સૂર્યકુમારે બૅટિંગ કરવાનું ટાળીને ઠીક કર્યું હતું? ગાવસકર કહે છે કે…

દુબઈઃ શુક્રવારે અહીં એશિયા કપની આખરી લીગ મૅચમાં ભારત સામે ઓમાન જેવી નાની ટીમ પરાજિત થતાં પહેલાં ફક્ત ચાર વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી એ જોતાં કહી શકાય કે ભારતે (India) રવિવાર, 21મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેના મુકાબલામાં બોલિંગમાં ઘણો સુધારો કરવો પડશે, પરંતુ બીજી મુદ્દાની વાત એ છે કે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એ દિવસે (શુક્રવારે) જો બૅટિંગ કરી હોત તો ભારતનો સ્કોર 188 રનને બદલ 200 રનને પાર થઈ શક્યો હોત અને ઓમાન (Oman) સામે ભારત 21 રનને બદલે વધુ રનના માર્જિનથી જીત્યું હોત. જોકે સૂર્યકુમારના બૅટિંગ ન કરવા વિશેના નિર્ણયને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) ટેકો આપ્યો છે.
Suryakumar Yadav did not bat tonight, he was slotted at No.11. pic.twitter.com/rCtxaSU1Ua
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2025
ભારતે યુએઇ અને પાકિસ્તાન સામે જીતીને સુપર-ફોરમાં સ્થાન પાકું કરી લીધું હતું એટલે શુક્રવારે ઓમાન સામે ભારતે જસપ્રીત બુમરાહ તથા વરુણ ચક્રવર્તીને આરામ આપીને અર્શદીપ સિંહ તથા હર્ષિત રાણાને રમવાની તક આપી હતી તેમ જ સૂર્યકુમારે બૅટિંગ-ઑર્ડરમાં ફેરફાર કરવાની સાથે ટીમના ખેલાડીઓને બૅટિંગની મૅચ-પ્રૅક્ટિસ અપાવવાના હેતુથી જ પોતે છેક સુધી બૅટિંગ નહોતી કરી.
આ પણ વાંચો : ઓમાન જેવા ટચૂકડા દેશ સામે ભારત માંડ-માંડ જીત્યું
ગાવસકરે આ ટૂર્નામેન્ટનું પ્રસારણ કરતી જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પરની વાતચીતમાં ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણને કહ્યું, ` સૂર્યકુમારે જો એક ઓવર બૅટિંગ કરી હોત તો એમાં તેણે થોડા ચોક્કા-છગ્ગા ફટકાર્યા હોત અને એ સારું કહેવાત, પરંતુ ગયા રવિવારે પાકિસ્તાન સામે તે જે રીતે રમ્યો એ જોતાં મને લાગે છે કે તેને કોઈ બૅટિંગ-પ્રૅક્ટિસની જરૂર જ નથી. ભારત જો કોઈ મૅચમાં ઝડપથી વિકેટો ગુમાવી બેસે તો કુલદીપ યાદવ બૅટિંગમાં થોડો ઘણો કામ લાગી શકે એવું સૂર્યકુમારે વિચાર્યું હશે અને એટલે જ કુલદીપને બૅટિંગમાં મોકલ્યો હશે. સૂર્યકુમારે આ રીતે આઉટ-ઑફ-બૉક્સ વિચાર્યું એ મને ખૂબ ગમ્યું. ટીમના હિતમાં કંઈક જુદું વિચારવાની તેની આદત મને ગમી છે.’
76 વર્ષીય ગાવસકરે સૂર્યકુમારની પ્રશંસામાં એવું પણ જણાવ્યું હતું કે ` શ્રીલંકામાં આપણે જોયું હતું કે તેણે પોતે બોલિંગ કરી હતી તેમ જ રિન્કુ સિંહને પણ ઓવર આપી હતી. તેણે મૅચમાં ટર્ન લાવી દીધો હતો અને ભારત એ મૅચ જીતી ગયું હતું. સૂર્યકુમાર નવીન વિચારો અમલમાં મૂકતો હોય છે જે મને ગમ્યું. આ અભિગમ અપનાવ્યો હોવાથી જ સૂર્યાએ શુક્રવારે કુલદીપ અને અર્શદીપને બૅટિંગમાં મોકલ્યા હશે.’