સૂર્યાનો ઐતિહાસિક કેચ: જય શાહે ખાસ મેડલ આપ્યો, સુર્યાના કોચે પ્રેક્ટિસ અંગે રસપ્રદ વાત કહી
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024(T20 world cup 2024)ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવ્યું, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 176 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav)એ છેલ્લી ઓવરમાં શાનદાર કેચ પકડ્યો હતો. જેના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ શાનદાર કેચ પકડવા બદલ BCCI સેક્રેટરી જય શાહે ડ્રેસિંગ રૂમમાં સૂર્યાને બેસ્ટ ફિલ્ડર મેડલ આપ્યો હતો.
સૂર્યકુમાર યાદવના કોચ અશોક અસવાલકરે એક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે અમારું ફિલ્ડિંગ સત્ર ખૂબ જ અઘરું રહેતું હતું. કેચિંગ સેશન દરમિયાન તે સતત 25 કેચ પકડવાની પ્રેક્ટિસ કરતો હતો. જો એક કેચ પણ ચૂકી જાય તો તેણે ફરીથી 25 કેચ લેવા પડતા. જ્યારે ખેલાડીઓ આવ્યા ત્યારે તેમના હાથ સફેદ હતા પરંતુ જ્યારે તેઓ ગયા ત્યારે તેમના હાથ લાલ થઇ ગયા હતા.
તેમણે કહ્યું કે સૂર્યકુમાર યાદવ સતત બે કલાક ફિલ્ડીંગ પ્રેક્ટિસ કરતો હતો. ટીમ ઈન્ડિયામાં જ્યારે સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સૂર્યાનું નામ ક્યાંય દેખાઈ રહ્યું ન હતું. એક દિવસ સૂર્યાએ મને સવારે 7 વાગે ફોન કર્યો અને કહ્યું કે મીડિયાના લોકો મને ખૂબ પરેશાન કરી રહ્યા છે. મીડિયાના લોકો પૂછી રહ્યા હતા કે મારી પસંદગી કેમ નથી થઈ રહી. પછી મેં સૂર્યાને કહ્યું કે અત્યારે કોઈની સાથે વાત ન કર. મીડિયાને કહો કે જ્યારે મારી પસંદગી થશે ત્યારે હું તમારી સાથે વાત કરીશ. મેં તેને શાંત રહેવાની સલાહ આપી. સુર્યાએ મને ગુરુ દક્ષિણા આપી છે. સૂર્યા ફક્ત ભારત માટે રમવા માંગતો હતો પરંતુ આજે તેની પાસે વર્લ્ડ કપની ટ્રોફી છે.
આ પણ વાંચો : “હું ઈચ્છતો હતો કે રોહિત…”, શોએબ અખ્તરે રોહિત અંગે આવી ટીપ્પણી કરી
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી, કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બોલિંગ સોંપી. આફ્રિકાના સેટ બેટ્સમેન ડેવિડ મિલરે પહેલા જ ફૂલ ટોસ બોલ પર હવામાં શોટ માર્યો. એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ સૂર્યકુમાર યાદવે સ્ફૂર્તિ અને ચતુરતા દાખવી કેચ પકડી હતો. તેણે પહેલા બોલને બાઉન્ડ્રીની અંદર પકડ્યો અને તરત જ ઉછાળ્યો, આ પછી તે બાઉન્ડ્રી લાઇનની બહાર જઈને ફરી અંદર આવ્યો અને બોલ પકડી લીધો. આ વિકેટ ભારત માટે ઘણી મહત્વની હતી. જો બોલ પર સિક્સ ગઈ હોત તો ટીમ ઈન્ડિયાનું મેચ જીતવું મુશ્કેલ થઇ ગયું હોત, આ શાનદાર કેચ પકડવા બદલ BCCI સેક્રેટરી જય શાહે ડ્રેસિંગ રૂમમાં સૂર્યાને બેસ્ટ ફિલ્ડર મેડલ આપ્યો હતો