સ્પોર્ટસ

આ રાઇટી બૅટ્સમૅન અચાનક કેમ લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરવા લાગ્યો? ભારતીય સ્પિનર્સ સાવચેત થઈ જશે…

નવી દિલ્હીઃ ન્યૂ ઝીલૅન્ડનો 29 વર્ષની ઉંમરનો રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન ગ્લેન ફિલિપ્સ (Glenn Philips) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમ જ આઇપીએલમાં (ગુજરાત, હૈદરાબાદ, રાજસ્થાન વતી) આક્રમક બૅટિંગની ઝલક ઘણી વાર આપી ચૂક્યો છે, પણ હવે તે લેફ્ટ-હૅન્ડ બૅટિંગની સઘન તાલીમ પણ લઈ રહ્યો છે જેમાં (ખાસ કરીને રવિવારે વડોદરામાં શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝ તથા એ પછીની ટી-20 શ્રેણીમાં તેમ જ ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપમાં) તેની નવી બૅટિંગ-કલાની ઝાંખી થશે. એટલું જ નહીં, તેણે તાજેતરમાં પોતાના દેશની ટી-20 લીગની એક મૅચ દરમ્યાન એક તબક્કે લેફ્ટ-હૅન્ડ (Left Hand) બૅટિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

ક્રિકેટના નિયમ મુજબ ઓવર દરમ્યાન પોતે જો સ્ટાન્સ બદલવાનો હોય તો બૅટ્સમૅને અમ્પાયરને અગાઉથી જાણ કરવી પડતી હોય છે. ગ્લેન ફિલિપ્સ બીબાઢાળ અભિગમથી મોટા ભાગે દૂર રહેવાનું પસંદ કરતો હોય છે અને એ રીતે તે આઉટ-ઑફ-બૉક્સ વલણ અપનાવવામાં માને છે. તે ખાસ કરીને લેફ્ટ-આર્મ સ્પિનનો સારી રીતે સામનો કરવાના હેતુથી લેફ્ટ-હૅન્ડ બૅટિંગ શીખી રહ્યો છે.

નવા સ્ટાન્સમાં ફટકારી સિક્સર

ન્યૂ ઝીલૅન્ડમાં સુપર સ્મૅશ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં ઑટેગો વતી એક મૅચમાં ફિલિપ્સે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સામે 48 બૉલમાં અણનમ 90 રન ખડકી દીધા હતા જેમાં ચાર સિક્સર અને સાત ફોર સામેલ હતી. નવાઈની વાત એ છે કે તેણે પોતાના જ દેશના લેફ્ટ-આર્મ સ્પિનર જેડન લેનૉક્સની ઓવરમાં લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરી હતી. ફિલિપ્સે એ ઓવરના એક બૉલને એક્સ્ટ્રા કવર પરથી સીધો બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો. જો તેણે એ બૉલનો રાબેતા મુજબ રાઇટ-હૅન્ડ બૅટિંગથી સામનો કર્યો હોત તો બૉલ મિડવિકેટ પરથી બાઉન્ડરી લાઇનની પાર ગયો હોત. જોકે ફિલિપ્સને એમાં લેફ્ટ-હૅન્ડ બૅટિંગથી જે સિક્સર મળી એ તેના માટે, તેની ટીમ માટે તેમ જ તેના ચાહકો માટે યાદગાર કહી શકાય.

ફિલિપ્સે એક કરતાં વધુ કારણ આપ્યા

ફિલિપ્સને એક મુલાકાતમાં એવું કહેતો ટાંકવામાં આવ્યો હતો કે ` લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરવી મને ખૂબ ગમી. આ રીતે સ્ટાન્સ બદલવા પાછળ એક કરતાં વધુ કારણો છે. લેફ્ટ-હૅન્ડ સ્પિનરના બૉલને હું સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકું છું. એ ઉપરાંત, હું મારા બન્ને હાથને અને બન્ને મગજને કાર્યરત રાખી શકું છું. હું બે વર્ષથી આ પ્રૅક્ટિસ કરું છું. ખાસ કરીને જે મૅચમાં મારે વધુ પડતાં લેફ્ટ-આર્મ સ્પિનનો સામનો કરવાનો હોય એમાં ક્યારેક સ્ટાન્સ બદલું છું.’

લેફ્ટ-હૅન્ડ બૅટિંગમાં કઈ ખાસ કાળજી

ભારતના વન-ડે અને ટી-20 સિરીઝના પ્રવાસે આવેલા ગ્લેન ફિલિપ્સે એવું પણ કહ્યું, ` મને જે પ્રકારની તાલીમ મળી રહી છે એના પર હું વિશ્વાસ રાખું છું. હું લેફ્ટ-આર્મ સ્પિનરના બૉલને ખૂબ ઝડપથી બારીકાઈથી પારખી લઉં છું અને મેં જે પ્રકારની તાલીમ મેળવી છે એને આધારે શૉટ મારું છું. સામાન્ય રીતે હું વિચારું છું કે સ્ટાન્સ બદલવાથી મારી વિકેટ પડી જશે તો પણ મારી ટીમને કોઈ નુકસાન નહીં થાય એવી મૅચમાં જ હું (લેફ્ટ-આર્મ સ્પિન સામે) રાઇટીમાંથી લેફ્ટી બની જાઉં છું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button