સૂર્યકુમાર ટી-20નો નવો કૅપ્ટન, ગિલ વાઇસ-કૅપ્ટન
રોહિત શ્રીલંકા સામેની વન-ડેમાં સુકાની, વિરાટ પણ રમશે: રાહુલ-શ્રેયસના કમબૅક
નવી દિલ્હી: ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ બૅટર અને જોરદાર ફટકાબાજીથી ભલભલા બોલરની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખતા સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ભારતની ટી-20 ટીમના કૅપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચૅમ્પિયન બન્યું ત્યાર પછીની પહેલી મોટી સિરીઝ આગામી 27મી જુલાઈએ શ્રીલંકા સામે શરૂ થશે અને એ માટેની ટીમની કમાન સૂર્યાને સોંપાઈ છે. શુભમન ગિલ (Shubhman Gill) ટીમનો વાઇસ-કૅપ્ટન છે. હાર્દિક પંડ્યાને ટી-20નો કૅપ્ટન બનાવવાની ખૂબ ચર્ચા હતી, પણ તેને બદલે સૂર્યા પર કળશ ઢોળવામાં આવ્યો છે.
ગુરુવારે સૂર્યાના નામની સાથે શ્રીલંકા સામેની આગામી ટી-20 તેમ જ વન-ડે સિરીઝ માટેની ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી તેમના નામ હવે ટી-20ની ટીમમાં નથી, પરંતુ વન-ડે ટીમમાં છે. અગાઉ તેમણે જ આ વન-ડે સિરીઝમાંથી બ્રેક લીધો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ ગૌતમ ગંભીરની નવા હેડ-કોચ તરીકેની આ પહેલી જ ટૂર હોવાથી રોહિત અને કોહલીએ વન-ડે શ્રેણીમાં રમવાની તૈયારી બતાવી હતી.
આ પણ વાંચો : વેલકમ-બૅક વિરાટ…વન-ડે સિરીઝમાં આ કારણસર રમવા તૈયાર થયો…
ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમને તાજેતરમાં જ ઝિમ્બાબ્વેમાં ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધી હતી. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝની ટીમમાં હાર્દિક છે, પરંતુ ટીમનો ઉપ-કપ્તાન ગિલને બનાવાયો છે. વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન પણ ગિલ જ છે. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે છેક 2024ની આઇપીએલ વખતે મેદાન પર ઊતર્યો હતો.
સૂર્યકુમાર ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમનું સુકાન સંભાળી ચૂક્યો છે. ગયા નવેમ્બરમાં તેના સુકાનમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ ભારતે 4-1થી જીતી લીધી હતી અને તેની જ કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ભારતે 1-1થી ડ્રૉ કરાવી હતી.
આઇપીએલ-2024ના સેન્સેશન અને વિજય હઝારે ટ્રોફીમાં સાત હાફ સેન્ચુરી ફટકારનાર રિયાન પરાગ ટી-20 તેમ જ વન-ડે ટીમનો અને દિલ્હીનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા વન-ડે ટીમનો નવો ચહેરો છે. શ્રેયસ ઐયરને તેમ જ કે. એલ. રાહુલને વન-ડે ટીમમાં સમાવવામાં આવ્યા છે. જોકે રવીન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં નથી સમાવાયો.
શ્રીલંકા સામે 27મી જુલાઈથી 30મી જુલાઈ સુધી ત્રણ ટી-20 અને 2જી જુલાઈથી 7મી જુલાઈ સુધી ત્રણ વન-ડે રમાશે.
ભારતની ટી-20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.
ભારતની વન-ડે ટીમ: રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, કે. એલ. રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ અને હર્ષિત રાણા.