સ્પોર્ટસ

15મીની મૅચ માટે અમારી કોલંબોની ફ્લાઇટ બુક થઈ ગઈ છે, અમે ત્યાં જવાના જ છીએઃ સૂર્યકુમાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ટી-20 વર્લ્ડ કપ માટેના ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે 15મી ફેબ્રુઆરીની મૅચ માટે ભારતીય ટીમ કોલંબો જશે જ. બીજી તરફ, પાકિસ્તાને (Pakistan) ભારત સામેની આ મૅચ રમવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાન 15મીની મૅચ નથી રમવાનું, પરંતુ ભારતીય ટીમે કોલંબોમાં એ મૅચ માટે પ્રૅક્ટિસ કરવી પડશે તેમ જ ભારતીય ટીમના પ્રતિનિધિએ પત્રકાર પરિષદને પણ સંબોધન કરવું પડશે. ભારતીય ટીમ એ મૅચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હશે અને મેદાન પર હાજર હશે અને ત્યારે પાકિસ્તાની ટીમની ગેરહાજરી હશે તો એણે એ મૅચ જીતી કરી કહેવાશે એટલે ટીમ ઇન્ડિયાને બે પૉઇન્ટ આપી દેવામાં આવશે.

સૂર્યકુમારે (Suryakumar) અહીં ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઇના હેડ ક્વૉર્ટરમાં વર્લ્ડ કપના કૅપ્ટનો (Captains)ની પ્રેસ કૉન્સફરન્સમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ` અમે 15મીની મૅચ માટે કોલંબો જવાના જ છીએ. એ મૅચ ન રમવાનો નિર્ણય એમણે (પાકિસ્તાને) લીધો છે. એમનો નિર્ણય મારા ક્નટ્રોલમાં ન હોય. અમે તાજેતરમાં જ એશિયા કપમાં એમની સામે ત્રણ મૅચ રમ્યા હતા. અમારો અભિગમ એકદમ સ્પષ્ટ છે. એમની સામે (પાકિસ્તાન સામે) ન રમવાનું અમે નથી કહ્યું. એમને ભારત સામે નથી રમવું. ટાઇમટેબલ આઇસીસીનું છે અને આ મૅચ તટસ્થ સ્થળે રાખવાનું જ નક્કી કરાયું છે. અમે શનિવારે વાનખેડેમાં અમેરિકા સામે રમવાના છીએ. ત્યાર બાદ 12મીએ દિલ્હીમાં નામિબિયા સામે રમીશું અને ત્યાર પછી અમે 15મીની પાકિસ્તાન સામેની મૅચ માટે કોલંબો જવાના જ છીએ.’

શનિવારે શરૂ થઈ રહેલા વર્લ્ડ કપની ભારતની પ્રથમ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) અમેરિકા સામે રમાશે. ભારતના ગ્રૂપમાં ભારત, પાકિસ્તાન અને અમેરિકા ઉપરાંત નામિબિયા અને નેધરલૅન્ડ્સ પણ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button