ટી-20નો વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર પોતે જ નવા સુકાનીના હાથ નીચે રમવા તૈયાર થયો
મુંબઈ: શ્રીલંકામાં ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ટાઇ પછીની સુપરઓવરના ચમત્કારિક વિજય સાથે ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી અને સૂર્યકુમાર એ સિરીઝમાં મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો, પરંતુ તેને પછીની શ્રીલંકા સામેની જ વન-ડે સિરીઝની ટીમમાં સ્થાન નહોતું. હવે સૂર્યકુમારે મુંબઈ ક્રિકેટને ગર્વ અપાવે એવું કર્યું છે. તે પોતે જ મુંબઈના નવા સુકાની સરફરાઝ ખાનની કૅપ્ટન્સીમાં રમવા તૈયાર થયો છે.
આગામી 15મી ઑગસ્ટે બુચી બાબુ ઇન્વિટેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને સૂર્યકુમારે મુંબઈ વતી એમાં રમવાની તૈયારી બતાવી છે. સૂર્યકુમાર મુંબઈનો જ ખેલાડી છે, પરંતુ તે બુચી બાબુ સ્પર્ધામાં રમશે કે નહીં એ વિશે મૂંઝવણ હતી. જોકે એક અખબારી અહેવાલ અનુસાર ખુદ સૂર્યકુમારે મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના ચીફ સિલેક્ટર સંજય પાટીલને વાકેફ કર્યા છે કે તે આ સ્પર્ધામાં રમશે. સૂર્યકુમારે તેમને એવું કહ્યું પણ જણાવ્યું હતું કે તે હંમેશાં મુંબઈ વતી રમવા ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : સૂર્યકુમારે કેમ આવું કહ્યું, ‘મારે કૅપ્ટન નથી બનવું, મારે તો…’
સૂર્યકુમારે એમસીએને માહિતગાર કરતા કહ્યું છે કે તે પચીસમી ઑગસ્ટથી બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમશે અને એ સ્પર્ધામાં રમવાથી તેને ડોમેસ્ટિક સીઝન પહેલાં સારી મૅચ-પ્રૅક્ટિસ પણ થઈ જશે.
એમસીએ તરફથી સૂર્યકુમારને કહેવામાં આવ્યું હતું કે તે મુંબઈ વતી રમવા આવે ત્યારે ટીમની કૅપ્ટન્સી સંભાળી શકશે. જોકે સૂર્યકુમારે ચીફ સિલેક્ટરને જણાવ્યું કે તેમણે સરફરાઝ ખાનને જ કૅપ્ટન્સીમાં જાળવી રાખવો જોઈએ અને તે તેની કૅપ્ટન્સીમાં રમશે.
રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પરાજિત થઈ છે. હવે મોટા ભાગના ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બરમાં શરૂ થનારી ડોમેસ્ટિક સીઝનમાં રમશે જેમાં શરૂઆત દુલીપ ટ્રોફીથી થશે.
નૅશનલ સિલેક્ટરોએ સૂર્યકુમાર યાદવને માત્ર ટી-20 ઇન્ટરનૅશનલનો ખેલાડી જ ગણ્યો છે અને તેને વન-ડેના ફૉર્મેટથી દૂર રાખ્યો છે.