સ્પોર્ટસ

રૅન્કિંગમાં સૂર્યકુમારને ઝટકો, તિલકની છલાંગઃ અભિષેક હજીયે નંબર-વન

દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ ટી-20ના નવા ક્રમાંક જાહેર કર્યા છે જે મુજબ ભારતના આઉટ-ઑફ-ફૉર્મ કૅપ્ટન સૂર્યકુમાર યાદવને મોટું નુકસાન થયું છે અને તે ટૉપ-ટેનની બહાર થઈ ગયો છે. આવતા મહિને (21મી જાન્યુઆરીથી) ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી ટી-20 શ્રેણી અને ત્યાર પછી ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમાનારા ટી-20ના વર્લ્ડ કપ પહેલાં સૂર્યા (Suryakumar)એ રૅન્કિંગમાં મોટી પછડાટ જોવી પડી છે. તે એક સમયે ટી-20ના બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન હતો, પણ હવે ઘણા વખતે ટૉપ-10ની બહાર થઈ ગયો છે. તે 660 પૉઇન્ટ સાથે સીધો 13મા નંબરે પહોંચી ગયો છે.

અભિષેક શર્મા ટી-20માં વર્લ્ડ નંબર-વન છે અને એ સ્થાન તેણે જાળવી રાખ્યું છે. તેના નામે 908 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે બીજા નંબરના ફિલ સૉલ્ટના નામે 849 પૉઇન્ટ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે 2025ના વર્ષના અંત સુધી અભિષેક જ નંબર-વન પર રહેશે.

તિલક વર્મા હવે અભિષેક અને સૉલ્ટ પછી ત્રીજા નંબરે છે. તિલકના રેટિંગ વધીને 805 થઈ ગયા છે. તિલકે પ્રગતિ કરી એને કારણે કેટલાક બૅટ્સમેનોએ અધોગતિ જોવી પડી છે. શ્રીલંકાનો પથુમ નિસંકા (779 પૉઇન્ટ) ચોથા નંબરે છે, જ્યારે ઇંગ્લૅન્ડનો જૉસ બટલર (770 પૉઇન્ટ) પાંચમા સ્થાને છે.

ટી-20 બૅટ્સમેનોમાં કોણ ટૉપ-ટેનમાં

(1) અભિષેક શર્મા, 908 પૉઇન્ટ
(2) ફિલ સૉલ્ટ, 849 પૉઇન્ટ
(3) તિલક વર્મા, 805 પૉઇન્ટ
(4) પથુમ નિસંકા, 779 પૉઇન્ટ
(5) જૉસ બટલર, 770 પૉઇન્ટ
(6) સાહિબઝાદા ફરહાન, 752 પૉઇન્ટ
(7) ટ્રૅવિસ હેડ, 713 પૉઇન્ટ
(8) મિચલ માર્શ, 684 પૉઇન્ટ
(9) ટિમ સીફર્ટ, 683 પૉઇન્ટ
(10) ડેવાલ્ડ બ્રેવિસ, 680 પૉઇન્ટ

આપણ વાંચો:  T20 વર્લ્ડ કપ પહેલા ઈશાન કિશનની ગર્જના! વિજય હજારે ટ્રોફીમાં તોફાની સદી ફટકારી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button