ટીમ ઇન્ડિયાનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર બાંદરાના મેદાન પર ધમાલ મચાવશે!
મુંબઈ: ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને એક મહત્ત્વની જાણકારી મળી છે. એક અહેવાલ મુજબ તે શુક્રવાર, 11મી ઑક્ટોબરે શરૂ થતી રણજી ટ્રોફીમાં મુંબઈ વતી રમશે. તે રણજીની આ મૅચના સિલેક્શન માટે ઉપલબ્ધ છે.
મુંબઈની આ રણજી મૅચ 18મી ઑક્ટોબરે બાંદરા (પૂર્વ)માં બીકેસી ખાતેના શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પર મહારાષ્ટ્ર સામે રમાવાની છે. સૂર્યા એ મુકાબલાથી રણજીના મેદાન પર ઊતરતો જોવા મળી શકે. હાલમાં તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝમાં રમી રહ્યો છે જેની છેલ્લી મૅચ શનિવાર, 12મી ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મુંબઈની મહારાષ્ટ્ર સામેની 18મી ઑક્ટોબરની મૅચ પહેલાં જ સૂર્યા ફુરસદમાં આવી જવાનો છે.
ભારતની બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી પછી ભારતીય ટેસ્ટ ટીમની ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ રમાશે. સૂર્યાને એ સિરીઝમાં રમવા મળે એની સંભાવના બહુ ઓછી છે. તેને હજી સુધી ભારત વતી એક જ ટેસ્ટ રમવા મળી છે. એ મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.
સૂર્યાના ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકૉર્ડ બહુ સારો છે. તેણે 83 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 5,649 રન બનાવ્યા છે જેમાં તેની 14 સેન્ચુરી અને 29 હાફ સેન્ચુરી સામેલ છે. સૂર્યાએ ડબલ સેન્ચુરી પણ ફટકારી છે.