પાકિસ્તાનને ભારતની ` ચેતવણી’, સૂર્યકુમાર ફુલ્લી ફિટ થઈ ગયો છે

મુંબઈઃ આગામી નવમી સપ્ટેમ્બરથી યુએઇમાં રમાનારા ટી-20ના એશિયા કપ (Asia Cup) માટે ટીમ નક્કી કરવા મંગળવાર, 19મી ઑગસ્ટે મુંબઈમાં અજિત આગરકરની આગેવાનીમાં પસંદગીકારોની સમિતિની બેઠક યોજાય એ પહેલાં જ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ફિટ જાહેર થઈ ગયો છે. તેણે બેંગલૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ (Fitness test) પાસ કરી છે.
એશિયા કપ 9મી સપ્ટેમ્બરે શરૂ થયા બાદ એમાં ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઇ સામે રમાશે, પરંતુ સૌની નજર રવિવાર, 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનારી ભારતની મૅચ પર રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-ફોર રાઉન્ડમાં તેમ જ ફાઇનલમાં પણ મુકાબલો થવાની સંભાવના છે.
આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવે કોલકાતા પહોંચીને કઈ મનપસંદ ચીજ ખાધી?
સૂર્યકુમારે આ વર્ષની આઇપીએલમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ મેળવ્યો હતો. ત્યાર પછી તેણે જૂનમાં જર્મનીમાં પેડુમાં જમણા ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. આ પ્રકારની શારીરિક તકલીફ મોટા ભાગે ઍથ્લીટો અને ખેલાડીઓને થતી હોવાથી એને સ્પોર્ટ્સ હર્નિયા નામ અપાયું છે.
સૂર્યકુમારે 2025ની આઇપીએલમાં કુલ 717 રન કર્યા હતા અને મુંબઈ ઇન્ડિયન્સ વતી એક સીઝનમાં 600થી વધુ રન કરનાર તે સચિન તેન્ડુલકર પછીનો બીજો ખેલાડી છે. સૂર્યા આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન (759 રન) પછી બીજા નંબર પર હતો અને મુંબઈ ઇન્ડિયન્સને પ્લે-ઑફમાં પહોંચાડવામાં તેનું મહત્ત્વનું યોગદાન હતું.
2023માં સૂર્યાએ પગની ઘૂંટીમાં ઑપરેશન કરાવ્યું હતું. ત્યારે પણ તેણે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી.