શ્રીલંકા સામે રિયાન પરાગને કેમ સિલેક્ટ કરાયો?
પલ્લેકેલ: મિડલ-ઑર્ડરના ટૅલન્ટેડ અને આક્રમક બૅટર રિયાન પરાગે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝથી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી અને એમાં સારું પર્ફોર્મ ન કરવા છતાં તેને શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી ઉપરાંત વન-ડે સિરીઝ માટેની ટીમમાં પણ સ્થાન મળ્યું છે.
ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ત્રણમાંથી એક મૅચમાં તેની બૅટિંગ નહોતી આવી, જ્યારે એક મૅચમાં ફક્ત બે રન તથા અન્ય એક મૅચમાં (24 બૉલમાં) બાવીસ રન બનાવ્યા હતા. જોકે તેણે આ વખતની આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી 14 મૅચમાં 573 રન બનાવ્યા હતા જે તમામ બૅટર્સમાં ત્રીજા નંબરે હતા.
આવું કેમ થયું એના કારણો પર નજર કરીએ… ઋતુરાજ ગાયકવાડ જેવા ભરોસાપાત્ર બૅટરને છોડીને રિયાનના નામ પર કેમ કળશ ઢોળવામાં આવ્યો એના કેટલાક કારણ એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં આપવામાં આવ્યા છે.
એમાં કહેવાયું છે કે તિલક વર્મા ઈજાગ્રસ્ત હોવાથી રિયાનને ભારત વતી રમવાનો ફરી મોકો અપાયો છે. બીજું, રિયાનનો ગેમ પ્રત્યેના અભિગમમાં હવે ઘણો સુધારો થયો છે એટલે એ કારણસર પણ સિલેક્ટર્સે તેને પસંદ કરવા પર વધુ ચર્ચા કરી હતી. ત્રીજું, તે ઑલરાઉન્ડર છે અને તેના લેગ-સ્પિન ઘણા અસરકારક હોય છે. ચોથું, રિયાનની ફીલ્ડિંગ પણ સારી છે. પાંચમું કારણ એ છે કે તેની ટૅલન્ટ પારખીને સિલેક્ટર્સ તેની ગેમને ભવિષ્ય માટે સારી રીતે ડેવલપ કરવા માગે છે એટલે તેને શ્રીલંકા સામેની બન્ને સિરીઝમાં રમવાનો મોકો આપ્યો છે. આસામના ગુવાહાટીમાં જન્મેલો બાવીસ વર્ષનો રિયાન 29 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 1,798 રન બનાવી ચૂક્યો છે અને તેણે 50 વિકેટ પણ લીધી છે.