સૂર્યકુમારના વર્લ્ડ કપ પહેલાંના મોટા નિવેદનમાં ઇશાન-તિલક વિશે સકારાત્મક અભિગમ અને સૅમસન વિશે…

તિરુવનંતપુરમઃ ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતે ટી-20 સિરીઝ શનિવારની અંતિમ મૅચ પહેલાં જ જીતી લીધી હતી અને એ આખરી મૅચ જીતી લઈને 4-1ના માર્જિન સાથે ભારતે ટ્રોફી મેળવી, પરંતુ એ દિવસના મુકાબલાના ટૉસ વખતે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) જે નિવેદનો આપ્યા હતા એ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાંના અગત્યના સંકેત સમાન કહી શકાય. સૂર્યાએ ઇશાન કિશન, તિલક વર્મા અને સંજુ સૅમસન (Samson)ની વાત કરી હતી.
સૂર્યકુમારે શનિવારે ટૉસ (Toss) જીત્યા બાદ બૅટિંગ પસંદ કર્યા પછી ટીમમાં કરેલા ફેરફાર વિશે જણાવ્યું, ` અમે આજે અક્ષર અને ઇશાન ઉપરાંત ત્રીજા એક ખેલાડી (નામ નહોતો બોલ્યો)ને ફરી ઇલેવનમાં સમાવ્યા છે. સંજુ પણ રમવાનો છે (સૂર્યા હસતાં બોલ્યો).’
આ પણ વાંચો : વર્લ્ડ કપ પહેલાંની અંતિમ મૅચમાં ભારતની દમદાર જીત…
Suryakumar Yadav’s heart-winning gesture of handing over the trophy to Ishan Kishan during the trophy celebration after winning the T20 series against New Zealand.pic.twitter.com/cdenGnvDWF
— Sonu (@Cricket_live247) February 1, 2026
વાત એવી છે કે અક્ષર તથા ઇશાન ઉપરાંત વરુણને પણ શનિવારે ફરી રમાડવામાં આવ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20 સિરીઝના મૅન ઑફ ધ સિરીઝ સૂર્યાએ ટૉસ બાદ વધુમાં કહ્યું, ` અત્યારે તિલક વર્મા પ્રૅક્ટિસ મૅચ રમી રહ્યો છે. તે અમારો બહુ સારો ખેલાડી છે. તેની વાપસી બાદ ટીમ વધુ મજબૂત થઈ જશે. અમે ખરેખર તેના કમબૅકની રાહ જોઈ રહ્યા છીએ.’
સૂર્યાએ કહ્યું હતું કે અમે બધા ડિપાર્ટમેન્ટ કવર કરી લીધા છે. બીજી રીતે કહીએ તો ટીમ ઇન્ડિયાએ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ બાબતમાં પૂરી પ્રૅક્ટિસ કરી લીધી છે. અહીં ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ એ છે કે શું વર્લ્ડ કપની ઇલેવનમાં સંજુ સૅમસનનું ઓપનિંગનું સ્થાન ન્યૂ ઝીલૅન્ડ સામેના શનિવારના મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ ઇશાન કિશન (103 રન, 43 બૉલ, દસ સિક્સર, છ ફોર) લેશે? તિલક વર્મા વનડાઉનમાં રમશે? સૂર્યાના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે વર્લ્ડ કપમાં વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે પ્રથમ પસંદગી સંજુ નહીં, પણ ઇશાન કિશન જ હશે. સૅમસનના ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં સ્કોર્સ આ મુજબ હતાઃ 10, 6, 0, 24 અને 6 રન.



