T-20ના કેપ્ટન બનતાં જ સૂર્યકુમારે ખેલાડીઓને આપ્યો છૂટો દોર, કહ્યું રોહિતે જે કર્યું…
નવી દિલ્હી: આજથી શરૂ થઈ રહેલી T-20ની પાંચ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કમાન યુવા ક્રિકેટક સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ હાથમાં આવતા ટીમના ખેલાડીઓને છુટો દોર આપ્યો છે અને ઓડીઆઈના કેપ્ટન રોહિત શર્મા માટે ચોંકાવનારી વાત કહી છે.
સૂર્યકુમાર યાદવ પહેલી જ વખત T20 ઈન્ટરનેશનલમાં ઈન્ડિયન ટીમનું સુકાન સંભાળવા માટે તૈયાર છે. આજથી ટીમ ઈન્ડિયા વર્સીસ ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ શરુ થઈ રહી છે અને આ સિરીઝ માટે ટીમમાં યુવા ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે T-20 વર્લ્ડકપ જૂન-2024માં યોજાવાનો છે. આવી પરિસ્થિતિમાં હવે દરેક સિરીઝ મહત્વની બની ચૂકી છે વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમે માત્ર 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે પણ ટી-20 સિરીઝ રમશે.
ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી સિરીઝની પ્લેઈંગ-11માં યુવા ખેલાડીઓને તક આપવાના સવાલ પર સૂર્યાએ કહ્યું હતું કે હું પણ યુવાન છું (મજાકિયા અંદાજમાં આ વાત સૂર્યાએ કરી હતી) પરંતુ મેં ટીમના એકેએક ખેલાડીને એ વાત સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેમણે બધાએ મેદાન પર નિઃસ્વાર્થપણે અને બિલકુલ ડર્યા વિના પોતાનું 100 ટકા આપીને બેસ્ટ ગેમ રમવી પડશે.
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની સિરીઝ રમતા પહેલાં પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે વર્લ્ડકપ-2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ સારું હતું અને 10-10 મેચમાં જિત હાંસિલ કરી હતી. મને ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. કેપ્ટન અને બેટ્સમેન તરીકે તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, એમાં કોઈ શંકા જ નથી. પરંતુ ફાઈનલમાં મળેલી હારમાંથી બહાર આવવામાં સમય લાગશે. એ વાત શક્ય જ નથી કે તમે આગલા દિવસે આટલી મોટી ટુર્નામેન્ટ હારી જાવ અને બીજા દિવસે સવારે ઉઠો ત્યારે બધું સામાન્ય થઈ ગયું હોય. આ એક મોટી ટુર્નામેન્ટ હતી અને અમને તે જીતવું ગમ્યું હોત.
સૂર્યાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમે સિરીઝને લઈને ઉત્સાહિત છીએ. T20 વર્લ્ડ કપ અમારું લક્ષ્ય છે અને આ પરિસ્થિતિમાં તમામ ખેલાડીઓ માટે સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક ખેલાડીને મેં કહ્યું છે કે ડર્યા વિના રમો.