સૂર્યકુમાર થયો વિરાટની બરાબરીમાં, આજે ડેબ્યૂ સિરીઝ-વિજયની તલાશમાં
પલ્લેકેલ: ટી-20માં ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 16મી વખત મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ મેળવીને ટી-20ના નિવૃત્ત ખેલાડી વિરાટ કોહલીના વિશ્વવિક્રમની શનિવારે બરાબરી કરી હતી. આજે ભારતની શ્રીલંકા સામે બીજી ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે અને શનિવારના વિજય બાદ આ મૅચ પણ જીતીને સૂર્યકુમાર કેપ્ટન તરીકેની પોતાની ડેબ્યૂ સિરીઝમાં ટ્રોફી હાંસલ કરવા મક્કમ છે.
સૂર્યકુમારના સુકાનમાં અગાઉ ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ટી-20 સિરીઝ 4-1થી જીતી હતી. સાઉથ આફ્રિકા સામે તેના સુકાનમાં ભારતે સિરીઝ 1-1થી ડ્રો કરી હતી. જોકે એ બંને સિરીઝમાં સૂર્યકુમાર કાર્યવાહક કેપ્ટન હતો. હવે તે રેગ્યુલર કેપ્ટન છે અને આજે જ પહેલો સિરીઝ-વિજય મેળવવાની તલાશમાં છે.
આ સિરીઝમાં હજી બે મૅચ બાકી છે અને સૂર્યાના સુકાનમાં ભારતીય ટીમ યજમાન શ્રીલંકાને જરા પણ હળવાશથી લેવા નથી માગતી. જોકે શનિવારની મૅચનો પોતાની ટીમનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ જોઈને સૂર્યાને આજે જ સિરીઝ જીતી લેવાની ખાતરી છે.
સૂર્યકુમારે ફક્ત 69 ટી-20 મૅચમાં 16 વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો છે. વિરાટ કોહલી હવે ટી-20માંથી રિટાયર થઈ ગયો છે. તેણે 125 મેચમાં 16 વાર આ પુરસ્કાર હાંસલ કર્યો હતો. એ રીતે, સૂર્યકુમાર આ એવોર્ડ જીતવામાં તેનાથી ઘણો ઝડપી છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા (91 મૅચમાં 15 અવૉર્ડ) આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે.
શનિવારે ભારતે શ્રીલંકાને પહેલી ટી-20માં 43 રનથી હરાવ્યું હતું. ભારતે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 213 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં 170 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑલરાઉન્ડર રિયાન પરાગ બૅટિંગમાં ફ્લૉપ ગયો હતો, પરંતુ તેણે ફક્ત 1.2 ઓવરમાં પાંચ રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી.