. નવા પેસ બોલર અંશુલ કમ્બોજ અને મુખ્ય બોલર જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી.
આ મૅચ બન્ને ટીમ વચ્ચેની અગાઉની મૅચથી સાવ અલગ હતી. અગાઉના મુકાબલામાં હૈદરાબાદે મુંબઈ સામે ત્રણ વિકેટે 277 રન બનાવીને આઇપીએલનો 11 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. જોકે મુંબઈએ સોમવારે હૈદરાબાદને હરાવીને હિસાબ સરખો કરી નાખ્યો.
મુંબઈ સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસમાંથી બહાર થવાની તૈયારીમાં હોવા છતાં શહેરના ક્રિકેટપ્રેમીઓમાં આ મૅચ માટે ગજબનો ઉત્સાહ હતો. કોઈક પોતાના મુંબઈના સ્ટારનો પર્ફોર્મન્સ જોવા આવ્યા હતા તો કોઈ રોહિત, હાર્દિક, સૂર્યકુમાર, બુમરાહ જેવા આગામી ટી-20 વર્લ્ડ કપના ખેલાડીનો દેખાવ જોવા આવ્યા હતા. એ ચારેયમાંથી હાર્દિક અને સૂર્યાએ ચાહકોને ખુશ-ખુશ કરી દીધા હતા.
કહેવાની જરૂર નથી કે અમુક પ્રેક્ષકો હૈદરાબાદના બિગ-હિટર્સની આતશબાજી પણ જોવા માગતા હશે, પરંતુ પિચ સ્લો હોવાથી હૈદરાબાદના બેટર્સે સાધારણ રન બનાવવા પણ સંઘર્ષ કરવો પડ્યો હતો એટલે તેમના ચાહકોએ નિરાશ થવું પડ્યું.
32,000 સીટની ક્ષમતાવાળું વાનખેડે સ્ટેડિયમ હાઉસફુલ હતું. હવે મુંબઈની બે લીગ મૅચ બાકી છે: 11મી મેએ ઈડનમાં કોલકાતા સામે અને 17મીએ વાનખેડેમાં લખનઊ સામે.
તમામ 10 ટીમમાં ફક્ત મુંબઈની 12 મૅચ રમાઈ ગઈ છે. કોલકાતા, રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ ટોચના ચાર સ્થાને છે.
આજે દિલ્હીમાં રાજસ્થાન સામે દિલ્હીની ટક્કર છે.