સૂર્યકુમારે ટી-20માં નંબર-વનની રૅન્ક વધુ મજબૂત કરી
સ્ટોઇનિસ ટી-20ના ઑલરાઉન્ડર્સમાં નંબર-વન બની ગયો
દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી આઇસીસીએ જાહેર કરેલા મેન્સ ટી-20ના નવા રૅન્કિંગમાં બૅટિંગના વર્ગમાં ભારતના સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) મોખરે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું.
સૂર્યાએ 12મી જૂને અમેરિકા સામેની વર્લ્ડ કપની લીગ મૅચમાં 49 બૉલમાં 50 રન બનાવીને વધુ પૉઇન્ટ મેળવીને નંબર-વનની રૅન્ક વધુ મજબૂત કરી હતી. તેના નામે 837 પૉઇન્ટ છે, જ્યારે તેના પછી બીજા નંબરે ઇંગ્લૅન્ડનો ફિલ સૉલ્ટ છે જેના 771 પૉઇન્ટ છે. બાબર આઝમ (755) ત્રીજા નંબરે છે.
ઑસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઇનિસ (Marcus Stoinis) ટી-20ના ઑલરાઉન્ડર્સમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને હટાવીને નંબર-વન થઈ ગયો છે. આઇપીએલમાં ચમકેલા સ્ટોઇનિસને ટી-20 વર્લ્ડ કપ ફળી રહ્યો છે. તેણે ત્રણ ઇનિંગ્સમાં 156 રન બનાવ્યા છે અને છ વિકેટ લીધી છે.
આ પણ વાંચો : ICC T20 2024: કિવી કેપ્ટને કૉન્ટ્રેક્ટ અને કેપ્ટન્સી બંને છોડી દીધા
નબી છેક ચોથા નંબર પર ધકેલાઈ ગયો છે. ટી-20ના ઑલરાઉન્ડર્સમાં બીજા નંબરે હવે શ્રીલંકાનો કૅપ્ટન વનિન્દુ હસરંગા અને ત્રીજા નંબરે બંગલાદેશનો શાકિબ અલ હસન છે.
ટી-20ના બોલર્સમાં વેસ્ટ ઇન્ડિઝનો અકીલ હોસૈન છ ક્રમની છલાંગ લગાવીને બીજા સ્થાને આવી ગયો છે. ઇંગ્લૅન્ડનો આદિલ રાશિદ આ લિસ્ટમાં નંબર વન છે, જ્યારે હસરંગા ત્રીજા સ્થાને છે.