સ્પોર્ટસ

સિરીઝના સુપરસ્ટાર્સ અને સ્ટાર્સે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ-ક્રિકેટમાં નવી દિશા બતાવી

યશસ્વી, અશ્વિન, કુલદીપ, જાડેજા અને ગિલે શાનદાર પર્ફોર્મન્સથી ટીમ ઇન્ડિયાને ઇંગ્લૅન્ડ સામે બૅક-ટુ-બૅક ચાર જીત અપાવી: રોહિતની કૅપ્ટન્સી અને બૅટિંગ પણ બેમિસાલ હતા: બુમરાહ પણ બેનમૂન રમ્યો અને સરફરાઝ, જુરેલ, પડિક્કલ તથા આકાશ દીપે તકનો સારો લાભ ઉઠાવ્યો

યશસ્વી જયસ્વાલ: રેટિંગ 10/10
મૅચ: પાંચ, ઇનિંગ્સ: નવ, બૉલ રમ્યો: 891, રન: 712 (હાઈએસ્ટ), સેન્ચુરી: બે (બન્ને ડબલ), હાફ સેન્ચુરી: ત્રણ, હાઇએસ્ટ: 214*, સિક્સર: 26 (હાઈએસ્ટ), ફોર: 68 (હાઈએસ્ટ), ઍવરેજ: 89.00 (બેસ્ટ), સ્ટ્રાઇક રેટ: 79.91, કૅચ: ત્રણ
વિગત: બાવીસ વર્ષના આ ઓપનરે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અનેક રેકૉર્ડ તોડ્યા અને અનેક વિક્રમોની બરાબરી કરી. ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં તેના 712 રન નવો ભારતીય વિક્રમ છે. 16 ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કરીને ભારતીયોમાં કાંબળી (14 ઇનિંગ્સ) પછી સેક્ધડ ફાસ્ટેસ્ટ બૅટર બન્યો. જોકે સૌથી ઓછી 9 ટેસ્ટમાં 1,000 બનાવીને ગાવસકર, પૂજારાનો વિક્રમ તેણે તોડ્યો. એક સિરીઝમાં સૌથી વધુ 26 સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો. એક દાવમાં સૌથી વધુ 12 છગ્ગા ફટકારવાના અકરમના વિશ્ર્વવિક્રમની બરાબરી પણ કરી.

રોહિત શર્મા: રેટિંગ 10/9
મૅચ: પાંચ, ઇનિંગ્સ: નવ, બૉલ રમ્યો: 623, રન: 400, સેન્ચુરી: બે, હાફ સેન્ચુરી: એક, હાઇએસ્ટ: 131, સિક્સર: સાત, ફોર: 48, ઍવરેજ: 44.44, સ્ટ્રાઇક રેટ: 64.20, કૅચ: છ
વિગત: પહેલી બે ટેસ્ટના ચારેય દાવમાં ફ્લૉપ હતો, પણ રાજકોટની ત્રીજી ટેસ્ટના 131 રનથી તે પાછો ફૉર્મમાં આવ્યો હતો. તેની કૅપ્ટન્સી વિશે સિરીઝની પહેલાં ખૂબ ટીકા થતી હતી, પણ ભારતને 4-1થી જિતાડવામાં તેના નિર્ણયોનો પણ મોટો ફાળો હતો. કોહલીની ગેરહાજરીમાં ટીમના સિનિયર-મોસ્ટ બૅટર તરીકે જવાબદારી સારી રીતે સંભાળી હતી. ઓપનિંગમાં યશસ્વી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો જેને લીધે યશસ્વી નવા-નવા વિક્રમો રચતો ગયો. ભારતને જિતાડવામાં તેમ જ ટેસ્ટમાં નંબર-વન બનાવવામાં બન્નેનું મોટું યોગદાન હતું.

શુભમન ગિલ: રેટિંગ 10/8
મૅચ: પાંચ, ઇનિંગ્સ: નવ, બૉલ રમ્યો: 760, રન: 452, સેન્ચુરી: બે, હાફ સેન્ચુરી: બે, હાઈએસ્ટ: 110, સિક્સર: 11, ફોર: 45, ઍવરેજ: 56.50, સ્ટ્રાઇક રેટ: 59.47, કૅચ: છ
વિગત: કોહલીની ગેરહાજરીમાં ગિલ પર મોટી જવાબદારી હતી. પહેલી ત્રણ ઇનિંગ્સમાં સારું ન રમતા ટીમને અને તેના ચાહકોને ચિંતા થઈ હતી, પણ પછી બીજી ટેસ્ટમાં મૅચ-વિનિંગ સેન્ચુરી સાથે ફૉર્મમાં આવ્યો. પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને ઓપનિંગનું સ્થાન છોડીને વનડાઉનમાં રમનાર ગિલ રાજકોટમાં 9 રન માટે સદી ન ચૂક્યો હોત તો સિરીઝમાં તેના નામે બેને બદલે હાઇએસ્ટ ત્રણ સેન્ચુરી લખાઈ હોત. પહેલી છ ઇનિંગ્સમાં તેના બે ઝીરો હતા એને કારણે તેના માર્ક થોડા કપાઈ ગયા એમ કહી શકાય.

સરફરાઝ ખાન: રેટિંગ 10/7
મૅચ: ત્રણ, ઇનિંગ્સ: પાંચ, બૉલ રમ્યો: 252, રન: 200, હાફ સેન્ચુરી: ત્રણ, હાઇએસ્ટ: 68*, સિક્સર: પાંચ, ફોર: 24, ઍવરેજ: 50.00, સ્ટ્રાઇક રેટ: 79.36, કૅચ: ત્રણ
વિગત: રાજકોટની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેના પિતા નૌશાદ ખાન તથા પત્ની રોમાના ભાવુક થઈ ગયા હતા. એ મૅચના પહેલા જ દાવમાં ધમાકેદાર 62 રન બનાવ્યા અને જો જાડેજાની ભૂલને કારણે રનઆઉટ ન થયો હોત તો ડેબ્યૂમાં જ ઐતિહાસિક સેન્ચુરી તેના નામે લખાઈ હોત. જોકે પછીથી બીજી બે હાફ સેન્ચુરીથી અને ફીલ્ડિંગમાં ટીમને ઘણો ઉપયોગી બન્યો.

રવીન્દ્ર જાડેજા: રેટિંગ 10/9
મૅચ: ચાર, ઇનિંગ્સ: આઠ, બૉલ રમ્યો: 520, રન: 232, સેન્ચુરી: એક, હાફ સેન્ચુરી: એક, હાઇએસ્ટ: હાઇએસ્ટ: 112, સિક્સર: છ, ફોર: 16, ઍવરેજ: 38.66, સ્ટ્રાઇક રેટ: 44.61, કૅચ: એક, બૉલ ફેંક્યા: 879, બોલિંગમાં રન બન્યા: 476, વિકેટ: 19, દાવમાં બેસ્ટ: 5/41, બોલિંગ સરેરાશ: 25.05, ઇકોનોમી: 3.24, દાવમાં પાંચ વિકેટ: એક વાર
વિગત: ટીમનો આ એકમાત્ર ભરોસાપાત્ર ઑલરાઉન્ડર મિડલ-ઑર્ડર બૅટિંગમાં અને સ્પિન-આક્રમણમાં ટીમ માટે મોટો આધાર બની ગયો હતો. સારા ઓપનિંગ પછી ટૉપ મિડલ ઑર્ડર નબળો રહેતાં જાડેજા બૅટિંગમાં સાધારણથી લઈને સારું પર્ફોર્મ કરતો અને એ ઉપરાંત બોલિંગમાં અશ્ર્વિન અને કુલદીપને સારો સપોર્ટ આપતો.

રવિચન્દ્રન અશ્વિન: રેટિંગ 10/10
મૅચ: પાંચ, ઇનિંગ્સ: દસ, બૉલ ફેંક્યા: 939, બોલિંગમાં રન બન્યા: 649, વિકેટ: 26 (હાઇએસ્ટ), દાવમાં બેસ્ટ: 5/51, બોલિંગ સરેરાશ: 24.80, ઇકોનોમી: 4.12, દાવમાં પાંચ વિકેટ: બે વાર, રન બનાવ્યા: 116, કૅચ: એક
વિગત: સિરીઝનો આ સર્વશ્રેષ્ઠ બોલર બન્ને ટીમના તમામ બોલરોમાં સુપરસ્ટાર બની ગયો. 100મી ટેસ્ટમાં તેમ જ એ પહેલાંની ચાર મૅચમાં દર્શનીય પર્ફોર્મન્સ આપ્યો અને ટીકાકારોની બોલતી બંધ કરી. માત્ર બીજી ટેસ્ટના એક દાવમાં વિકેટ વિનાનો રહ્યો. શતાબ્દિ મૅચમાં ઘણા વિક્રમો કર્યા અને છેલ્લા દાવમાં પાંચ વિકેટ લઈને બ્રિટિશરોની ટીમને સિરીઝમાં મરણતોલ ફટકો માર્યો.

કુલદીપ યાદવ: રેટિંગ 10/9
મૅચ: ચાર, ઇનિંગ્સ: આઠ, બૉલ ફેંક્યા: 685, બોલિંગમાં રન બન્યા: 383, વિકેટ: 19, દાવમાં બેસ્ટ: 5/72, બોલિંગ સરેરાશ: 20.15, ઇકોનોમી: 3.35, દાવમાં પાંચ વિકેટ: એક વાર, રન બનાવ્યા: 97, કૅચ: 0
વિગત: અશ્ર્વિન અને જાડેજાની હાજરીમાં કુલદીપની જરૂર પડશે કે કેમ એવી શંકા સિરીઝની પહેલાં ચર્ચાતી હતી, પણ કુલદીપે આખરી મુકાબલામાં મૅચ-વિનિંગ પાંચ વિકેટના પર્ફોર્મન્સ સહિત એકંદરે અસાધારણ પર્ફોર્મ કરીને ટીકાકારોની બોલતી તો બંધ કરી જ હતી, ટીમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરતો ગયો હતો. શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દાવમાં અને ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં ફ્લૉપ રહ્યો હતો, પરંતુ એકંદરે આ રિસ્ટ સ્પિનર ટીમને જરૂર પડી ત્યારે ખૂબ કામમાં આવ્યો જ હતો. પાંચમી ટેસ્ટના પહેલા દાવમાં પાંચ વિકેટ લઈને બ્રિટિશરોને પરાજયની દિશા બતાવવા બદલ તે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી શક્યો હતો.

ધ્રુવ જુરેલ: 10/8
મૅચ: ત્રણ, ઇનિંગ્સ: છ, બૉલ રમ્યો: 354, રન: 190, હાફ સેન્ચુરી: એક, હાઇએસ્ટ: 90, સિક્સર: સાત, ફોર: 12, ઍવરેજ: 63.33, સ્ટ્રાઇક રેટ: 53.67, કૅચ: પાંચ, સ્ટમ્પિંગ: બે.
વિગત: ઉત્તર પ્રદેશના 23 વર્ષના આ યુવાનને કેએસ ભરતના સ્થાને રાજકોટની ત્રીજી ટેસ્ટથી રમવા મળ્યું અને એનો તેણે ફાયદો ઉઠાવી ડેબ્યૂને શાનદાર બનાવી દીધું. રાજકોટમાં ડેબ્યૂ ટેસ્ટમાં ઉપયોગી 46 રન બનાવીને મહત્ત્વપૂર્ણ ભાગીદારી પણ કરી. રાંચીની ચોથી ટેસ્ટમાં 90 રનની બેનમૂન ઇનિંગ્સ રમ્યો જેને કારણે તેના માર્ક ખૂબ વધી ગયા. એ દાવમાં તેના 90 રન યશસ્વી (73)થી પણ વધુ હતા અને પછી બીજા દાવમાં 39 રને ગિલ સાથે અણનમ રહ્યો હતો અને ભારતને જિતાડ્યું હતું.

જસપ્રીત બુમરાહ: 10/9
મૅચ: ચાર, ઇનિંગ્સ: આઠ, બૉલ ફેંક્યા: 623, બોલિંગમાં રન બન્યા: 321, વિકેટ: 19, દાવમાં બેસ્ટ: 6/45, બોલિંગ સરેરાશ: 16.89, ઇકોનોમી: 3.09, દાવમાં પાંચ વિકેટ: એક વાર, રન બનાવ્યા: 58, કૅચ: ચાર.
વિગત: ટીમના આ મુખ્ય પેસ બોલરને સ્પિન-ત્રિપુટીની હાજરીમાં બહુ બોલિંગ નહોતી મળી, પરંતુ મળી ત્યારે તે બ્રિટિશ બૅટર્સ પર માનસિક દબાણ લાવ્યો હતો તેમ જ આઠમાંથી સાત ઇનિંગ્સમાં વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શ્રેણીની બીજી ટેસ્ટના પ્રથમ દાવના પર્ફોર્મન્સ (6.45)ને કારણે ઇંગ્લૅન્ડના બૅટર્સ પર તેના યૉર્કર સહિતના વૅરિએશન્સથી એવી ધાક બેસી ગઈ કે પછીથી તેઓ એક પછી એક મૅચ હારતા ગયા હતા. રાજકોટની ત્રીજી ટેસ્ટમાં તેના 26 રન અને છેલ્લે ધરમશાલાની ટેસ્ટના પહેલા દાવમાં 20 રન બનાવીને ટીમને સરસાઈ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ સિરાજ: રેટિંગ: 10/5
મૅચ: ચાર, ઇનિંગ્સ: આઠ, બૉલ ફેંક્યા: 403, બોલિંગમાં રન બન્યા: 276, વિકેટ: છ, દાવમાં બેસ્ટ: 4/84, બોલિંગ સરેરાશ: 46.00, ઇકોનોમી: 4.10, દાવમાં પાંચ વિકેટ: 0,
વિગત: આઠમાંથી છ ઇનિંગ્સમાં વિકેટ વિનાનો રહ્યો હતો. રાજકોટમાં 4/84નો અને રાંચીમાં 2/78નો પર્ફોર્મન્સ ટીમ માટે એક યા બીજી રીતે ઉપયોગી બન્યો અને ટીમને વિજયકૂચ જાળવી રાખવામાં મદદરૂપ થયો હતો. અગિયારમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યો અને ચાર દાવમાં અણનમ રહ્યો હતો. જોકે બૅટિંગમાં તેના પર્ફોર્મન્સની કોઈ ગણતરી નહોતી. એકંદરે બુમરાહને અને સ્પિનરોને તેનો સારો સપોર્ટ મળ્યો હતો.

રજત પાટીદાર: 10/2
મૅચ: ત્રણ, ઇનિંગ્સ: છ, બૉલ રમ્યો: 164, રન: 63, હાઇએસ્ટ: 32, ફોર: નવ, કૅચ: ચાર
વિગત: વિરાટ કોહલીની ગેરહાજરીમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટની હાર પછી પિંચ-હિટર પાટીદાર પર ભરોસો મૂકાયો, પરંતુ તે સદંતર નિષ્ફળ ગયો. તે બે વાર ઝીરોમાં આઉટ થયો અને એકેય ઇનિંગ્સમાં પૂરા 40 રન પણ નહોતો બનાવી શક્યો. હા, તેણે ચાર કૅચ પકડ્યા હતા. હવે આઇપીએલમાં સારું રમીને તે બધી નિરાશા ભુલાવી શકે એમ છે.

નોંધ: (1) દેવદત્ત પડિક્કલને શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ડેબ્યૂ કરવા મળ્યું અને તેણે બેહતરીન 65 રન બનાવ્યા. ભારત એક દાવથી જીત્યું હોવાથી એક જ વાર બૅટિંગ કરવાનો તેને મોકો મળ્યો હતો. પહેલા દાવમાં તેણે બે કૅચ પણ પકડ્યા હતા. (2) વિકેટકીપર કેએસ ભરતને પહેલી બે ટેસ્ટ રમવા મળી હતી. તેણે કુલ 92 રન બનાવ્યા હતા. હૈદરાબાદમાં તેણે 41 તથા 28 રનના સાધારણ પર્ફોર્મન્સ ઉપરાંત કુલ ચાર શિકાર કર્યા હતા. બીજી ટેસ્ટમાં બૅટિંગમાં તેનો 17 તથા છ રનનો પર્ફોર્મન્સ હતો અને તેણે બે કૅચ પણ પકડ્યા હતા. ત્રીજી ટેસ્ટથી ધ્રુવ જુરેલને રમાડવામાં આવ્યો હતો. (3) શ્રેયસ ઐયર પહેલી બે ટેસ્ટમાં 35, 13, 27 અને 29 રનના પર્ફોર્મન્સ સાથે સરિયામ નિષ્ફળ ગયો હતો. પછીથી તેને ડ્રૉપ કરવામાં આવ્યો હતો. (4) કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં પહેલાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં રમ્યો હતો જેમાં તેણે 86 તથા બાવીસ રન બનાવ્યા હતા. (5) અક્ષર પટેલને પહેલી બે ટેસ્ટ રમવા મળી હતી જેમાં તેણે કુલ પાંચ વિકેટ લીધી હતી. તેણે કુલ 133 રન પણ બનાવ્યા હતા, પરંતુ અશ્વિન, જાડેજા, કુલદીપની હાજરીમાં વધુ રમવા નહોતું મળ્યું. (6) પેસ બોલર આકાશ દીપને રાંચીની ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવા મળ્યું હતું. તેણે ઇંગ્લૅન્ડની પહેલી ત્રણેય વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. જોકે એ ત્રણ વિકેટ બાદ બીજા દાવમાં સ્પિનરોના તરખાટને પગલે તેને બોલિંગ જ નહોતી મળી. હા, આવનારી સિરીઝમાં સિલેક્ટરો આકાશ દીપને ફરી સિલેક્ટ કરવા જરૂર વિચારશે. (7) મુકેશ કુમારને શ્રેણીની બીજી ટેસ્ટ રમવા મળી જેમાં તે કુલ 70 રનમાં એક વિકેટ લઈ શક્યો હતો. (8) વૉશિંગ્ટન સુંદર તથા ઑલરાઉન્ડર સૌરભ કુમારને સિરીઝમાં નહોતું રમવા મળ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button